યુ.એસ.ની ૧૩ વર્ષીય વિદ્યાર્થીનીએ દરિયામાં રહેલા પ્લાસ્ટિકના સુક્ષ્મ કણોને શોધી શકે તેવું મશીન બનાવ્યું

Uncategorized

યુએસના માસાચુસેટ્સ રાજ્યની ૧૩ વર્ષની એના ડુ નામની વિદ્યાર્થીનીએ એક એવું મશીન બનાવ્યું છે કે જે સહેલાઈથી દરિયામાં રહેલા માઈક્રોપ્લાસ્ટિકને શોધી કાઢે છે. તેણે આ મશીન તેના ઘરના બેઝમેન્ટમાં પડેલા પીવીસી પાઇપ્સમાંથી બનાવ્યું છે, જે આર.ઓ.વી. (ROV-Remotely operated underwater vehicle)ના સિદ્ધાંત ઉપર કામ કરે છે.

એના ડુ જ્યારે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે તે સાઉથ બોસ્ટનના એક બીચ પર ગઈ હતી. ત્યાં તેણે દરિયાકિનારે પાણીમાં તરતું પ્લાસ્ટિક જોયું અને તેણે તે ઉઠાવી લીધું. તેણે આ વિષે વિચાર્યું કે ત્યાં બીજા ઘણા બધા નાના ટુકડાઓ પણ છે જેને તે ભેગા કરી શકે એમ નથી. આ સમસ્યાને તેણે એક વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ઉકેલવાનો નિર્ણય કર્યો. સૌ પ્રથમ તેણે રિસર્ચ કરીને માહિતી એકત્ર કરી. ત્યારબાદ તેણે આ સમસ્યાના નિવારણ માટે એક રોબોટ બનાવ્યો જે દરિયાની સપાટી પરના ઝીણા પ્લાસ્ટિકને શોધી શકે.

એના ડુએ બનાવેલું આર.ઓ.વી. ૫ મી.મી.થી નાની સાઈઝના પ્લાસ્ટિકને શોધી કાઢે છે. તે પાણીની સાથે વહે છે. પીવીસી પાઇપ્સમાંથી બનેલા આ મશીનમાં તેણે હાઈ રિઝોલ્યુશન ઇન્ફ્રારેડ કેમેરો લગાવ્યો છે. ઉપરાંત તેમાં તેણે અનનેચરલ કલર્સને ઓળખવા માટે ત્રણ અલગ-અલગ પ્રકારની વિઝિબલ લાઇટ્સનો પણ ઉપયોગ કર્યો છે જે પ્લાસ્ટિકને શોધી શકે.

ભવિષ્યના પ્લાનને લઈને એનાએ સ્મિથ સોનિયન નામના ઓનલાઇન પોર્ટલ સાથે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, “સમગ્ર વિશ્વમાં જે ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યું છે તેને કારણે ઘણી બધી સમસ્યાઓ ઉભી થઈ રહી છે, અને હું વિચારું છું કે નવી શોધ દ્વારા ઘણી બધી સમસ્યાઓને નિવારી શકાય છે. મને ખબર છે કે મારે એન્જિનિયર બનવું છે કારણકે મને દુનિયાની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે નવી વસ્તુઓ બનાવવી ગમે છે. “

આ પ્રોજેક્ટ બ્રોડકોમ માસ્ટર્સ(Broadcom Masters) સ્પર્ધામાં પણ સિલેક્ટ થયો હતો જે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ (STEM)ની ટોપ લેવલની સ્પર્ધા છે અને તેમાં છઠ્ઠા, સાતમા અને આઠમા ધોરણના ૫ હજારથી વધુ સ્ટુડન્ટ્સ ભાગ લેતા હોય છે.

Leave a Reply