પૂરમાં ફસાયેલા લોકો સુધી મદદ પહોંચાડી રહેલું બિહારનું મિથિલા સ્ટુડન્ટ યુનિયન

Gujarati Uncategorized

બિહારમાં આવેલ પૂરના કારણે ત્યાનું સ્થાનિક જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. પૂરના કારણે ૫૦ લાખ જેટલા લોકો પ્રભાવિત થયા છે. કેટલાય લોકો બેઘર બન્યા છે તો કેટલાય પોતાના પરિવારથી વિખરાઈ ગયા છે. ખેતી અને વન્યજીવો પર પણ તેનો દુષ્પ્રભાવ પડ્યો છે. બિહારમાં અનેક સામાજીક સંસ્થાઓ દ્વારા જરૂરિયાત લોકોને પ્રાથિમક સુવિધાઓ આપવા માટે મદદ કરવામાં આવી રહી છે. તેમાં યુવાઓની એક સંસ્થા ‘મિથિલા સ્ટુડન્ટ યુનિયન’ દ્વારા આમ લોકોની મદદ કરવામાં આવી રહી છે.


આ સંગઠનના યુવાઓ પોતાના જીવને જોખમ મૂકીને લોકો સુધી મદદ પહોંચાડી રહ્યા છે. યુવાનો મિથિલા વિસ્તારમાં આવેલા લોકો માટે આશાનું કિરણ બન્યા છે. પૂરના કારણે વિસ્તારમાં ભરાયેલા પાણીને પર કરીને પોતાના ખભા પર રાહત અને બચાવની સામગ્રી લઈને અનેક લોકોની તેઓ મદદ કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ વધુ લોકો સુધી મદદ મળે તે માટે કીચડમાં બાઈક ચલાવીને જાતે તૈયાર કરેલા ફૂડ પેકેટ પીડિત લોકો સુધી પહોંચાડી રહ્યા છે.

મિથિલા સ્ટુડન્ટ યુનિયન દ્વારા પૂર પીડિતોની મદદ માટે ૩૦૦ યુવાનોની ૧૪ ટીમ બનવવામાં આવી છે. આ ટીમ આસપાસના તમામ જીલ્લાઓમાં જઈને પૂરથી પ્રભાવિત થયેલા લોકોને ખોરાક,પાણી, મેડિકલ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે છે. જુદી જુદી ટીમ દ્વારા વિસ્થાપિત થયેલાં લોકોની મદદ કરવા માટે બેઝ કેમ્પ બનવવામાં આવ્યા છે. ત્યાં રસોઈ બનાવીને દૂર આવેલા ગામડાઓ સુધી વોલિયન્ટર્સ દ્વારા સ્થાનિક લોકોની મદદ લઈને લોકો સુધી પહોંચાડવામાં આવે છે.

મિથિલા સ્ટુડન્ટ યુનિયન છેલ્લા પાંચ વર્ષોથી કાર્યરત છે, જે સમાજ સેવા અને વિદ્યાર્થીઓના હિત માટે કાર્ય કરી રહી છે. આ યુનિયનમાં મોટી સંખ્યામાં એક્ટિવ વોલિયન્ટર્સ છે. વર્ષ ૨૦૧૭માં આવેલા પૂરમાં આ ટીમ દ્વારા ઘણી મદદ કરવામાં આવી હતી. તેમજ મુજ્જફરનગરમાં ચમકી તાવમાં પણ ૧૦૦ યુવાનોની ટીમે મેડિકલ કેમ્પ ખોલીને જાગૃતતા ફેલાવાનું કાર્ય કર્યું હતું. આ ગ્રુપની ખાસિયત એ છે કે, તેઓ ફંડમાં મળેલા પૈસાનો હિસાબ સાર્વજનિક કરે છે, જેથી અન્ય લોકોને તેમના કાર્યો પર ભરોસો થાય.

મિથિલા સ્ટુડન્ટ યુનિયન દ્વારા કરવામાં આવી રહેલ આ કાર્ય સમાજના યુવા વર્ગ માટે એક પ્રેરણા પુરી પાડનાર છે.

Leave a Reply