ગરમીથી રાહત મેળવવા પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો ઉગાડીને ઓક્સિજન પાર્ક બનાવી રહેલા રાજકોટના ભરતભાઈ

Gujarati Uncategorized

રાજકોટ શહેરમાં નેચર એન્ડ એડવેન્ચર ક્લબનાં ભરતભાઇ સુરેજા અને તેમની ટીમે શહેરમાં વૃક્ષારોપણ કરીને શહેર સ્વસ્થ અને સ્વચ્છ બનાવવાનું કામ શરુ કર્યું છે. તેમણે નાનામવા વિસ્તારના જીવરાજપાર્ક આસપાસની કોર્પોરેશનની જુદી જુદી ૪ જમીનોમાં અસંખ્ય વક્ષો ઉગાડી ઓક્સિજન પાર્ક શરૂ કરવાનું અનોખું અભિયાન શરૂ કર્યું છે.

રાજકોટ શહેર દિવસેને દિવસે વિકાસના નામે કોન્ક્રીટના જંગલમાં ફેરવાઈ રહ્યું છે. શહેરમાં વધી રહેલ વસાહતોના કારણે ઘર દીઠ બે વૃક્ષની જરૂરિયાત પુરી થતી નથી. જેથી ભરતભાઈ અને તેમની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ સરકારી જમીનોમાં વૃક્ષો ઉગાડવાનું અભિયાન શરૂ કર્યું. એક અનુમાન મુજબ એક જ વિસ્તારમાં નજીક નજીક ત્રણ હજારથી વધુ ઝાડ હોય તેવા વિસ્તારની ગરમીમાં ૭ ડિગ્રી જેટલી ગરમીનો ઘટાડો થતો હોય છે. જેથી તેમણે જાપાની સિસ્ટમ મુજબ ૪ હજાર ચોરસ મીટર સરકારી જમીનમાં ૯૫ જાતના વિવિધ ઝાડ ઉગાડવા માટે કાર્ય શરૂ કર્યું. આ અભિયાનમાં શહેરની ઘણી સ્કૂલોના વિદ્યાર્થીઓએ પણ યોગદાન આપ્યું. અહીંના ઓક્સિજન પાર્કમાં હરડે, બેહડા, આંબળા, રૂખડો, ચંપાની કેટલીક જાત, ચાર જાતના વડલા, જંગલી બદામ, ગ્લેરેસેડિયા, પીપળો જેવા વૃક્ષો ઉગાડી તેની માવજત કરવામાં આવી રહી છે.

સરકારી બિનજરૂરિયાત જગ્યાનો ઉપયોગ કરીને વૃક્ષારોપણ કરીને શહેરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારી પ્રદુષણથી લોકોને રાહત આપી શકાય છે. અને આ દિશામાં ભરત ભાઈ અને તેમની ટીમ એક બિરદાવવા યોગ્ય કાર્ય કરી રહ્યા છે.

Leave a Reply