પગમાં ૧૭ વખત સર્જરી કરાવેલા ૨૪ વર્ષના નિરંજને નોર્વે ખાતે યોજાયેલી સ્વિમિંગ ચૅમ્પિયનશિપ-૨૦૧૯માં ૫ ગોલ્ડ મેડલ જીત્યા

૨૪ વર્ષના નિરંજન મુકુંદને નોર્વેમાં ૫ સ્પર્ધાઓમાં ૫ ગોલ્ડ મેડલ જીતીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેણે સ્વીમીંગની ૨૦૦ મી. ઇન્ડિવિડ્યુઅલ મેડલે, ૨૦૦ મી. બ્રેસ્ટસ્ટ્રોક, ૧૦૦ મી. ફ્રીસ્ટાઇલ, ૫૦ મી. બટરફ્લાય તથા ૫૦ મી. બ્રેસ્ટસ્ટ્રોક સ્પર્ધામાં મેડલ જીત્ય છે. આ ૫ મેડલની સાથે તેણે જીતેલા મેડલની કુલ સંખ્યા ૫૦ થઈ ગઈ છે. હાલમાં જ તેનું નામ ફોર્બ્સ ૩૦- અન્ડર ૩૦માં સામેલ થયું છે.

જન્મતાની સાથે સ્પાઈના બિફિડા તથા ક્લબેડ ફીટ નામની બીમારીને કારણે ઘરે બેસી રહેવાને બદલે નિરંજને તેની સામે લડવાનું નક્કી કર્યું હતું. ડોક્ટરની સલાહને લીધે ૮ વર્ષની ઉંમરમાં જ તેણે તરવાનું શરુ કરી દીધું. સમય જતા તેની સ્વિમિંગમાં સારી એવી ફાવટ આવી ગઈ અને તેમાં જ કરિયર બનાવવાનું નક્કી કરી લીધું.

નિરંજનને તેના પગના મસલ્સમાં પ્રોબ્લેમ હોવાને લીધે અત્યાર સુધી ૧૭ સર્જરી કરાવી છે. આ ૧૭ સર્જરીમાંથી ૩ સર્જરી તો ૧૬ કલાક સુધી ચાલી હતી અને તે સમયે નિરંજનની ઉંમર માત્ર ૬ વર્ષ હતી. તે સર્જરીમાં આશરે ૩૨ મેટલ રોડ તેના પગમાં ફિટ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ તેની પગની મેજર સર્જરી થઈ હતી. આ સર્જરીમાં તે ૨ મહિના સંપૂર્ણ પથારીવશ હતો.

વર્ષ ૨૦૧૬માં કર્ણાટક સરકારે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં જોરદાર પરફોર્મન્સ માટે નિરંજનને ‘એકલવ્ય અવોર્ડ’ આપીને સન્માનિત કર્યો હતો. આ સિવાય તેણે બર્લિનમાં યોજાયેલી પેરા સ્વિમિંગ ચૅમ્પિયનશિપ ૨૦૧૮માં ૦૩:૧૬:૦૧ ટાઈમમાં સ્વિમિંગ પૂરું કરવાનો એશિયન રેકોર્ડ પોતાને નામે કર્યો હતો.

Leave a Reply