તળાવમાં ડૂબી રહેલા લોકોને લાઇફગાર્ડ બનીને બચાવતો હૈદરાબાદનો યુવક શિવા

હૈદરાબાદના રહેવાસી શિવાના ભાઈ મહેન્દ્રનું તળાવમાં ડૂબવાના કારણે મૃત્યુ થઈ ગયું હતું, જે વાતથી શિવાને ખુબ દુઃખ પોહ્ચ્યું હતું. આ દુઃખદ ઘટના પછી શિવાએ નક્કી કર્યું કે તે હવે કોઈને પણ તળાવમાં ડૂબવા નહીં દે, અને આ તળાવમાં આત્મહત્યા કરવા આવતાં લોકોને પ્રેમથી સમજાવીને જીવનનું મુલ્ય સમજાવશે. આ ઉપરાંત તળાવમાં ન્હાવા પડતાં લોકોનું પણ શિવા ખાસ ધ્યાન રાખે છે. અત્યાર સુધી શિવાએ ૧૦૭ લોકોના જીવ બચાવી લીધા છે.

એએનઆઈ સાથે વાતચીત દરમિયાન શિવાએ કહ્યું કે, “મારો નાનો ભાઈ મહેન્દ્ર મારા દિલની ઘણો નજીક હતો. ૧૨ વર્ષની ઉંમરે મેં પોતાના હાથથી નાના ભાઈનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો. આટલી નાની ઉંમરમાં ભાઈને ખોઈ દેવાનું દુઃખ મારાથી સહન નહોતું થયું, પણ તે દિવસથી મેં નક્કી કર્યું કે, હું જીવીશ ત્યાં સુધી ડૂબતા લોકોને બચાવી લઈશ.” ભાઈના મોતે શિવાને જીવનમાં એક મિશન સોંપી દીધું. આજની તારીખમાં પણ શિવા લાઇફગાર્ડ બનીને બંડ તળાવની નજીક રહે છે.

ડીસીપી વિશ્વા પ્રસાદે એએનઆઈ સાથે ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, શિવા હંમેશાં તળાવમાં ડૂબતા લોકોને બચાવીને અમારી મદદ કરે છે. મેં હાલમાં જ તેલંગણાના સોશિયલ વેલ્ફેર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સોસાયટીના ચેરમેન પ્રવીણ કુમારને શિવાાના બાળકોને સારી સ્કૂલમાં એડમિશન મળે તે માટે વિનંતી કરી છે. અમને આશા છે કે, સરકાર શિવાની મદદ કરવા માટે ચોક્કસથી આગળ આવશે.

Leave a Reply