લોકજાગૃતિ, પર્યાવરણ વિષે સક્રિયતા તથા દૃઢ નિશ્ચયના જોરે કચ્છનાં મુદ્રા વિસ્તારના ખેડૂતોએ અમેરિકી સુપ્રીમ કોર્ટમાં કેસ જીત્યો

Uncategorized

કચ્છનાં મુદ્રા નજીકના વિસ્તારનું ઔદ્યોગીકરણ થતાં કોલસા આધારિત ઘણાં પ્લાન્ટ આ વિસ્તારમાં કાર્યરત થયા છે. જેમાં ટાટા મુદ્રા પાવર પ્લાન્ટના લીધે માછીમાર સમુદાયના લોકોનાં જીવન અને તેમના રોઝગારને મોટો ફટકો પહોંચ્યો છે. આ પ્લાન્ટને ચલાવવા માટે રોજ ૨૦૦૦ કરોડ લીટર દરિયાનું પાણી ઉપયોગમાં લેવામાં આવે છે, જેથી માછલીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. તથા આ દરમિયાન ભૂગર્ભજળ દરિયાઈ ખારા પાણી સાથે ભળી જતા પીવાનાં અને સિંચાઈના ઉપયોગમાં લેવાતાં પાણીની અછત સર્જાઈ છે અને ખેત ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. તથા હવાનું પ્રદૂષણ પણ વધી ગયું છે અને કેમિકલ યુક્ત પાણીના લીધે માછલીઓની સંખ્યા ઘટવાની સાથે સાથે તેમની કિંમતમાં પણ ઘટાડો થયો હતો.

તો ગ્રામજનોએ તથા માછીમારોએ આ પ્લાન્ટના લીધે થતી પર્યાવરણની અસરોને ગંભીરતાથી લઇ આ મુદ્દો ઇન્ડિયન ગ્રીન ટ્રીબ્યુંનલ તથા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ઉઠાવ્યો હતો. પરંતુ, તેમાં તેમને સફળતા ન મળતાં તેઓએ ૨૦૧૦માં એકજુટ થઇ માછીમાર અધિકાર સંગર્ષ સંગઠનની (MASS) સ્થાપના કરી. અને તેમણે કંપનીના અધિકારીઓનું આ મુદ્દે ધ્યાન દોર્યું, પણ તેઓ એ તેને ધ્યાન પર ન લેતાં, માછીમારોએ એનજીઓની સલાહ અને મદદ લઇ ઇન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન (IFC) કે જે વર્લ્ડ બેંક ગ્રુપની સદસ્ય સંસ્થા છે અને જેણે આ પ્લાન્ટ માટે લોન આપેલી છે તેમાં અરજી કરી. ત્યારબાદ તેમણે ૩૦,૦૦૦ માછીમારોની સહી વાળો પત્ર વર્લ્ડ બેંકમાં મોકલ્યો. ત્યાંથી પણ કંઈ જવાબ ન મળતાં તેમણે અમેરિકા સ્થિત કોલંબિયાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં IFC સામે પર્યાવરણને નુકસાન, બેદરકારી, કરારભંગ જેવા મુદ્દાઓ આધારે દાવો માંડ્યો હતો. પિટિશનર ૨૦૧૬માં આવેલ ચુકાદામાં હારી ગયા હતાં જેમાં કોર્ટે કહ્યું હતું કે આવી આંતરરાષ્ટ્રીય સંગઠનો કાયદા હેઠળ આવી ન શકે. તો તેમણે કોલંબિયા ડિસ્ટ્રિક્ટની કોર્ટ ઓફ અપીલમાં અરજી કરી હતી, ત્યાં પણ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, તેમણે હિંમત હાર્યા વગર, યુ.એસ. સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરી હતી જ્યાં કોર્ટે તેમનાં પક્ષમાં ચુકાદો આપ્યો હતો અને આવાં સંગઠનોને પણ કાયદા હેઠળ આવરી લેવાની વાત કરી હતી.

આ ગ્રામજનોએ ખાનગી કંપનીઓના દબાણને વશ ન થઈને અન્ય લોકો માટે પણ એક મિસાલ કાયમ કરી છે. તેમની આ લડતે ફક્ત આ એક પ્લાન્ટ વિષે જાગૃતિ નથી લાવી પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ખેડૂતો તથા અન્ય નાના ઉદ્યોગવાળા લોકોના થઇ રહેલા શોષણ વિરોધ એક અવાજ બુલંદ કરી છે અને આવાં પ્રોજેક્ટને ફાઈનાન્સ કરતાં પહેલાં ત્યાંના લોકો તથા પર્યાવરણ પર થતી અસરને ધ્યાનમાં લેવા જોઈએ અને જવાબદારીપૂર્વક મોનીટરીંગ કરવું જોઈએ તે સંદેશો ફેલાવ્યો છે.

Leave a Reply