ભારતીય રેલવે દ્વારા પ્લાસ્ટિક બોટલને રિસાયકલ કરી તેમાંથી ટીશર્ટ અને કેપ બનાવવામાં આવશે

Gujarati Uncategorized

પ્લાસ્ટિક આજના સમયમાં જમીન અને માનવજાત બન્ને માટે નુકસાન કારક છે. તેના વધતા જતા ઉપયોગ ને રોકવો એક સમસ્યા બની ગયી છે. આપણા દેશમાં રેલવે સ્ટેશનો પર પ્લાસ્ટિકની બોટલ અને પ્લાસ્ટિક કચરાને લોકો આમતેમ ફેંકી દેતા હોય છે. રેલવે બોર્ડે આ બોટલનો ફરીથી ઉપયોગ કરવા માટે નવો રસ્તો શોધી લીધો છે. પાણીની ખાલી બોટલમાંથી હવે ટીશર્ટ અને કેપ બનાવવામાં આવશે. રેલ મંત્રાલય દ્વારા શરુ કરવામાં આવેલ આ પ્રોજેક્ટ નું સફળ પરીક્ષણ બિહારના પટનાના રેલવે સ્ટેશન પર કરવામાં આવ્યું છે. હવે દેશના ૨૨૫૦ રેલવે સ્ટેશન આવા મશીનો લગાવવાની તૈયારી કરી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે રેલવેમાં સફર દરમિયાન પ્રવાસીઓ રોજની ૧૬ લાખ પાણીની બોટલનો ઉપયોગ કરે છે.

આ પ્રયોગ હેઠળ દરેક રેલવે સ્ટેશન પર ૩૦૦ બોટલ રોજ ક્રશ કરવામાં આવશે, જે મુજબ ૨૨૫૦ રેલવે સ્ટેશનો પર રોજ ૭ લાખ બોટલ ક્રશ થશે. આ બોટલમાંથી આશરે ૫૮ હજાર ટીશર્ટ બનાવાવમાં આવશે. પૂર્વ મધ્ય રેલવે અધિકારી રાજેશ કુમારે મીડિયા સાથે ચર્ચા દરમિયાન કહ્યું કે, “પટના, રાજેન્દ્રનગર અને દાનાપુરમાં ક્રશ મશીન લગાવી દીધું છે. પટના શહેરમાંથી રોજ આશરે ૩૦૦ બોટલ ક્રશ મશીનમાં નાખવામાં આવે છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, “હવે યાત્રીઓને ખાલી બોટલ ના બદલામાં ૫ રૂપિયા મળશે જે વાઉચરના સ્વરૂપમાં હશે. આ વાઉચરનો ઉપયોગ રેલવે સાથે સંકળાયેલી ઘણી બધી દુકાનો તેમજ મોલમાં કરી શકાશે.”

બોટલને ક્રશ કરીને ટીશર્ટ બનાવનારી સ્ટાર્ટઅપ કંપની બાયોક્રશના સીઈઓ અજય મિશ્રાએ કહ્યું કે, “વેસ્ટ પ્લાસ્ટિક બોટલમાંથી બનવવામાં આવતી ટીશર્ટ સામાન્ય ટીશર્ટ કરતાં વધારે મજબૂત હોય છે. એક ટીશર્ટ તૈયાર કરવામાં આશરે ૧૨ નકામી બોટલની જરૂર પડે છે. આ ટીશર્ટ અને કેપ પહેરવા માટે અનુકૂળ છે અને તેમાં શારીરિક રીતે કોઈ નુકસાન થતું નથી.”

Leave a Reply