વન વિભાગના સર્વે પ્રમાણે ભારતમાં છેલ્લા સત્તર વર્ષમાં વધ્યું જંગલનું પ્રમાણ

Uncategorized

એક અહેવાલ અનુસાર છેલ્લા 3૦ વર્ષોમાં ભારતમાં અંદાજે ૧૫,૭૧૬ જેટલા ઔદ્યોગિક યોજનાઓ માટે ૧૫ હજાર ચોરસ કિલોમીટરના જંગલો કાપી નાખવામાં આવ્યા. દર વર્ષે દેશમાં લગભગ ૨૫૦ ચોરસ કિલોમીટર જંગલો માનવીય વિકાસના કારણે નાશ પામે છે. ભારતમાં ઔધોગિક ક્રાંતિના નામે જંગલોનો નાશ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે.

પરંતુ મળી રહેલી માહિતી અનુસાર ભારતમાં છેલ્લા ૧૭ વર્ષોમાં જંગલોના વિસ્તારમાં ૯૧,૮૮૧ ચોરસ કિ.મી.નો વધારો થયો છે. ભારતીય વનના દરજ્જા પર ૨૦૧૭માં ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા (એફએસઆઈ) ના અહેવાલ અનુસાર, વર્ષ ૨૦૦૦માં જંગલોનો વિસ્તાર ૬,૭૫,૫૩૮ ચોરસ કિલોમીટર હતો, જે ૨૦૧૭માં વધીને ૭,૬૭,૪૧૯ ચોરસ કિલોમીટર થયો હતો. સરકારે સંસદના ચાલુ સત્રમાં આગામી દિવસોમાં જંગલોના બચાવ અને વૃક્ષ લાગવાના અભિયાન હેઠળ આ માહિતી આપી હતી.

વર્ષ ૨૦૦૦માં સમગ્ર ભૌગોલિક વિસ્તારનો ૨૦.૫૫ ટકા ભાગ જંગલોનો હતો. જે ૨૦૧૭માં વધીને ૨૧.૫૨ ટકા થયો છે. લોકસભામાં, કેન્દ્ર સરકારે ૨૦૧૯-૨૦ માં ૧૮.૭૦ લાખ હેકટર જમીન ઉપર વૃક્ષો રોપવાની યોજના બનાવી છે. આ માટે તમામ રાજ્યોને લક્ષ્યાંક પણ આપવામાં આવ્યા છે. ૨૦૧૯ થી ૨૦૨૦ સુધીમાં ૧૨૧ મિલિયનથી વધુ વૃક્ષો રોપવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ભારતના વન સર્વે પ્રમાણે ૨૦૧૫ની સરખામણીમાં ૨૦૧૭માં જંગલોના વિસ્તારમાં ૬૭૭૮ ચોરસ કિલોમીટરનો વધારો થયો છે.

આંધ્રપ્રદેશ માં ૨૧૪૧ ચો.કિ.મી., કર્ણાટક માં ૧૧૦૧ ચો.કિ.મી., કેરળ માં ૧૦૪૩ ચો.કિ.મી. અને આ ઉપરાંત ઓડિશા, આસામ, તેલંગણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને મણિપુરના જંગલોમાં પણ સારો વધારો થયો છે. બીજી તરફ મિઝોરમમાં ૫૩૧ ચો.કિ.મી., નાગાલેન્ડ માં ૪૫૦ ચો.કિ.મી. અને અરુણાચલ પ્રદેશ માં ૧૯૦ ચો.કિ.મી.નો ઘટાડો નોંધાયો છે જે ચિંતાજનક છે.

છેલ્લા ૨૦ વર્ષોમાં, મનુષ્યોએ પૃથ્વી પરથી ૧૫૦૦ મિલિયન વૃક્ષો કાપ્યાં છે. પરિણામે, આબોહવામાં પરિવર્તન જોવા મળ્યું છે અને સમગ્ર વિશ્વમાં તાપમાન વધી રહ્યું છે. નેચર મેગેઝિન અનુસાર, પૃથ્વી પર વિવિધ ઉપગ્રહો દ્વારા મેળવેલા ડેટા અનુસાર પૃથ્વી પર આશરે ૩-૪ લાખ કરોડ વૃક્ષો છે.

Leave a Reply