ગરીબ બાળકોના શિક્ષણ માટે નિઃસ્વાર્થપણે મહેનત કરી રહેલી ઇન્દોરની શિક્ષિકાઓ

Gujarati Uncategorized

ઇન્દોર નજીક આવેલા ગોમા ફળિયામાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ૭૨ બાળકો અભ્યાસ કરે છે. જો તે બાળકો ત્રણથી ચાર દિવસ પણ સ્કૂલ ન જાય તો શિક્ષિકા જાતે બાળકોને ઘરે લેવા જાય છે.


આ રીતે રોજ પાંચ-સાત બાળકોના ઘરે જાય છે. બાળકોને ઘરે લેવા જતાં શિક્ષિકા રાધા અગ્રવાલ અને ઉમા વિશ્વકર્મા ઇચ્છે છે કે, આ બાળકોને તેમની માતાની માફક બીજાના ઘરે જઇને વાસણ માંજવા ન પડે, કે પિતાની જેમ મજૂરી ન કરવી પડે. આ બાળકો સ્કૂલમાં આવે અને ભણીગણીને સારી નોકરી કરે તેવા ઉદ્દેશ્ય સાથે શિક્ષિકાઓ બાળકોને ઘરે લેવા જાય છે.

છેલ્લા ૧૫ વર્ષથી શિક્ષિકા રાધા અને ઉમા આ કાર્ય કરી રહી છે. હકીકતમાં જે સ્થળે આ લોકો ભણાવે છે, ત્યાંના બાળકોના પિતા મજૂરી તથા સફાઈ જેવા કામો કરે છે, અને માતા લોકોના ઘરે જઇને વાસણ માંજવાનું, સિલાઇકામ કે પાપડ વણવાનું કામ કરે છે. આ બાળકોના પરિવારમાં સવારથી માતા-પિતા બંને કામ પર જતા રહે છે. ઘરને સંભાળવાની સાથે ભાઈ-બહેનની જવાબદારી ઘરના મોટા કે સમજદાર બાળક પર હોય છે. તેથી તે બાળક સ્કૂલે જઇ શકતું નથી. જ્યારે બાળક સ્કૂલે ન દેખાય ત્યારે શિક્ષિકા રાધા અને ઉમા તેમના ઘરે પહોંચી જાય છે. જ્યારે બાળકને સ્કૂલે નહીં આવવા પાછળનું કારણ પૂછે તો તેઓ કહે છે કે ભાઇ-બહેનને કોણ સંભાળશે? શિક્ષિકા રાધા અને ઉમા વિદ્યાર્થીઓને તેમના ભાઇ-બહેનને પણ સ્કૂલે લઇને આવાની છૂટ આપે છે.

શિક્ષિકા રાધા અગ્રવાલે જણાવે છે કે, “૧૯૯૯માં આ સ્કૂલ શરૂ કરી હતી. પહેલા વર્ષે માત્ર પાંચ બાળકો જ સ્કૂલે આવ્યાં હતા. ત્યાર બાદ ધીરે ધીરે બાળકોની સંખ્યા વધતી ગઇ. પાંચ વર્ષ સુધી તો શિક્ષિકા રાધા બાળકોને ઘરે લેવા જતી હતી. ત્યારબાદ ઉમા વિશ્વકર્મા પણ આ કાર્યમાં જોડાયા, બંને મળીને સાથે કામ કરવા લાગ્યા. સામાન્ય દિવસોમાં બાળકો સવારે સ્કૂલે આવવા માટે આનાકાની કરે છે, પરંતુ પરીક્ષા વખતે તો મોટાભાગના બાળકો સ્કૂલે આવતા જ નથી. આજે પણ અમારો પ્રયત્ન એ જ છે કે વધુમાં વધુ બાળકો સ્કૂલ સુધી પહોંચે.”

Leave a Reply