“મન હોય તો માળવે જવાય”- આ કહેવતને સાર્થક કરતી દેવિકા

Uncategorized

ગુજરાતી ભાષાની એક કહેવત છે કે, “અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.” આ કહેવતને કેરળના મલ્લપુરમમાં રહેતી દેવિકાએ સાચા અર્થમાં પુરવાર કરી છે. માણસ પોતાની શારીરિક કે આર્થિક પરિસ્થિિને કારણે નહિ પરંતુ દૃઢ ઈચ્છા શકિતથી સફળતા હાંસલ કરે છે. દેવિકાએ તે વાતને સાબિત કરી છે. દેવિકાને જન્મથી જ બે હાથ ન હતા પરંતુ તેનું મન મજબૂત અને મક્કમ હતું. બાળપણથી જ તેણે પોતાની કમજોરીને પોતાની તાકાત બનાવી અને મુસીબતોનો સામનો કર્યો.

દેવિકાને તેમની માતા સુજીથાએ અપંગ ના સમજીને હિંમત આપી. દેવિકાના બાળપણમાં જ તેની માતાએ પગની આંગળીઓની વચ્ચે પેન્સિલ બાંધીને લખવાની તાલીમ આપવાની શરૂઆત કરી. શરૂઆતમાં દેવિકાએ શબ્દો અને ત્યારબાદ નંબર્સ અને બાળપણથી તેની જિજ્ઞાસા અને અથાક પરિશ્રમથી દેવિકાએ વર્ષ ૨૦૧૯માં યોજાયેલ ૧૦માં ધોરણની પરીક્ષામાં ૯૮.૧૧% મેળવ્યા છે. દેવિકાએ બાળપણથી જ વગર કોઈ મદદે તમામ પરીક્ષાઓ પાસ કરી છે. દેવિકા હાલ મલયાલમ, અંગ્રેજી અને હિન્દી ભાષા પોતાના પગ વડે લખી શકે છે. દેવિકા ૧૦માં ધોરણની પરીક્ષા આપ્યા બાદ હાલ ૧૧માં ધોરણમાં ‘હ્યુમાનિટી’ વિષયનો અભ્યાસ કરી રહી છે.

દેવિકાના પિતા સજીવ થેનીપલ્લમ પોલીસ સ્ટેશનમાં અધિકારી છે. દેવિકાના માતા પિતાએ બાળપણથી જ દેવિકાને સામાન્ય બાળકની જેમ જ ઉછેરીને તેનામાં અખૂટ હિંમત ભરી છે. દેવિકાને અભ્યાસ ઉપરાંત સિંગિંગમાં પણ રસ રહેલો છે. વર્ષ ૨૦૧૯માં દેવિકાને જૂનિયર રેડ ક્રોસમાં સર્વશ્રેષ્ઠ કેડેટનો પુરસ્કાર મળ્યો હતો. કેરળના પોલીસના વડા લોકનાથ બહેરાએ દેવિકાનું સન્માન કર્યું હતું. દેવિકાની વધતી જતી પ્રતિષ્ઠાથી તેના માતા-પિતા ગૌરવ અનુભવે છે.

પોતાની જાત મહેનતથી સામે આવનારી મુસીબતોનો સામનો કર્યો અને સમાજમાં એક મિસાલ પેશ કરી કે મહેનત કરનાર વ્યક્તિ વિકટ પરિસ્થતિનો સામનો આસાનીથી કરી શકે છે.

Leave a Reply