દક્ષિણ એશિયાના દેશ ઇથોપિયાએ માત્ર ૧૨ કલાકમાં ૩૫ કરોડ છોડ રોપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જંગલોની અંધાધૂંધ કટાઈ અને દુષ્કાળનો સામનો કરી રહેલા આ દેશે ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે આ પહેલ કરી છે જેનું નેતૃત્વ ઈથોપિયાના વડાપ્રધાન આબી અહેમદ કરી રહ્યા છે. યુનાઇટેડ નેશન્સના જણાવ્યા અનુસાર, ઇથોપિયા ૧૦૦ મિલિયનની વસ્તી સાથે આફ્રિકાનો બીજા ક્રમનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે.
ઈથોપિયાના ઇનોવેશન અને ટેકનોલોજી પ્રધાન ગેટાહુન મેકુરિયાએ બ્લૂમબુર્ગ સાથે પોતાની વાતચીતમાં જણાવ્યું હતું કે, “ઈથોપિયાઓએ ૧૨ કલાકમાં ૩૫૩ મિલિયન વૃક્ષોનું વાવેતર કર્યું છે, જે જંગલની કાપણી અને ક્લાઇમેટ ચેન્જ સામે લડવાની ૪ અબજ વૃક્ષ રોપણી અભિયાનનો એક ભાગ છે.”
#GreenLegacy in Wolayta Soddo#አረንጓዴአሻራ በወላይታ ሶዶ#PMOEthiopia pic.twitter.com/qnl9sj547j
— Office of the Prime Minister – Ethiopia (@PMEthiopia) July 29, 2019
આ અભિયાન માટે સરકારી કચેરીઓમાં રજા રખાઈ હતી અને કર્મચારીઓને આ અભિયાનમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. યુનાઇટેડ નેશન્સના એક રિપોર્ટ પ્રમાણે ૨૦મી સદીની શરૂઆતથી અત્યાર સુધીમાં ઇથોપિયામાં વનક્ષેત્રમાં ૩૫ ટકા ઘટાડો નોંધાયો છે. તેને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી અહેમદ આબી એ ગ્રીન લેગસી અભિયાન હેઠળ દેશમાં એક હજાર સ્થળે વૃક્ષ વાવવા આમ નાગરિકોને અપીલ કરી હતી. લોકો અને વોલન્ટિયર્સે વાવેલા છોડ ગણવાની જવાબદારી સરકારી અધિકારીઓને સોંપાવામાં આવી હતી.
ઇથોપિયા જેવા ગરીબ દેશ તરફથી થઈ રહેલ આ પહેલ દુનિયાના વિકસિત અને વિકાસશીલ દેશો માટે એક શિખામણ સમાન છે. ઇથોપિયાની આ પહેલ મક્કમતાથી ક્લાઇમેટ ચેન્જ સામે લડવાના દાવા કરનાર દેશોની સાથે સાથે એક મિસાલ પણ છે.