અન્ન સુરક્ષા, વિશ્વ શાંતિ માટેનું પહેલું પગથિયું

Uncategorized

સામાન્ય રીતે જે પણ લોકો ઉગ્ર બને છે તેમની ઉપર પ્રતિબંધો લાદીને તેમને કમજોર કરવાની કોશિશ કરવામાં આવે છે. કેટલીક વાર તેમની વિરુદ્ધ યુદ્ધ પણ લડવામાં આવે છે, એ આશયથી કે તેઓ કમજોર થઈ જશે એટલે ઉગ્રતા છોડી દેશે. જો કે, જે કમજોર હોય તેઓ શાંત રહે અને જે શક્તિમાન હોય તે વધારે અશાંતિ ફેલાવે, શું એ માન્યતા હકીકતમાં સાચી છે? વાસ્તવિકતા તો કાંઈક જુદી જ છે.

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) ના ડિરેક્ટર, ડેવિડ બિસલીએ, નોર્વેના પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓસ્લો દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં, તેમના અને અફઘાનિસ્તાનના એક કબીલાના સરદાર સાથે થયેલ વાર્તાલાપને રજુ કરે છે કે જેમાં કબીલાના સરદાર કહે છે કે, “કૃષિવિષયક યોજના શરુ કરવામાં આવી તે પહેલાં અન્ન તથા બીજી મૂળભૂત સુવિધાઓની અછત હતી, જેથી બાળકોને કોઈ અન્ય વિકલ્પ ન મળતા તેઓ દેશ છોડીને જતા રહેતા અથવા સરકાર વિરુદ્ધ થઈ રહેલી બળવાખોર પ્રવૃત્તિઓ અથવા આતંકવાદી ગતિવિધિઓમાં જોડાઈ જતા.”

જ્યારે ડેવિડે પૂછ્યું કે હવે કેવી પરિસ્થિતિ છે તો તેમણે જણાવ્યું કે, “નહેરનું નિર્માણ થઈ જવાથી હવે અમને ખેતીલાયક પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે. જેથી અમે ખેતીવાડી તથા પશુપાલન કરી શકીએ છીએ અને ખાસ કરીને અમારા બાળકો પાસે હવે આશાનું કિરણ છે. તેઓ હવે વિસ્તાર છોડીને જતા નથી. તથા બળવાખોર જૂથો કે આતંકવાદી ગતિવિધિઓમાં પણ જોડાતા નથી.”

ડેવિડે વધુમાં જણાવ્યું કે, “આ વિસ્તારના લોકોની ખ્વાહિશ કઈ ઊંચી ઇમારતોની નથી, તેમની આશા તો ફક્ત અન્નની છે. અન્ન તેમના જીવનમાં સ્થિરતા લાવે છે. અન્ન ન હોવાના કારણે તેમનું જીવન અસ્થિર થઈ જાય છે. એ જ કારણે અમે લોકો, કબીલાઓ તથા દેશોને એકબીજા સાથે જોડવા માટે તથા શાંતિનિર્માણ કરવા માટે અન્નનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે આતંકવાદીઓ તેનો ઉપયોગ લોકોને યુદ્ધમાં જોડવા માટે કરે છે.”

અન્નની અછત, બીજી ઘણી બધી સમસ્યાઓને પણ જન્મ આપે છે. જેમ કે અન્ન ન મળવાથી લોકો અન્નની શોધમાં સ્થળાંતર કરવા લાગે છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP)ના એક અહેવાલ અનુસાર, ભૂખમરામાં જ્યાં ૧% ની વૃદ્ધિ થાય છે ત્યાં લોકોના સ્થળાંતરમાં ૨% ની વૃદ્ધિ થાય છે. ભુખમરાને લીધે ચાડ સરોવરના તટપ્રદેશના લાખો લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે. પરંતુ સ્થળાંતર કર્યા પછી પણ અન્નની કંઈ જ ખાતરી રહેતી નથી. ઉપરાંત તેમના માટે પુનર્વસવાટ પણ ઘણું અઘરું બની જાય છે, જેના કારણે તેમનું જીવન અસ્થિર અને પાયા વિનાનું બની જાય છે. આ પ્રકારના લોકોને બળવાખોરો આસાનીથી પોતાની જાળમાં ફસાવી દે છે. તેમને અન્નની અથવા બીજી કોઈપણ લાલચ આપીને બળવામાં અથવા આતંકી ગતિવિધિઓમાં સરળતાથી જોડી દેવામાં આવે છે.

વિશ્વભરના નિષ્ણાતો આ હકીકત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં નિષ્ફળ ગયા છે કે અન્નની અછત તથા ભૂખમરો, યુદ્ધ અને સંઘર્ષની પરિસ્થિતિમાં, આગમાં ઘી રેડવા સમાન કાર્ય કરી રહ્યાં છે. વૈશ્વિક સ્તરે લશ્કરી ખર્ચ કુલ રૂપિયા ૧,૩૦,૦૦૦ અરબ સુધી પહોંચી ગયો હોવા છતાં વૈશ્વિક શાંતિ પ્રાપ્ત કરવામાં નિષ્ફળતા મળી છે. હકીકતમાં, લશ્કરીકરણને લીધે ઊભી થતી મુસીબતોને વારંવાર ભૂલીને, સંઘર્ષને નાથવા માટે હંમેશા, ફક્ત લશ્કરી તાકાતનો ઉપયોગ થાય છે, જેના કારણે માહોલ વધુ ઉગ્ર બને છે.

ડેવિડે કહ્યું કે, “ભૂખમરો, બળવાખોરોને અવ્યવસ્થા ઊભી કરવાનું યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. જે બિલકુલ સ્પષ્ટ છે, તથા સંઘર્ષ અને ભૂખમરાને અલગ કરી શકાય નહિ. આ જ બાબતને અમે લોકોને સમજાવવાની કોશિશ કરી રહ્યાં છીએ.”

સંઘર્ષપૂર્ણ સ્થિતિ ઊભી કરવા પાછળ વિવિધ કારણો ભાગ ભજવતા હોય છે જેવા કે અસમાનતા, ભ્રષ્ટાચાર, અન્યાય, નબળું શાસન, રાજકીય સ્વાર્થ, વિસ્તારવાદ, સત્તા, વગેરે. પરંતુ સંઘર્ષને વેગ આપવા તથા ટકાવી રાખવા પાછળ, અન્ન તથા બીજી મૂળભૂત જરૂરિયાતોની અછત કારણભૂત છે. જેવી રીતે ભૂખમરાના નિવારણ માટે વિશ્વ શાંતિની સ્થાપના કરવી તે એક સર્વસ્વીકૃત અને અતિઆવશ્યક મુદ્દો છે, તેવી જ રીતે વિશ્વ શાંતિ માટે અન્ન સુરક્ષા પણ ખુબ જ અગત્યનો મુદ્દો છે. આમ પારસ્પરિક રીતે, વિશ્વ શાંતિ અને અન્ન સુરક્ષા, બંને એકબીજા પર આધાર રાખે છે.

વર્ષ ૨૦૧૭ માં, યુનાઇટેડ નેશન્સની એક સંસ્થા, ફૂડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઇઝેશન (FAO) દ્વારા, અન્ન સુરક્ષા બાબતે પ્રકાશિત થયેલ “ધ સ્ટેટ ઑફ ફૂડ સિક્યુરિટી ઍન્ડ ન્યુટ્રીશન ઇન ધ વર્લ્ડ” નામક અહેવાલ અનુસાર, વિશ્વભરમાં ૮૧.૫ કરોડ લોકો અન્નની તંગીનો સામનો કરી રહ્યા છે, જેમાંથી ૪૫.૯ કરોડ લોકો સંઘર્ષપૂર્ણ વિસ્તારમાં રહે છે. અહેવાલે વધુમાં સ્પષ્ટ કર્યું કે, મ્યાનમાર, અફઘાનિસ્તાન, સોમાલિયા, કોંગો, દક્ષિણ સુદાન, સીરિયા, યમન, હૈતી તથા ચાડ સરોવરના તટપ્રદેશના દેશો જેવા કે ચાડ, નાઇજિરિયા, કેમેરૂન અને નાઇજર જેવા સંઘર્ષપૂર્ણ વિસ્તારવાળા કુલ ૪૮ દેશોમાં ૧૦.૮ કરોડ લોકો તીવ્ર ભૂખમરામાં જીવે છે. જે આંકડો વર્ષ ૨૦૧૬ના અહેવાલ અનુસાર ૮ કરોડ હતો, એટલે કે ૨૦૧૭ માં ૩૫% નો વધારો થયો છે.

યુદ્ધ તથા બળવાના કારણે સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે અને તેવી પરિસ્થિતિમાં જીવન જરૂરી વસ્તુઓ મેળવવી તેમજ જીવન જીવવું ખુબ જ મુશ્કેલ બની જાય છે. તેની અસર અન્ન જેવી અત્યંત પાયાની જરૂરિયાત પર વધુ થતી હોય છે. સંઘર્ષપૂર્ણ વિસ્તારોમાં અન્નની પેદાશ તથા તેનું વિતરણ સરળતાથી ન થવાના કારણે ભૂખમરા જેવી આફત સર્જાય છે.

વૈશ્વિક સ્તરે ભૂખમરાને નાથવા માટે, યુનાઇટેડ નેશન્સની ફૂડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઇઝેશન (FAO) તથા વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) જેવી સંસ્થાઓ કાર્યરત છે. આ સંસ્થાઓ, અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવા તથા બાળકોમાં પોષણનું સ્તર જાળવી રાખવાથી માંડીને ખેતીવાડી તથા પશુપાલનના વિકાસ માટેના વિવિધ કાર્યો કરે છે. એક આંકડા અનુસાર યુનાઇટેડ નેશન્સના ફૂડ પ્રોગ્રામના કુલ ખર્ચનો ૮૨% હિસ્સો સંઘર્ષપૂર્ણ વિસ્તારોમાં વપરાય છે.

આપણે આશા રાખીએ કે આવી માહિતી બહાર આવવાથી હવે વિશ્વશક્તિઓ ઉગ્રવાદને નાથવા માટે મિસાઇલનો ઉપયોગ કરવાને બદલે ઉગ્રતાના પંથે ચડેલા લોકોના ભૂખમરાને દૂર કરવાના ઉપાયો કરશે, કે જેથી ઉગ્રતાના મૂળને જ ખતમ કરી શકાય.


ઓડિયો કલીપ: પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓસ્લો દ્વારા આયોજિત કાર્યક્રમ (૧૩ એપ્રિલ ૨૦૧૮)

ઇમેજ સોર્સ: philanthropyage.org

Leave a Reply