કચરામાં ફેંકી દેવામાં આવતા ફૂલોથી થતા પ્રદુષણને રોકવા માટે તેમાંથી ખાતર તથા અગરબત્તી બનાવતા નવયુવાનો

Uncategorized

વિવિધ ધાર્મિક સ્થળોમાં લોકો દ્વારા વપરાતા ફૂલોને નદી નાળાઓમાં પધરાવી દેવામાં આવે છે અથવા કચરામાં ફેંકી દેવામાં આવે છે. ઘણીવાર તેને કારણે પાઇપ ચોકઅપ પણ થઇ જતી હોય છે. આ ફૂલોથી થતા પ્રદુષણને રોકવા માટે અમદાવાદના બે યુવાનો અર્જુન ઠક્કર અને યશ ભટ્ટે આ મંદિરના ફૂલોમાંથી ખાતર અને અગરબત્તી બનાવવાનું અનોખું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. અત્યારે આ યુવાનો શહેરના ૪૦ દેરાસર અને ૪૬ જેટલા મંદિરોમાંથી દરરોજના ૧ હજાર કિલોગ્રામ ફૂલોનું કલેક્શન કરે છે. વિક્ટોરિયા ગાર્ડનમાં કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી નાની જગ્યામાં આ ફૂલમાંથી ખાતર અને અગરબત્તી તૈયાર કરવામાં આવે છે. 

સિલ્વર ઓક કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ પૂરો કરીને જીટીયુના ઇનોવેશન કાઉન્સિલની મદદથી સમગ્ર પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. પ્રોજેક્ટની શરૂઆતમાં શહેરના પાંચ બંદરોને પાઇલટ પ્રોજેક્ટમાં સમાવાયા હતા. ત્યારબાદ મંદિરના ટ્રસ્ટીઓ અને કાર્યકરોનો સહકાર મળતા આવનારા સમયમાં અમદાવાદના ૫૦૦ કરતા વધારે મંદિરો જોડાશે તેવી આશા આ યુવાનો સેવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન દ્વારા દૈનિક ૩૮૦૦ મેટ્રીક ટન કચરો લેવામાં આવે છે. આ પૈકી ૧ હજાર ટન કચરામાંથી ખાતર બનાવવામાં આવતું હોવાનો દાવો કરાય પણ છે. 

પ્રોજેક્ટ વિશે વાત કરતા યુવાને કહ્યું કે, “પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારે મંદિરોમાંથી ફૂલ કેવી રીતે એકત્ર કરવા સૌથી મોટો પડકાર હતો. અમે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી તો તેમણે પ્રોજેક્ટને જોઇને કચરો એકઠો કરતી બે અલગ જ ગાડી ફાળવી. આ બે ગાડીઓ મંદિરોમાં ફરીને માત્ર ફૂલ એકત્ર કરે છે. આ ગાડી અન્ય કચરો એકત્ર કરતી નથી. સરકારે પણ અમને ૨ લાખની સહાય કરી છે.”

મંદિરમાંથી નીકળેલા કચરામાંથી તૈયાર થયેલી અગરબત્તી મંદિરની આસપાસ રહેતી આર્થિક રીતે નબળી મહિલાઓને આ અગરબત્તીઓ વેચાણ માટે અપાશે. આ રીતે આ મહિલાઓ માટે થોડા ઘણા અંશે રોજગારી મળવા સાથે આવકનો બીજો એક સ્રોત પણ ઉપલબ્ધ થશે તથા આ પ્રોજેક્ટથી ખાતર બનાવવા ઉપરાંત આત્મ નિર્ભરતાનો લક્ષ પણ હાંસલ થઈ શકશે. 

Image Source: lifebeyondnumbers.com

Leave a Reply