તુર્કીનું એક નગર જ્યાં છેલ્લા ૭૦ વર્ષોથી કોઈ ભૂખ્યું ઉંઘ્યું નથી

Uncategorized

એલાઝીગ પ્રાંતની ૧૦૦ કીમી. ઉત્તરે આવેલ કારાકોકન નગર પોતાની આગવી પરંપરાને લીધે હમણાં કેટલાક વર્ષોથી લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ત્યાંના સ્થાનિકો માટે કમનસીબ જરૂરતમંદોને મદદ કરી પોતાની ફરજ અદા કરવી એક પરંપરા બની ગઈ છે. આ નગરમાં એવા ઘણા બધા રેસ્ટોરન્ટ આવેલા છે જ્યાં જરૂરતમંદ લોકોને મફતમાં જમાડવામાં આવે છે. આ પરંપરાને દાયકા દર દાયકાથી ચલાવવામાં આવી રહી છે.

૫૫ વર્ષીય મહેમુદ ઓઝતુર્ક, કે જેઓ કારાકોકનની અતિવ્યસ્ત રેસ્ટોરન્ટ્સમાંની એક રેસ્ટોરન્ટ મરકઝ ના લગભગ ૩૫ વર્ષોથી માલિક છે, તેઓ કહે છે કે તેઓ પોતાની રેસ્ટોરન્ટમાં ગમે તેવી ભીડ હોવા છતાં આવા જરૂરતમંદ ગ્રાહકો માટે ત્રણ ટેબલ હંમેશા ખાલી રાખે છે. ઓઝતુર્કના મતે ગરીબો અહિયાં આવવાનું ક્યારેય ચુકતા નથી. કોઈપણ દિવસે ઓછામાં ઓછા પંદર લોકો મફત ભોજન માટે તેમની હોટલમાં આવે છે.

ઓઝતુર્ક કહે છે “આ પરંપરા વર્ષોથી છે, ૭૦ વર્ષ પહેલા પણ હતી. અમારા માટે આમ કરવું એ સ્વાભાવિક છે. આ એવું કંઇક છે જે અમે અમારા બુઝુર્ગોથી શીખ્યા છીએ.” સ્થાનિક લોકોના મત પ્રમાણે, આ પ્રથા સૌપ્રથમ મરકઝ રેસ્ટોરન્ટમાં ૧૯૪૦ માં શરુ કરવામાં આવી. જયારે આગળ જતાં તેના જે તે સમયના માલિકોએ આ રીતે જરૂરતમંદોને રોજ જમાડવાનું ચાલુ રાખ્યું અને ધીરે ધીરે આ પ્રથા બીજી રેસ્ટોરન્ટમાં પણ ઝડપથી પ્રસરવા લાગી.

૧૯૮૨ માં જયારે ઓઝતુર્કના મોટા ભાઈ જર્મનીથી પરત આવ્યા અને તેઓ આર્થિક રીતે સ્થિર થયા ત્યારે તેઓએ મરકઝ રેસ્ટોરન્ટને તેના પૂર્વ માલિક પાસેથી ખરીદી લીધી અને ઓઝતુર્ક તેના માલિક બન્યા.
અહિયાં લગભગ એવી પાંચ રેસ્ટોરન્ટ્સ છે જેમણે આ પરોપકારી પ્રથાને અપનાવી છે. જે લોકો મફત ભોજન મેળવે છે તેઓ અહી નિયમિત પણે આવતા થઇ જાય છે, અને એવા જાણીતા ચહેરા પણ છે કે જેઓ રોજ ઓછા માં ઓછા બે વખતનું ભોજન લેવા આવે છે.

ઓઝતુર્ક કહે છે કે “અહીં ભોજન લેવા આવનારાઓમાં મોટા ભાગના વ્યક્તિઓ માનસિક બીમારી જેવી અક્ષમતાઓથી પીડાતા હોય છે. પરંતુ અમો રેસ્ટોરન્ટ્સના માલિકો માટે, રોજ નવા નવા વ્યક્તિઓનું અભિવાદન કરવું એ એક સંતોષકારક અને આનંદદાયક અનુભૂતિનો એક ભાગ છે. ભલે તેઓ બાજુના નગર બીન્ગોલ અને તુન્સેલી માંથીજ આવતા હોય.”

બરકત

હસન ગુલબસન, જેના કૌટુંબિક મૂળ આ નગરમાં વર્ષો અને ઘણી પેઢીઓ જુના છે, તેઓ જયારે ૧૪ વર્ષની ઉંમરના હતા ત્યારે જમવાની પ્લેટ ધોવાનું કામ શરુ કર્યું હતું. અને ત્યારથી તેઓ કરાકોક્નના ૫ રેસ્ટોરન્ટનું કામ સંભાળતા થયા અને હવે તેઓ સરાય લોકાનતાસી રેસ્ટોરન્ટના માલિક તરીકે સેવા આપી રહ્યા છે.
ગુલબસન કહે છે કે “તેઓને આખા તુર્કીમાંથી ઘણા બધાં અજાણ્યા વ્યક્તિઓના ફોન આવતા જેઓ આ પ્રથા તેમની પાસેથી શીખ્યા પછી તેમને ધન્યવાદ કહેવા માંગતા હતા. હું તેમને કહું છું કે આપણે જે કરીએ છીએ તે કંઈ અલગ નથી. ગરીબોને આવકારવાથી આપણી કમાણીમાં જરાય પણ ફર્ક પડતો નથી, પરંતુ તે જો કંઇક લાવે છે તો તે છે બરકત”

૬૫ વર્ષીય વર્તેન કહે છે કે “આ તો અમારા નગરના દાન કરવાના ઇતિહાસનું માત્ર એક ઉદાહરણ છે. તેઓએ ગર્વથી એ પણ જણાવ્યું કે કઈ રીતે પાછલા વર્ષે સીરીયાના પીડિતો માટે કારાકોકન નગરે બહોળા પ્રમાણમાં મદદ પહોચાડવા માટેની ઝુંબેશ ચલાવી હતી. અને દક્ષીણ-પૂર્વ તુર્કીના વાન પ્રાંતમાં આવેલા ધરતીકંપના પીડિતોને મદદ પહોચાડી હતી. જ્યાં ૧૦૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને હજારો લોકો બેઘર થયા હતા.”

“ફર્ક નથી પડતો તમે એલાઝીગમાં કોને પૂછો છો, તે તમને કારાકોકનની ઉદારતા વિષે જરૂર જણાવશે.” ગુલબસને જણાવ્યું.

અમીર વ્યક્તિ જવાબદારીનો અનુભવ કરે છે

સેલલ કાયા, કે જેઓ એક તાલુકા અધિકારી અને ત્યાંના ગામડાઓમાં સેવા પૂરી પાડતા એક સંગઠનના વડા છે તે જણાવે છે કે, “અહીં રહેતા દરેક વ્યક્તિનું ઓછા માં ઓછું એક સંબંધી યુરોપમાં રહે છે કે જે નિયમિતપણે અહીં નાણાં મોકલે છે. સામાન્ય સરખામણી માટે તમે એલાઝીગના કેન્દ્રીય વિભાગોની મુલાકાત લેશો તો સરળતાથી આ નગરની સમૃદ્ધતા ને સમજી શકશો.”

તેઓ આગળ કહે છે, “અમીર લોકો કમનસીબ લોકોને મદદ કરવી એ પોતાની જવાબદારી સમજે છે. અને તેથી જ નગરના લોકોએ પોતાની રીતેજ સમાજ કલ્યાણની એક પદ્ધતિ ઉભી કરી છે. અમે હમણાંજ એક રેસ્ટોરન્ટમાં ગરીબ કુટુંબ માટે ભોજન આપવા કહ્યું અને તેનો ખર્ચો સરકારી ખાતામાંથી લેવા માટે જણાવ્યું તો રેસ્ટોરન્ટ વાળાઓએ તે વાતનો ઇનકાર કર્યો અને ભોજનનો ખર્ચ તેઓએ પોતાના શિરે લઇ લીધો.”

બદલાતી ગતિશીલતા

ધન્યવાદ છે એ સ્થળાંતરીત સંબંધીઓને કે જેઓએ મોકલેલ વિદેશી નાણાંને કારણે કારાકોકન પોતાની પ્રચલિત આતિથ્યસત્કાર અને ઉદારતાને ચાલુ રાખવાનું ટકાવી શક્યું છે. તેમ છતાં, સ્થાનિક લોકોને ચિંતા છે કે નગરની ગતિશીલતા બદલાઈ રહી છે. બીજી અને ત્રીજી પેઢીના લોકો કે જેઓ સારા ભવિષ્ય માટે ૭૦ અને ૮૦ ના દાયકામાં યુરોપ ગયા હતા તેઓ તેમના વડીલોની જેમ નગરની મુલાકાતે પાછા આવતા નથી. તેના બદલે તેઓ અન્તાલ્યા અને ઇઝ્મીર જેવા તુર્કીના શહેરોના રિસોર્ટમાં પોતાનું ઉનાળુ વેકેશન ગાળવાનું પસંદ કરે છે.

કાયા કહે છે કે, “જો આવી ગાઢ પ્રથાઓ ધીરે ધીરે અદ્રશ્ય થઇ જશે તો પરદેશમાં કામ કરતા સંબંધીઓ પાસેથી આવતા નાણાં પણ અંતે આવતા બંધ થઇ જશે”

કારાકોકનની સમૃદ્ધતાના સ્તરને ટકાવી રાખવા માટેના આર્થિક સ્ત્રોતો ભલે અનિશ્ચિત હોય પણ બીજાઓને મદદ કરવા હાથ આગળ કરવાની અહીંની સંસ્કૃતિના મૂળ અહીંના સમાજમાં એટલે ઊંડે સુધી વિસ્તર્યા છે કે અહીંના લોકો કોઈની મદદ કરવાને ખૈરાત(દાન) નથી સમજતા પરંતુ “પોતાનો ધર્મ અને માણસ તરીકેની ફરજ” સમજે છે.

Leave a Reply