અમેરિકાના મેરીલેન્ડમાં ૧૩ વર્ષના માઈકલ પોતાની બેકરીમાં ગરીબ તેમજ બેઘર લોકોને મફતમાં ખવડાવે છે. માઇકલ પ્લાટને પહેલેથી જ બેકિંગમાં ખૂબ રસ હતો. તેથી તેણે આજ શોખનો ઉપયોગ કરવાના હેતુ સાથે અને ગરીબોને મદદરૂપ થવા માટે બેકરી શરૂ કરવાનો નિર્ણય કર્યો.
માત્ર ૧૧ વર્ષની ઉંમરે તેણે માઇકલ ડેઝર્ટ્સ નામથી બેકરી ખોલી. આ બેકરીને તેણે ટોમ શૂઝના આઈડિયા પર ચલાવવાની શરૂઆત કરી. ટોમ શૂઝની શરૂઆત મે, ૨૦૦૬ માં થઇ હતી. અહીં તમે એક જોડી જૂતાં ખરીદો તો બીજી એક જોડી ગરીબ ઇથોપિયન બાળકને દાન કરી દેવામાં આવે છે. આ જ આઇડિયા પર કામ કરતા માઇકલ પણ પ્રત્યેક ડિશ પર એક ડિશ ગરીબોને ફ્રીમાં આપે છે.
માઇકલે વોશિંગ્ટન પોસ્ટને કહ્યું કે, ‘હું કાયમ વિચારતો હતો કે જે પણ કરું તેનો કોઈ ઉદ્દદેશ હોવો જોઇએ. હું જે કંઈ પણ કરું છું તે લોકોની મદદ માટે છે. સામે મારે કોઈની પાસેથી કંઈ જ નથી જોઇતું. મારું માનવું છે કે દરેક વ્યક્તિ પાસે જે કંઈ પણ વધારાની વસ્તુ હોય એ તેણે જરૂરિયાતમંદોને આપી દેવી જોઇએ. તમે આની શરૂઆત એક પેસ્ટ્રી આપીને પણ કરી શકો છો.’
માઇકલ પ્રતિ માસ એક અથવા બે વાર પોતાના ઘરેથી વોશિંગ્ટન જાય છે અને ત્યાં રહેતા બેઘર લોકો માટે મોટા પ્રમાણમાં પોતાની બેકરીની ડિશીસ લઇ જાય છે. માઇકલ વોશિંગ્ટનના એનજીઓ નો કિડ હંગ્રી સાથે પણ જોડાયેલો છે અને તે અહીંના બાળકોને પણ પેસ્ટ્રીઝ મોકલાવે છે.