વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેમાંથી જ વર્ષ દરમિયાન પોતાની પાણીની જરૂરિયાત પૂરી કરતા ચેન્નઈના ઇંદ્ર કુમાર

Gujarati Uncategorized

જળસંકટગ્રસ્ત ચેન્નાઈમાં દરેક વ્યક્તિ પોતાની તરસ છિપાવવા માટે સમય અને પૈસા ખર્ચ કરી રહી છે. શહેરના દક્ષિણ વિસ્તારની સ્થિતિ વધુ ખરાબ છે. ઉત્તર-પૂર્વના વરસાદમાં વિલંબને લીધે શહેરના દક્ષિણ વિસ્તારનાં તમામ જળાશયો સુકાઈ ગયાં છે. હાલમાં લોકો ચેન્નાઈ મેટ્રોવૉટર બોર્ડનાં પાણીનાં ટૅન્કરો પર નિર્ભર છે, જેનું ત્રણ અઠવાડિયાં પહેલાં બુકિંગ કરાવવું પડે છે. આશ્ચર્યની વાત એ છે કે આવી પરીસ્થિતિમાં પણ ઇંદ્ર કુમાર પાસે પાણીનો ભંડાર છે.

વર્ષ ૧૯૮૬માં તેમણે પોતાનું ઘર બનાવ્યું હતું, જેનાં ૧૨ વર્ષ પછી તેમણે પહેલી વખત પાણીના પડકારનો સામનો કરવો પડ્યો હતો. કૂવાનું જે પાણી મીઠું હતું તેનો સ્વાદ પણ બદલાઈ ગયો. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા તેમણે વરસાદના પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ કરવાની શરૂઆત કરી. વરસાદી પાણીના આ અનોખા પ્રયાસ માટે લોકો તેમને ‘ઇકો વૉરિયર’ના નામથી ઓળખે છે.

ઇંદ્ર કુમાર બીબીસી સાથે પોતાની ચર્ચામાં કહે છે કે, “છેલ્લા બે દિવસમાં ત્રણ સેન્ટિમિટર જેટલો વરસાદ થયો છે. ચેન્નાઈ જળસંકટનો સામનો કરી રહ્યું છે પણ હું નહીં. વરસાદનું પાણી વહી જતું હોય છે. જોકે, મારા ઘરમાં આવું થતું નથી. અહીં અમે વરસાદનું એકેએક ટીપું એકઠું કરીએ છીએ.”

ઇંદ્રના ઘરમાં પાણીનો સંગ્રહ કરવાના આ પ્રોજેક્ટમાં ઘરની પાસેના ઢાળનું પણ મહત્ત્વ છે. આ ઢાળ તેમના ઘરથી ૫૦ મીટર દૂરથી શરૂ થાય છે. પાણી વહીને તેમના ઘર સામેના એક નાળામાં જાય છે. નાળામાંથી આ પાણી સમુદ્ર સુધી પહોંચી જાય છે. આ પાણીને રોકવા માટે તેમણે ઘરની સામે એક ખાડો ખોદીને તેમાં રેતી નાંખી દીધી છે, જેનાથી જમીનની અંદર પાણીના સ્તરને વધવામાં મદદ મળે છે.

આ સિવાય તેમણે પોતાના ઘરની છત પર પણ એક નાની ટૅન્ક બનાવી છે, જે ચોમાસામાં ભરાઈ જાય છે. એકઠું થયેલું પાણી રેતીમાંથી ગળાઈને પસાર થાય છે. પાણીમાં એક દેશી છોડ સારસાપરિલ્લા તરતો દેખાય છે. તેમના મત પ્રમાણે આ છોડ પાણીને સાફ કરે છે. આ પાણી કૂવામાં પડે એ પહેલાં એક ફિલ્ટરમાંથી પસાર થાય છે જેથી પાણીમાંથી અશુધ્ધિઓ દુર થઈ જાય.

આ કૂવાના પાણીનો ઉપયોગ તે પીવા માટે કરે છે જેમાંથી શરીરને જરૂરી તમામ ખનીજ દ્રવ્યો મળી રહે છે . આ ઉપરાંત તેઓ પોતાના ઘરની આસપાસ અને તેની અગાસી ઉપર કેટલાક છોડ પણ લગાવ્યા છે. ઘરમાં પાણીના વપરાશ પછી તેને રીસાયકલ કરીને આ છોડને પાણી પૂરું પાડવામાં આવે છે.

આજે દેશના ઘણા શહેરોમાં લોકો જળસંકટનો સામનો કરી રહ્યા છે અને આ સંકટ હજુ મોટું થવાની આશંકા છે. પરંતુ દેશના નાગરીકો તથા સરકાર જો સજાગ થઈને વહી જતા વરસાદી પાણીનો વિવિધ તકનીકો દ્વારા સંગ્રહ માટે જરૂરી પ્રયત્નો કરે તો ચોક્કસપણે ભૂગર્ભજળની સપાટી ઊંચી લાવી શકાય છે.

Leave a Reply