ઍક્ટિવ લર્નિંગ: ઉજ્જવળ ભવિષ્ય માટે શૈક્ષણિક પદ્ધતિમાં સુધાર લાવવા માટેનો ઉકેલ

Uncategorized

ઝડપથી વિકસી રહેલા ભારતના અર્થતંત્રમાં, ઔદ્યોગિકરણ અને ટેકનોલોજીનો વિકાસ તેની ચરમ પર છે, તો દેખીતી રીતે શિક્ષિતો માટે રોજગારીની તકો પણ વધવી જોઈએ. પરંતુ વાસ્તવિક રીતે દેશમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જરૂરી કૌશલ્ય તથા લાયકાતના અભાવે ઘણાબધા શિક્ષિતો નોકરી મેળવી શકતા નથી. આમ રોજગારીની તકો હોવા છતાં, ઘણાબધા શિક્ષિતો બેરોજગાર રહે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી, ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટેની સંખ્યાબંધ નવી સંસ્થાઓની સ્થાપના થઈ છે, પરંતુ પરંપરાગત શૈક્ષણિક પદ્ધતિને કારણે, તેમાંથી નીકળતા વિદ્યાર્થીઓની ક્ષમતાઓ સમયની માંગને અનુરૂપ હોતી નથી. આપણી પરંપરાગત શૈક્ષણિક પદ્ધતિ મોટેભાગે પૅસિવ લર્નિંગ (એક તરફી અથવા નિષ્ક્રિય અભિગમવાળું શિક્ષણ) પર આધારિત છે. જેમાં શિક્ષણનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપવા પર કેન્દ્રિત હોય છે, ના કે શિક્ષણમાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી પર. આમ આ પદ્ધતિ વિદ્યાર્થીઓમાં વ્યુહાત્મક વિચારશૈલીને ભાગ્યે જ પ્રોત્સાહન આપે છે તથા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ખુબ જ ઓછા પ્રમાણમાં સક્રિય હોય છે. વિદ્યાર્થીઓ શીખવાની પ્રક્રિયામાં વધુ ભાગ લેવા પ્રેરિત થાય તે માટે હાલની શૈક્ષણિક પદ્ધતિમાં ઍક્ટિવ લર્નિંગ (સક્રિય શિક્ષણ)નો સમાવેશ કરવો ખુબ જ જરૂરી છે.

ઍક્ટિવ લર્નિંગ એટલે કે એવી કોઈપણ સૂચનાત્મક પદ્ધતિ કે જેમાં વિદ્યાર્થીઓ શીખવાની પ્રક્રિયામાં વધુ ભાગ લે. ઍક્ટિવ લર્નિંગમાં વિદ્યાર્થીઓ અર્થપૂર્ણ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરે છે અને તેઓ શું કરી રહ્યા છે તે વિશે પણ વિચારે છે. અભ્યાસક્રમ બહારના વાંચન, સંશોધન, અસાઇન્મન્ટ્સના લેખન, ગ્રુપ પ્રોજેક્ટ્સ વગેરેને અભ્યાસક્રમ સાથે જોડી દેવામાં આવે છે જેથી પરસ્પર ચર્ચાઓમાં વધારો થાય અને એ કારણે ક્લાસરૂમનું વાતાવરણ વધુ સક્રિય બને.

ઍક્ટિવ લર્નિંગની ઘણીબધી ટેકનીક્સ પ્રયોગાત્મક ધોરણે અમલમાં લેવામાં આવે છે, જેમકે-

૧) વિદ્યાર્થીઓ જે કંઈ શીખી રહ્યા હોય તેના વિષે તેમના મનમાં પ્રશ્નો ઉદ્ભવે તથા તેનો ઉકેલ શોધવા જાતે જ વિચાર કરે તે રીતે તેમની સાથે ચર્ચાવિચારણા કરવામાં આવે છે. આ ટેકનીક વિદ્યાર્થીઓને નવા વિચારો પેદા કરવા માટે પ્રેરિત કરે છે. જેના પરિણામ સ્વરૂપે તેમની વિચારશક્તિ મજબૂત બને છે.

૨) વિદ્યાર્થીઓને કોઈ મુદ્દાના વિશ્લેષણ માટે અલગ અલગ જુથમાં વિભાજીત કરવામાં આવે છે. ત્યારબાદ દરેક જૂથ એક પછી એક પોતાનું વિશ્લેષણ તથા તે વિશ્લેષણ પાછળની પોતાની વિચારધારા દરેક સમક્ષ રજુ કરે છે. આ ટેકનીકના પરિણામ સ્વરૂપે વિદ્યાર્થીઓમાં, એક જ મુદ્દાના વિશ્લેષણ માટે પણ લોકોના દ્રષ્ટિકોણ અલગ અલગ હોવાની સમજશક્તિ પેદા થાય છે તથા વિદ્યાર્થીઓને ટીમવર્કનું મહત્વ સમજાય છે.

૩) વિદ્યાર્થીઓને કોઈ એક વિષય પર દલીલ રજુ કરવા માટે મોકો આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાના મુદ્દાને મજબુત બનાવવા વિવિધ પ્રકારની માહિતી એકત્રિત કરે છે. તથા તેની બીજાઓ સમક્ષ વ્યુહાત્મક રીતે રજૂઆત કરે છે. આ ટેકનીકમાં વિદ્યાર્થીઓને માહિતીના સંશોધન તથા વાણીકૌશલ્યના વિકાસ માટે પ્રોત્સાહન મળે છે.

ઍક્ટિવ લર્નિંગમાં આ સિવાય પણ બીજી ઘણી બધી ટેકનીક્સ નો ઉપયોગ થાય છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ઍક્ટિવ લર્નિંગને વેગ મળ્યો છે. દુનિયાભરમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓએ ઍક્ટિવ લર્નિંગને અમલમાં મૂક્યું છે અને તેનાથી વિદ્યાર્થીઓને ઘણા લાભ થયા છે. ભારતમાં પણ ઍક્ટિવ લર્નિંગને અમલમાં મુકવાથી ઘણા લાભ થઇ શકે છે અને ચોક્કસપણે વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકસાવી શકાય છે. જે નજીકના ભવિષ્યમાં કુશળ શ્રમિકોની અછતને દુર કરશે અને શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં ઘટાડો કરશે.

****

વધુમાં વાંચો: ફિનલેન્ડ વિશ્વનો પહેલો એવો દેશ બનશે જે સ્કૂલના તમામ વિષયો દૂર કરીને “લાક્ષણિક શિક્ષણ” રજૂ કરશે

Image Source: Calgary City News Blog

Leave a Reply