રિક્ષાને એમ્બ્યુલન્સમાં ફેરવી જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા સુનીલ મિશ્રા

Uncategorized

મુંબઈમાં રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા સુનીલ મિશ્રા એક ઓટો ડ્રાઇવર છે, પંરતુ કોઈ બીમાર વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવામાં તેમની આ રિક્ષા એમ્બ્યુલન્સમાં ફેરવાઈ જાય છે. મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના નાનકડા ગામના રહેવાસી સુનીલ મિશ્રા નોકરીની શોધમાં મુંબઈ આવ્યા હતા અને અંબુજવાડી સ્લમ વિસ્તારમાં રહેવા લાગ્યા હતા. ધોરણ ૧૦ સુધી ભણેલા સુનીલે રિક્ષા ખરીદીને મુંબઈની ગલીઓમાં ચલાવવાનું શરુ કરી દીધું હતું.

સુનીલ રિક્ષાથી જે કમાણી થાય છે તે ઘર ચલાવવામાં અને બાળકોના અભ્યાસમાં વાપરે છે. તેમના માથે તેમના માતા-પિતા, બે ભાઈ અને સાથે સાથે તેમના પરિવારની પણ જવાબદારી છે. મુંબઈ શહેરનો અભ્યાસ અર્થે ખર્ચો વધારે હોવાથી તેમને બાળકોને ગામડે મોકલી દીધા છે. આટલી સમસ્યા હોવા છતાં રોજ સવારે એક ઉત્સાહની સાથે સુનીલ ઘરેથી નીકળે છે. તે જરૂરતમંદ લોકોની મદદ કરવાનું ક્યારેય ચૂકતા નથી. અંબુજવાડી સ્લમમાં કોઈ એમ્બ્યુલન્સ કે કાર આવવી શક્ય નથી. આ જ કારણે અહીં રહેતા કોઈ પણ વ્યક્તિને અડધી રાત્રે પણ મદદની જરૂર પડે તો સુનીલ તેમની રિક્ષા દ્વારા તેમની મદદ કરે છે.

સુનીલે ઘવાયેલા અને બીમાર લોકોની સેવા કરવાનું વર્ષ ૨૦૦૭થી શરુ કર્યું હતું. તેમણે કહ્યું કે, એક વખત મારી માતાનો અકસ્માત થઈ ગયો હતો. નસીબ જોગે તેમને સમયસર કોઈકે મદદ કરી અને હોસ્પિટલ પહોંચાડ્યાં. મારી માતા આજે એ મદદને કારણે જ જીવિત છે. આ ઘટનાએ મને ઘણો પ્રભાવિત કર્યો. બસ તે દિવસથી મેં વિચારી લીધું કે, હું મુસીબતમાં ફસાયેલા લોકોને કોઈ પણ સંજોગે એકલા નહીં મૂકું. હું માત્ર મારા સ્લમ વિસ્તારના લોકો જ નહીં પણ બહારના બીજા લોકોને પણ જરૂરત સમયે મદદ કરું છું. સુનીલે મીડિયા સાથેની એક ચર્ચામાં જણાવ્યું હતું કે, “હું મારી રિક્ષાનો ઉપયોગ એમ્બ્યુલન્સ તરીકે વધારે કરું છું. સ્લમમાં રહેતા લોકો પાસે પ્રાઇવેટ વાહનનો ખર્ચો ઉપાડી શકે તેટલા રૂપિયા હોતા નથી.” સુનીલ આ રહેવાસીઓને નિઃશુલ્ક સહાય પુરી પાડે છે.

સુનીલ તેમની રિક્ષામાં ગરીબ અને દિવ્યાંગ લોકોને દોઢ કિલોમીટર સુધી ફ્રીમાં બેસાડે છે. સુનીલે કહે છે કે, “મને જો કોઈ રસ્તામાં દિવ્યાંગ વ્યક્તિ દેખાઈ જાય તો હું તેમને પૂછી લઉં છું કે ક્યાં જવું છે? જો તેમની પરિસ્થિતિ વધારે ખરાબ હોય તો હું એક રૂપિયો પણ લેતો નથી.” પોતાના આ કામ પર સુનિલ કહે છે કે, “મારે કંઈ જ જોઈતું નથી. ભગવાને મને એટલો કાબિલ બનાવ્યો છે કે, હું કમાઈને મારું અને પરિવારનું પેટ ભરી શકું. આપણે સૌ કોઈને વધારે નહીં પણ થોડી તો મદદ તો કરવી જ જોઈએ.”

Leave a Reply