૧૯ દિવસમાં પાંચ ગોલ્ડ મેડલ જીતી હિમા દાસે રચ્યો અનોખો ઇતિહાસ

ભારતીય સ્પ્રિન્ટર હિમા દાસે ૧૯ દિવસમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પાંચ ગોલ્ડ મેડલ જીતી નવો ઇતિહાસ રચ્યો છે. હિમાએ ૨ જુલાઈના રોજ પોજ્નાન એથલેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સની ૨૦૦ મીટરની દોડમાં ભાગ લીધો હતો અને તેણે ૨૩.૬૫ સેકેંડમાં રેસ પૂરી કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું હતું. ત્યાર પછી ૭ જુલાઈના પોલેન્ડના કુટનો એથલેટિક્સની ૨૦૦ મીટરની દોડ ૨૩.૯૭ સેકેંડમાં પૂરી કરીને બીજું ગોલ્ડ મેડલ જીત્યું હતું.

૧૭ જુલાઈના રોજ ચેક રિપબ્લિકમાં તાબોર મુકામે એથલેટિક્સ મીટમાં ૨૦૦ મીટરની દોડને ૨૩.૨૫ સેકન્ડમાં પુરી કરી ચોથું ગોલ્ડ મેડલ જીત્યું હતું. આ દરમિયાન નેશનલ રેકોર્ડ હોલ્ડર મોહમ્મદ અનસે પણ ૪૦૦ મીટરની રેસને ૪૫.૪૦ સેકેંડમાં પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યું હતું. આ જીત સાથે હિમા અને અનસે બંનેએ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ ક્વોલિફાય કરી લીધું હતું.

પોતાનો વિજય રથ આગળ ધપાવતા હિમા દાસે ૨૦ જુલાઈ શનિવારના રોજ ચેક રિપબ્લિક ખાતે ‘નોવે મૅસ્ટો નાડ મેંતુજી ગ્રાંપી’માં ૪૦૦ મીટરની ની દોડને ૫૨.૯ સેકન્ડમાં પુરી કરીને પાંચમું ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું હતું.

આ સાથે હિમાએ લોકોને આસામમાં ભારે વરસાદને લીધે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મદદ માટે આગળ આવવા માટે વિનંતી કરી છે. તેણે ટ્વીટ કરીને જણાવ્યું કે, “આસામ રાજ્યની હાલત અત્યારે ઘણી ખરાબ છે. ૩૩માંથી કુલ ૩૦ જિલ્લાઓમાં ભારે વરસાદની અસર થઈ છે. હું કોર્પોરેટ સંસ્થાઓ તથા અન્ય લોકોને આસામની કપરી પરિસ્થિતિમાં મદદ કરવા માટે આગળ આવવા વિનંતી કરું છું.” હિમાએ પણ પોતાનો અડધો પગાર સીએમ રિલીફ ફંડમાં દાન કર્યો છે.

Leave a Reply