વરસાદમાં ફસાયેલા ટ્રેનના યાત્રીઓને બચાવી લેવામાં આવ્યા

મહારાષ્ટ્રમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે રોજિંદા જીવનની સાથે સાથે પરિવહન પણ પ્રભાવિત થયું છે. મુંબઈમાં ૧૦ ઇંચ વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક દરમિયાન મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. રેલ અને હવાઈ વ્યવહાર વરસાદના કારણે અસ્તવ્યસ્ત થઈ ગયા છે. મુંબઈ નજીકના થાણે જિલ્લામાં પણ વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઊભી થવા પામી છે. આ કારણે મુંબઇ-કોલ્હાપુર મહાલક્ષ્મી એક્સપ્રેસ થાણે જિલ્લાના વાંગણી પાસે પૂરના પાણીમાં ફસાઇ ગઈ હતી.

ઉલ્હાસ નદીનું પાણી રેલવે ટ્રેક પર બે ફૂટ સુધી આવી જતાં શુક્રવારે રાત્રે ટ્રેનને મુંબઇથી આશરે ૭૨ કિ.મી. બદલાપુર સ્ટેશન પાસે રોકી દેવામાં આવી હતી. જેના કારણે ટ્રેનમાં સવાર ૧૦૫૦ યાત્રીઓના જીવ આશરે ૧૭ કલાક સુધી અધ્ધર રહ્યા હતા. પરિસ્થિતિની ગંભિરતાને જોઈને સૌથી પહેલાં સ્થાનિક લોકો બચાવ કાર્ય માટે આગળ આવ્યા હતા. ત્યારબાદ પરિસ્થિતિ વધારે ગંભીર બનતા સવારે નૌકાદળ, વાયુદળ, એનડીઆરએફ અને પોલીસની ટીમોએ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી લોકોને બચાવવા માટે પોતાના હાથ લંબાવ્યા હતા. સેન્ટ્રલ રેલ્વે મુજબ શનિવારે બપોરે સવા બે વાગે તમામ યાત્રીઓને સુરક્ષિત બચાવી લેવાયા હતા.

મહાલક્ષ્મી એક્સપ્રેસ શુક્રવારે રાત્રે છત્રપતિ શિવાજી ટર્મિનસ(વીટી)થી ૮.૨૦ કલાકે રવાના થવાની હતી, પરંતુ વરસાદના કારણે નિર્ધારિત સમય કરતાં ૧૨ મિનિટ વિલંબથી ૮.૩૨ કલાકે રવાના થઈ હતી. રાત્રે ૯.૪૨ કલાકે તે કલ્યાણ પહોંચી હતી પરંતુ આગળ ટ્રેક પર પાણી ભરાયેલું હોવાથી ટ્રેનને આગળ વધવાની પરવાનગી આપવામાં આવી ન હતી. પછી ૧.૨૧ કલાકે તેને રવાના કરાઈ હતી પરંતુ વાંગણી પાસે ચામટોલી ગામમાં પાટા પર એક ફૂટ પાણી જોઈ ડ્રાઇવરે ટ્રેન અટકાવી દીધી હતી, પરંતુ પછી પાણીનું સ્તર બે ફૂટ સુધી પહોંચી ગયું હતું.

એસડીઆરએફ ટીમે સવારે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું અને ત્યારબાદ એનડીઆરએફની ટીમો, નૌકાદળની ૭ ટીમ, મરજીવાઓની ત્રણ ટીમ, લાઇફ જેકેટ્સની સાથે ૮ ઇન્ફલેટેબલ બોટ્સ, વાયુદળનાં બે હેલિકોપ્ટર તથા સેનાની બે ટીમ પણ ઓપરેશનમાં જોડાઈ હતી. સાથે ગાયનેકોલોજિસ્ટ સહિત ૩૭ ડોક્ટરોની ટીમ અને એમ્બ્યુલેન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

સ્થાનિક લોકોની સાથે મળીને ચલાવવામાં આવેલ બચાવ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું, અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યાત્રીઓને સહીસલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

Leave a Reply