સફા અને મરવા નામની બહેનોને ૫૫ કલાકના જટિલ ઓપરેશન બાદ માથેથી અલગ કરવામાં આવી

Gujarati Uncategorized

સફા અને મરવા એવી બે બહેનો હતી કે જેમના માથા એક બીજાની સાથે જન્મજાત જોડાયેલા હતા. પરંતુ ડોક્ટરોની લગાતાર મહેનત બાદ ૫૫ કલાક સુધી ચાલેલા ઓપરેશનના પરિણામે આ બંને બહેનોને માથાથી અલગ કરવામાં સફળતા મળી છે. ૧૦૦ જેટલા ડોક્ટરો, એન્જિનિયર અને સાયન્ટિસ્ટોની મદદથી આ બહેનોની ત્રણ જેટલી સફળ સર્જરી કરવામાં આવી હતી. આ દરમિયાન તેમના માથા અલગ કરી અને ખોપડી નવી બનાવવામાં આવી હતી.

મૂળ પાકિસ્તાનની આ બહેનોના માથા એકબીજા સાથે જોડાયેલાં હતાં જેમાં મગજનો ભાગ એકબીજાને અડતો હતો. એમાં નસો પણ અંદર સુધી હતી આથી ઓપરેશન કરતાં પહેલાં એને છૂટી કરવી જરૂરી હતી. આ સિવાય માથાના હિસ્સાને કાપ્યા બાદ ખોપડી તૈયાર કરવા માટે હાડકાં અને ચામડીની પણ જરૂર પડે એમ હતી. જરા સરખી ચૂક થઈ હોત તો એકાદ બહેનનું મૃત્યુ સંભવ હતું.

માથા સાથે જોડાયેલાં બાળકો જન્મવાની બાબત લાખોમાં એક હોય છે. એક અંદાજ અનુસાર આશરે ૨૫ લાખ બાળકોમાંથી એક કિસ્સો આવો જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે આવા બાળકો જન્મ થતાની સાથે મરી જાય છે પરંતુ કુદરતની સામે માનવજાત તુચ્છ છે. ૧૯૫૨ બાદ આવાં બાળકોને જુદાં કરવા માટે ૬૦ ઓપરેશન થયાં છે. જોડકાં બાળકોમાં માથેથી જોડાયેલાં બાળકોની સંખ્યા આશરે બેથી છ ટકા જેટલી હોય છે.

ન્યુરો સર્જન નૂર જીલાણી અને પ્લાસ્ટિક સર્જન પ્રો. ડેવિડ

આ ઓપરેશન માં અંદાજિત 25 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો હતો, જે બાળકીઓના માતાપિતા ભોગવવા માટે સક્ષમ નહોતા, તેથી પાકિસ્તાનના એક ઉદ્યોગપતિએ આ ખર્ચ ઉપાડી તેમની મદદ કરી હતી.

૧ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ આ બહેનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ સૌથી પહેલાં તેમના મગજના ભાગની વર્ચ્યુઅલ રિયાલિટી થ્રી-ડી ઇમેજ તૈયાર કરવામાં આવી. એમાં મગજના હિસ્સા અને નસો અલગ કરવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી. ત્યાર બાદ ૨ ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ માથાના હિસ્સાને કાપીને અલગ કરવામાં આવ્યા અને મગજના હિસ્સાને અને નસોને અલગ કરવામાં આવી. માથાનો શેપ કરેક્ટ કરવા માટે પ્લાસ્ટિકની શીટનો સહારો લેવામાં આવ્યો. 3 જાન્યુઆરી ૨૦૧૯ ના દિવસે મગજના હિસ્સામાં આગળના ભાગમાં અને પાછળના ભાગમાં વધારાની ચામડી બનાવવા માટેની ખાસ કાર્ય ડોક્ટર દ્વારા હાથ ધરવામાં આવ્યું. અને ત્યાર પછી છેવટે ૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ બે બહેનો પર ફાઇનલ ઓપરેશન કરવામાં આવ્યું અને તેમના માથાં છૂટા પાડવામાં આવ્યાં. હાડકાં અને ચામડીથી ખોપડીનો ભાગ ઢાંકવામાં આવ્યો.

પહેલી જુલાઈએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ હાલમાં બે બહેનો લંડનમાં તેમના દાદા મોહમ્મદ સદાત સાથે રહે છે. હાલમાં તેમના પર ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. તેઓ ૨૦૨૦માં પાકિસ્તાન પાછી ફરશે. ઝયનબ બીબીએ બીબીસી સાથે પોતાની ચર્ચામાં જણાવ્યું હતું કે “હું હોસ્પિટલના સ્ટાફ અને એ તમામ લોકોની આભારી છું જેમણે અમને મદદ કરી છે. હું ખુદાની પણ આભારી છું, કારણ કે તેણે મારી દુઆઓ સાંભળી છે.”

સફા અને મરવા ઓપરેશન પછી.

ઓક્ટોબર મહિનામાં થયેલા ઓપરેશન વખતે નસો અલગ કરાઈ હતી. એ વખતે સફાના મગજમાં ક્લોટ થવા લાગ્યા હતા અને મરવાના હાર્ટ રેટ ઘટી ગયા હતા. આ સમસ્યા ઊભી થતાં ડોક્ટરોએ મુખ્ય નસને ફરી જોડી હતી પણ એ વખતે સફાને સ્ટ્રોક આવ્યો હતો. તે સમયે ન્યુરો સર્જન ડો. જીલાણીને લાગ્યું કે એકાદ બહેનનું મૃત્યુ નિશ્ચિત છે. એ સમયે ડોક્ટર ખુદ ચિંતામાં હતા. પરંતુ ડોક્ટર દ્વારા લગાતાર મહેનતના ફળ સ્વરૂપે ૫૫ કલાકના લાંબાઓપરેશનમાં સફળતા મળી હતી.

ઇમેજ સોર્સ: https://www.bbc.co.uk/

Leave a Reply