‘પસ્તી કી પાઠશાળા’ અભિયાન મારફતે ગરીબ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉપાડતા વડોદરાના યુવાનો

Uncategorized

આપણા દેશમાં શિક્ષણ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. પરંતુ આ અધિકાર મળ્યા બાદ પણ આજે કેટલાય બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે અને તેનું કારણ છે શિક્ષણ માટે થનાર ખર્ચ, જેમાં પેન-પેન્સિલથી લઈને પુસ્તકોનો સમાવેશ થાય છે. ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે વડોદરા શહેરના યુવાનોના એક ગ્રુપ દ્વારા ‘પસ્તી કી પાઠશાળા’ નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ યુવાનો આ પાઠશાળા ચલાવવા માટે ઘરે ઘરે જઈને પસ્તી ભેગી કરી તેના વેચાણ મારફતે બાળકો માટે નોટબુક, અભ્યાસ માટેના પુસ્તકો તથા પેન-પેન્સિલ જેવી વસ્તુઓ ખરીદે છે. જ્યારે કોઈ નાગરીકને બાળકો માટે સ્ટડી મટીરીયલ આપવાની ઈચ્છા હોય તો તેઓ સામેથી આપી જાય છે. ‘એક ખ્વાઈશ’ નામનું આ ગ્રુપ હાલ ૭૦ થી વધુ બાળકોને શિક્ષણ પ્રદાન કરે છે.

આ અભિયાન પાછળનો ઉદ્દેશ્ય ગરીબ બાળકોને શિક્ષિત કરાવવાનો છે. આ અભિયાન અંતર્ગત યુવાનો ઘરે ઘરે જઈને લોકોને મળીને પોતાની આ કોશીશ અંગેની જાણ કરે છે. આ અભિયાન અંગે સાંભળી ઘણા લોકો પોતાના ઘરમાં ભેગી કરેલી પસ્તી તેમને વિના કોઈ મુલ્યે જ આપી દેતા હોય છે. આમ આ યુવાનો જાન્યુઆરીથી મે મહિનામાં કુલ ૧ હજાર કિલો પસ્તી ભેગી કરી તેનું વેચાણ કરી ચુક્યાં છે. જો કે બીજી તરફ આ અભિયાન વિશેની માહિતી સોશિયલ મીડિયા થકી જાણી કેટલાય જાગૃત નાગરીકો સામે ચાલીને પેન-પેન્સીલ, નોટબુકની મદદ કરી ચુક્યાં છે.

‘એક ખ્વાઈશ’ ગ્રુપ દ્વારા સોશિયલ મીડિયામાં પોતાના અભિયાન ‘પસ્તી કી પાઠશાળા’ અંગે જાણકારી મુકતા અનેક શહેરીજનો આ અભિયાનમાં જોડાવા આગળ આવ્યાં છે. આ અભિયાનમાં જોડાયેલા યુવાનો પોતાના રોજીંદા કામમાંથી સમય કાઢીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીઓ ઉઠાવી રહ્યાં છે.

Leave a Reply