પી.વી. સિંધુએ વર્લ્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો છે. વિમૅન્સ સિંગલ્સની ફાઇનલ મૅચમાં જાપાનનાં નોઝોમી ઓકુહારાને ૩૭ મિનિટમાં પરાજય આપીને આ ખિતાબ હાંસલ કર્યો હતો.
સ્વિટ્ઝરલૅન્ડમાં રમાયેલી ફાઇનલ મેચમાં શરૂઆતથી જ સિંધુ એ પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. તેમણે ૨૧-૭ અને ૨૧-૭થી જાપાનની ઓકુહરાને પરાજય આપ્યો હતો.
અગાઉ ૨૦૧૭ તથા ૨૦૧૮માં પણ સિંધુ ફાઇનલમાં પહોંચ્યા હતી, પરંતુ તે સમયે સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. અગાઉ સિંધુ વર્લ્ડ ચૅમ્પિયિનશિપમાં બે રજત અને ત્રણ કાંસ્ય એમ કુલ પાંચ પદક જીતી ચૂક્યાં છે.
આ પહેલાં વર્ષ 2016માં રિયો ઑલિમ્પિકમાં સિંધુએ રજતપદક જીત્યું હતું.
આ વિશ્વિ વિજેતાપદ સિંધુને સતત બે વાર હાથતાળી આપી ચૂક્યું હતું, પરંતુ આ વખતે એણે પૂરી તાકાત લગાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. એની સખત મહેનત આખરે ફળી છે.
આ સાથે માત્ર છ મેચમાં પાંચ મેડલ જીતનાર તે પહેલી મહિલા સિંગલ્સ ખેલાડી બની છે. જ્યારે વિશ્વ સ્પર્ધામાં ત્રણેય મેડલ જીતનાર તે ચોથી ખેલાડી છે.