શું આર્થિક વિકાસ જ દેશની પ્રગતિનું માપદંડ છે?

Uncategorized

વિશ્વભરના લગભગ તમામ દેશ પોતાનો વિકાસ કુલ રાષ્ટ્રીય ઉપજ (ગ્રોસ નેશનલ પ્રોડક્ટ અથવા જીડીપી) ના આધારે નક્કી કરે છે. સરળ ભાષામાં સમજીએ તો જીડીપી એટલે દેશમાં ઉત્પાદિત થતી સમગ્ર વસ્તુઓ તથા સેવાઓની કુલ બજાર કિંમત. જીડીપીને વૈશ્વિક સ્તરે આર્થિક વિકાસના માપદંડ તરીકે જોવામાં આવે છે. જીડીપીના આધારે દરેક દેશ પોતાના અર્થતંત્રને બીજા દેશોના અર્થતંત્ર સાથે સરખાવે છે અને તેના આધારે પોતાના અર્થતંત્રનું કદ અને તેના વિકાસની ઝડપ નક્કી કરે છે. આમ દેશનો વિકાસદર જીડીપી પરથી નક્કી થતો હોઈ, દરેક દેશની સરકારનો ધ્યેય વધુ ને વધુ ઉત્પાદન દ્વારા પોતાના દેશના જીડીપીને વધારવાનો હોય છે. પરંતુ ખરા અર્થમાં દેશનો જીડીપી તેના વિકાસને રજુ નથી કરી શકતો.

દેશનો વિકાસ તેના આર્થિક અને સામાજિક વિકાસ બંને પર આધાર રાખે છે. સામાજિક વિકાસના મુદ્દાઓ જેમકે શિક્ષણ, સ્વાસ્થ્ય તથા ભોજન જેવી મૂળભૂત સુવિધાઓ, સંસ્કૃતિ તથા પર્યાવરણનું જતન, ન્યાય, સુશાસન વગેરે સાથે જીડીપીને દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. હકીકતમાં આર્થિક અને સામાજિક વિકાસ વચ્ચે સંતુલન જળવાઈ રહે અને દેશનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયાસ હોવા જોઈએ.

ઘણીવાર દેશનો આર્થિક વિકાસદર ઊંચો હોવા છતાં સામાજિક અથડામણો તથા નાગરિકોમાં હતાશા જેવી સમસ્યાઓ જોવા મળતી હોય છે. વર્ષ ૨૦૧૪માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝશન (WHO) દ્વારા રજુ કરવામાં આવેલા એક અહેવાલ અનુસાર અમેરિકા, ચીન અને ભારત વિશ્વના ટોચના ત્રણ દેશો છે કે જ્યાં લોકો હતાશા, બેચેની તથા ડ્રગ્સની બુરી લતથી પીડાય છે. આ ત્રણેય દેશ વિશ્વની આર્થિક મહાસત્તાઓ તરીકે ગણાય છે. આમ વિકાસની દ્રષ્ટીએ જોઈએ તો આ ત્રણેય દેશની બાહ્ય અને આંતરિક હકીકત કંઇક જુદી જ હોય તેમ લાગે છે. એક સ્વસ્થ નાગરિક જ સવસ્થ સમાજની રચના કરી શકે છે અને એક સ્વસ્થ સમાજ સ્વસ્થ દેશની. દેશની વાસ્તવિક પ્રગતિ તેના નાગરિકો તથા સમાજની પ્રગતિ પર આધાર રાખતી હોઈ, નાગરિકોમાં સંતોષ તથા સામાજિક સંવાદિતા કઈ રીતે વધે તે દિશામાં દેશની નીતિઓ રચાવી જોઈએ.

ભૂતાન એક એવો દેશ છે જ્યાં પ્રગતિને જીડીપીથી નહિ પરંતુ કુલ રાષ્ટ્રીય પ્રસન્નતા (ગ્રોસ નેશનલ હેપીનેસ અથવા જીએનએચ)થી માપવામાં આવે છે. એટલે કે દેશના લોકો કેટલા ખુશ છે તે પરથી દેશની પ્રગતિ નક્કી થાય છે. ૧૯૭૨માં જયારે જિગ્મે સિંગ્યે વાંગ્ચુક ભૂતાનના રાજા હતા ત્યારે તેમણે જીએનએચને દુનિયા સામે પ્રથમવાર પ્રસ્તુત કર્યું હતું અને કેવળ આર્થિક વિકાસને મહત્વ ન આપતા સામાજિક, શારીરિક, પ્રાકૃતિક તથા આધ્યાત્મિક વિકાસને પણ મહત્વ આપવા ધ્યાન દોર્યું હતું.

ભૂતાનના જીએનએચના ચાર આધારસ્તંભ છે; (૧) ટકાઉ અને ન્યાયપૂર્ણ સામાજિક-આર્થિક વિકાસ, (૨) પર્યાવરણ સંરક્ષણ, (૩) સંસ્કૃતિનું જતન અને પ્રોત્સાહન તથા (૪) સુશાસન. જીએનએચની ગણતરી મુખ્યત્વે ૯ પરિબળોને આધારે કરવામાં આવે છે. આ ૯ પરિબળોમાં જીવન ધોરણ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણ, સામાજિક ઉત્સાહ, સમયનો ઉપયોગ, માનસિક સુખાકારી, સુશાસન, સાંસ્કૃતિક સ્થિતિસ્થાપકતા તથા પ્રોત્સાહનનો સમાવેશ થાય છે. જેની માટે ભૂતાનમાં એક જીએનએચ આયોગની રચના પણ કરવામાં આવી છે, જે દેશમાં જીએનએચને લગતી યોજનાઓ તથા નીતિઓ ઘડવાનું અને તેના અમલીકરણનું કાર્ય કરે છે.

ભૂતાનથી પ્રેરણા લઇ વર્ષ ૨૦૧૨માં, સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ ૨૦મી માર્ચને આંતરરાષ્ટ્રિય પ્રસન્નતા દિવસ (ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ) તરીકે જાહેર કર્યો, જેથી બીજા દેશો પણ ભૂતાનની માફક પોતાના નાગરિકોની ભલાઈ તથા સુખસમૃદ્ધિ માટે પોતાની નીતિઓમાં જરૂરી ફેરફાર કરે. યુએન દ્વારા એક સમિતિની રચના પણ કરવામાં આવી જે ભૂતાનના હેપીનેસ ઇન્ડેક્ષના નમૂનાની બીજા દેશોમાં લાગુ કરાવવા માટે પ્રયત્નશીલ છે. થાઈલેન્ડ, યુનાઇટેડ કિંગડમ તથા યુએઈ જેવા દેશોએ પણ જીએનએચને લગતી યોજનાઓ હાથ ધરી છે.

વર્ષ ૨૦૧૨થી યુએન ધ્વારા વિશ્વના કેટલાક દેશોનો સર્વે કરી વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. ૨૦૧૮ના રિપોર્ટ અનુસાર ૧૫૬ દેશોમાંથી ફિનલેન્ડ પ્રથમ ક્રમાંક પર છે અને ભારતનો ૧૩૩મો ક્રમાંક છે. ભારતનો ૧૩૩મો ક્રમાંક હોવાથી એ વાત તો બિલકુલ સ્પષ્ટ છે કે દેશના લોકોમાં સંતોષનું સ્તર ઘણું ઓછું છે.

લોકોમાં રહેલા અસંતોષને કારણે દેશમાં ઘણી બધી મુશ્કેલીઓ ઉભી થતી હોય છે, જેની સીધી અસર દેશની પ્રગતિ પર પડે છે. આવી પરિસ્થિતિઓમાં દેશનો જીડીપીનો આંકડો ગમે તેટલો મોટો જ કેમ ન હોય, પરંતુ તે દેશ હકીકતમાં અધોગતિ તરફ જ આગળ વધતો હોય છે. જો લોકોના સંતોષ તથા સુખદ જીવન માટે સરકાર તરફથી જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને તે માટે યોગ્ય નીતિઓ ઘડી તેનું અમલીકરણ કરાવવામાં આવે, તો જ દેશની સાચા અર્થમાં પ્રગતિ થઇ ગણાશે.

ઇમેજ સોર્સ: scoopwhoop.com

Leave a Reply