સ્વસ્થ સમાજ માટે હકારાત્મક સમાચાર અતિઆવશ્યક!

Uncategorized

જયારે સતત નકારાત્મક સમાચાર સાંભળવાની અસર જોડી જેક્સનના જીવન પર પડી, ત્યારે ઉંડાણપૂર્વક તેમણે વિચાર્યું કે, સમાચારોમાં જે ખોટું થઇ રહ્યું હોય તેની પર ભાર શા માટે મુકવામાં આવે છે? પ્રચાર માધ્યમ(મીડિયા)થી થતી મનોવૈજ્ઞાનિક અસરો પર સાત વર્ષ સંશોધન કર્યા બાદ, જેક્સને બીજા લોકોને મદદરૂપ થવા તથા તેમને “જાગૃત સમાચાર ઉપભોક્તા” બનાવવા માટે “યુ આર વોટ યુ રીડ” (You Are What You Read) નામનું એક પુસ્તક લખ્યું.

સમાચારની અસર પર સંશોધનનું કારણ

સમાચારથી લોકો પર થતી અસરના સંશોધન પાછળનું કારણ જણાવતા જેક્સન કહે છે કે, “જયારે નકારાત્મક સમાચાર સાંભળવામાં આવતા ત્યારે મને એક ડર લાગતો અને એક સમયે હું ગભરાહટને લીધે સમાચાર બંધ પણ કરી દેતી. આમાં ધીરે ધીરે વધારો થવા લાગ્યો અને છેવટે મેં સમાચાર જોવાનું બંધ કરી દીધું. હું પોતાની જાતને એક તર્કસંગત વ્યક્તિ માનું છું અને વર્તમાન બાબતોની જાણકારી રાખવાનું મને ગમે છે, પરંતુ મને અહેસાસ થયો કે સમાચાર પ્રત્યેનો મારો અભિગમ તર્કસંગત રહ્યો ન હતો, અલબત્ત ધીરે ધીરે તે ભાવનાત્મક થવા લાગ્યો હતો. મારા માટે આ એક જબરદસ્ત સંવેદના હતી જેને હું સમજવા માંગતી હતી. તેથીજ મેં આપણી ઉપર થતી સમાચારની અસર પર સંશોધન કરવાનો નિર્ણય કર્યો.”

નકારાત્મક સમાચાર

સમાચારોની નકારાત્મક રજુઆતને કારણે વર્તમાન સમસ્યાઓને આપણે કાયમી અને ઉકેલી ન શકાય તેવી સમજવા લાગીએ છીએ પછી ભલેને તે સમસ્યા ક્ષણિક અને ઉકેલી શકાય તેવી હોય. સમાચારનો મુખ્ય ઉદ્દેશ એવી રીતે જાણકારી આપવાનો હોવો જોઈએ કે લોકો પોતાની જાત ને સશક્ત સમજે, પરંતુ સમાચાર એટલી નકારાત્મક રીતે રજુ કરવામાં આવે છે કે લોકો પોતાને અસમર્થ અથવા લાચાર સમજવા લાગે છે.

હકારાત્મક સમાચાર અને સશક્તિકરણ

જેમ વિશ્વાસ કરવા માટે જોવું જરૂરી હોય છે તેમ સમસ્યાના ઉકેલ માટે પણ હકારાત્મક રિપોર્ટિંગ જરૂરી હોય છે. તેનાથી આપણે એમ સમજવા લાગીએ છીએ કે સમસ્યાનો ઉકેલ લાવવામાં આપણું પણ યોગદાન મહત્વનું સાબિત થઇ શકે છે અને સમસ્યા પ્રત્યેનો આપણો અભિગમ આ રીતે બદલાઈ જાય છે. આમ, સમસ્યાના ઉકેલ પર આધારિત સમાચાર બતાવવાથી સમસ્યાનો અસરકારક ઉકેલ લાવી શકાય છે. સંશોધનમાં સાબિત થયું છે કે ઉકેલ આધારિત સમાચાર વાંચવાથી લોકોને સશક્તિકરણનો અહેસાસ થાય છે.

સમાચાર પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવાની જરૂર

લોકોમાં જાગૃતિ લાવવા વિષે જોડી જેક્સન કહે છે કે, “મને વિશ્વાસ છે કે વાંચકો પાસે સમાચારને બદલવાની તાકાત છે. કમાણી કરવા માટે, મોટેભાગે મીડિયા દ્વારા વધુમા વધુ લોકોને સાંકળી શકાય તેવી માહિતીનું નિર્માણ કરવામાં આવતું હોય છે. જો લોકોમાં સભાનતા આવે કે તે કયા પ્રકારની માહિતી મેળવી રહ્યા છે, તો લોકો જાતેજ એક શક્તિશાળી સંપાદકની ભૂમિકા ભજવી શકે છે. જો આપણી પાસે જાણકારી હોય કે આ માહિતી કેવી રીતે અને શા માટે તૈયાર કરવામાં આવી છે, તેની આપણી પર શું અસર થશે અને તેના વિષે આપણે શું કરી શકીએ છીએ, તો આપણે નિઃશંકપણે જાગૃત વાંચકો બની શકીએ છીએ. આ પુસ્તક દ્વારા મારો આશય છે કે લોકો પોતાની જાતે આ નકારાત્મક સમાચારોનો સામનો કરતા થાય અને પોતાનું માનસિક સ્વાસ્થ્ય સુધારે. મને ખરેખર વિશ્વાસ છે કે આપણે ભેગા મળીને આ ઉદ્યોગને સારી દિશામાં લઈ જઈ શકીશું.”

નવો અભિગમ

જેક્સન આગળ કહે છે કે, “જ્યારથી મારામાં સમાચાર પ્રત્યે સભાનતા આવી છે, ત્યારથી વિશ્વ પ્રત્યેનો મારો અભિગમ બદલાઈ ગયો છે. આપણી આસપાસની સમસ્યાઓનો ઉકેલ લાવી રહેલી ઘણીબધી વસ્તુઓથી હું પ્રોત્સાહિત થઇ છું. જેને લીધે હું સમાચારથી તો જોડાયેલી છું જ પરંતુ મહત્વપૂર્ણ રીતે હું સમાજથી તથા મારી ક્ષમતાથી પણ જોડાયેલી હોવાનો અનુભવ કરું છું.”

આપણે વિશ્વમાં થઇ રહેલી વર્તમાન ઘટનાઓની જાણકારી રાખવા માંગતા હોઈએ છીએ. પરંતુ એક પ્રશ્ન પોતાની જાતને પૂછવો અનિવાર્ય બની જાય છે કે, એવી કઈ વાતો છે કે જે આપણે નથી સાંભળી રહ્યા? કેમકે આપણા સુધી પહોંચતી માહિતી જ વિશ્વ પ્રત્યેના આપણા અભિગમને આકાર આપે છે. વર્તમાન મુદ્દાઓ તથા સમસ્યાઓની જાણકારી રાખવી ખુબજ જરૂરી છે, પરંતુ એ પણ જોવાની ખાસ જરૂર છે કે તેમને કઈ રીતે વ્યક્ત કરવામાં આવે છે અને આમ, બધુ આપણી સમજ પર જ નિર્ભર કરે છે.

Original interview was published on Positive.News by Danielle Batist

ઇમેજ સોર્સ: New York Times

Leave a Reply