મેક્સિકોના યુવાનોને નશાથી દુર કરવા માટે બોક્સિંગ તરફ પ્રેરી રહેલા મિગુએલ

Gujarati Uncategorized

મેક્સિકો શહેર ડ્રગ્સ અને ગેંગવોરના કારણે બદનામ છે. એક રિપોર્ટ અનુસાર અહીંના નવયુવાનો નશીલા પદાર્થનું સેવન મોટા પ્રમાણમાં કરે છે. આ જોઇને મેક્સિકોના જાણીતા ફૂટબોલર અને બોક્સિંગના શોખીન મિગુએલ એન્જલ રામિરેજે મેક્સિકોના એકેટેપેક શહેરમાં એક બ્રિજ નીચે જીમ અને બોક્સિંગની ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી છે. બોક્સિંગ અને જીમ તરફ યુવાનોને આકર્ષીને મિગુએલ શહેરના યુવાનોને ડ્રગ્સના નશા અને ગુનાખોરીથી મુક્ત કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે.

મિગુએલ મેક્સિકોમાં જુદા જુદા સ્થળે આશરે ૧૨ વર્ષ સુધી પુનર્વસન કેન્દ્રોમાં ૫ હજારથી વધુ લોકોને બોક્સિંગની તાલીમ આપી છે. આ દરમિયાન તેમણે જોયું કે ભટકી ગયેલા યુવાનોનો બહુ મોટો વર્ગ પુનર્વસન કેન્દ્રોની પહોંચથી ઘણો દૂર છે. તેમની જીવનશૈલીને વધુ સારી બનાવવા માટે તેમણે એવી જગ્યા પસંદ કરી કે જે ગુનાખોરી માટે પ્રખ્યાત છે.

મિગુએલે એકેટેપેક શહેરમાં આવેલા સિટી બ્રિજની નીચે બોક્સિંગની ટ્રેનિંગ આપવાનો નિર્ણય કર્યો અને બ્રિજ નીચે જ તેમણે નાની બોક્સિંગ રિંગ તૈયાર કરી દીધી. આ બ્રિજની નીચે અગાઉ કચરાનું સામ્રાજ્ય હતું અને યુવાનોએ તેને નશો કરવાનો અડ્ડો બનાવ્યો હતો. મિગુએલના કારણે આજે આ બ્રિજની નીચે બોક્સિંગની પ્રેક્ટિસ કરતા યુવાનો નજરે પડે છે.

મિગુએલ સાથે તેમની પુત્રી ફર્નાન્ડા પણ યુવાનોને બોક્સિંગની તાલીમ આપે છે, જેથી તેઓ નશાખોરી અને ચોરી, લૂંટફાટ જેવા ગુનાથી દૂર રહીને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે. મિગુએલે જિમ અને બોક્સિંગની ટ્રેનિંગ પર થતો ખર્ચ પોતે જ ઉઠાવે છે. તેમની પુત્રી ફર્નાન્ડા પ્રોફેશનલ બોક્સર છે. તેમનો એક પુત્ર ડ્રગ્સની આદતને કારણે જ ફૂટબોલર બની શક્યો ન હતો. તેથી મિગુએલને ભટકી ગયેલા યુવાનોનું જીવન સુધારવા માટેનો વિચાર આવ્યો હતો.

ઇમેજ સોર્સ :-https://www.theguardian.com/

Leave a Reply