અશ્વિનના કારણે રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારમાં આવેલા રાજઘાટ ગામમાં વર્ષો પછી મૂળભૂત સુવિધાઓ પહોંચી શકી

Uncategorized

૨૪ વર્ષીય અશ્વિન પરાશર જયપુરની સ્વામી માનસિંહ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ પૂર્ણ કર્યા પછી હવે પોતાની ઇન્ટર્નશીપ કરી રહ્યા છે. તેમણે વર્ષ ૨૦૧૬માં રાજઘાટ ગામની મુલાકાત લીધી હતી, જે તેમના શહેર ધુલપુરથી માત્ર થોડા કિલોમીટર દૂર આવેલ છે. અશ્વિન અહીંયા દિવાળીમાં મીઠાઈ અને કપડાં ગરીબ લોકોમાં આપવા ગયા હતા. આ ગામની મુલાકાત દરમિયાન અશ્વિને જોયું કે અહીંયા મૂળભૂત સુવિધાઓ જેવી કે વીજળી, સડક, પીવાનું પાણી, શિક્ષા, સ્વાસ્થ માટેની કોઈ વ્યવસ્થા ન હતી. આ જોઈને અશ્વિનને ઘણું આશ્ચર્ય થયું અને આ ગામ માટે કંઈક કરવાનું વિચાર્યું.

અશ્વિને સૌપ્રથમ જિલ્લાના અધિકારીઓ સાથે મળીને આ ગામની સમસ્યાઓ વિષે ચર્ચા કરી. અધિકારીઓના મત અનુસાર રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલ રાષ્ટ્રીય ચંબલ અભ્યારણના કારણે આ ગામમાં વન વિભાગે કોઈ પણ પ્રકારના કાર્ય ઉપર રોક લગાવેલી હતી. ત્યાર પછી અશ્વિને આ માટે કોર્ટમાં યાચિકા દાખલ કરીને અદાલત પાસેથી જિલ્લા અધિકારીઓને ગામમાં વિવિધ પ્રગતિશીલ કાર્યો માટે અધિકાર અપાવ્યા.

આ પછી ઘણા એનજીઓ અને સંગઠનોએ અશ્વિનનો સંપર્ક કર્યો અને ગામની મદદ માટે હાથ લંબાવ્યા. આ બધા સંગઠનોની મદદથી, અશ્વિને આ ગામમાં ૩૯ જેટલા પાણી ફિલ્ટર લગાવ્યા. આ ઉપરાંત, તેઓએ ઘણા ઘરોમાં સૌર પેનલ્સ દ્વારા ગામમાં પ્રથમ વખત વીજળી પોંહચાડી. સદીઓ પછી, આ ગામની રાત આજે તેજસ્વી છે અને હવે બાળકો પોતાના પુસ્તકો કોઈપણ સમયે વાંચી શકે છે.

અશ્વિન હાલમાં તેમના ઇન્ટર્નશીપમાં વ્યસ્ત છે. પણ જ્યારે પણ તેમને સમય મળે છે, ત્યારે તેઓ ગામમાં આવે છે અને લોકોને મળે છે. તેઓ તેમની ઝુંબેશને છોડી દેવા માંગતા નથી પરંતુ તેને હજુ પણ વધુ આગળ લઈ જવા માગે છે. આ ગામ પછી, તેઓ રાજસ્થાનના અન્ય પછાત ગામોમાં કામ કરવાની યોજના ઉપર કામ કરી રહ્યાં છે.

Leave a Reply