સ્વસ્થ શરીર માટે શર્કરા (સુગર) પર નિયંત્રણ અત્યંત જરૂરી

Uncategorized

આજે જ્યારે શરીરમાં વધુ પડતી શર્કરા (સુગર)ને કારણે મોટાપો વધતો જાય છે અને લોકો સ્થૂળતાથી તથા બીજી અન્ય બીમારીઓથી પીડાય છે, ત્યારે આપણી માટે આપણા ખોરાક વિષે માહિતી રાખવી અનિવાર્ય બની રહે છે. રોજિંદા જીવનમાં આપણો ખોરાક એ રીતે માપસરનો હોવો જોઈએ કે શરીરમાં શર્કરાનું પ્રમાણ વધી ન જાય, તથા જરૂરી માત્રામાં શર્કરા મળી રહે.

ઘણાબધા લોકો પોતાનો વજન ઘટાડવા માટે ખુબજ કાળજી લેતાં હોય છે. તેઓ સૌપ્રથમ પોતાને ગળી વસ્તુઓથી દૂર કરી દે છે, અને એ બાબતનું ખાસ ધ્યાન રાખે છે કે પોતાના ખોરાકમાં ગળપણ ન આવી જાય. સૌપ્રથમ તેઓ મીઠાઈ, મીઠી ચા કે કોફી તથા ખાંડવાળી ચીજ વસ્તુઓ ખાવાનું છોડી દે છે. પરંતુ જો આપણે એમ સમજતા હોઈએ કે આ બધું છોડી દીધું એટલે આપણે ગળપણથી દૂર થઈ ગયા અને હવે આપણે સુરક્ષિત છીએ, તો હકીકતમાં એવું નથી.

સંશોધકોનું કહેવું છે કે આપણા દરરોજના ખોરાકમાં શર્કરા આવી જ જતી હોય છે. વજન ઘટાડવાની ઉતાવળમાં લોકો એ બાબત ઉપર ધ્યાન નથી આપતા કે કયા સ્ત્રોત દ્વારા તેમના શરીરને શર્કરા મળે છે. શર્કરા વિવિધ પ્રકારની હોય છે, જેમાં કેટલીક લાભદાયક તો કેટલીક હાનિકારક હોય છે. આમ આપણી માટે એ જાણવું ખુબજ જરૂરી છે કે કયા પ્રકારની શર્કરા આપણા શરીર માટે લાભદાયક તથા હાનિકારક છે.

રસાયણિક બંધારણ પ્રમાણે વિવિધ પ્રકારની શર્કરા હોય છે જેમકે ગ્લુકોઝ, સુક્રોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ, વગેરે. આપણા રોજિંદા જીવનમાં સુક્રોઝનો ઉપયોગ થાય છે જે ગ્લુકોઝ અને ફ્રૂકટોઝના મિશ્રણથી બનેલી હોય છે. શરીરમાં ગયા બાદ સુક્રોઝનું વિભાજન ગ્લુકોઝ અને ફ્રૂકટોઝમાં થઇ જાય છે. ગ્લુકોઝ રક્તપ્રવાહમાં ભળીને શરીરના તમામ કોષોને ઉર્જા પૂરી પાડે છે. વધેલા ગ્લુકોઝનું ચરબીમાં રૂપાંતરણ થાય છે અને જરૂર પડ્યે શરીર તે ચરબીનો ઉપયોગ કરે છે. બીજી તરફ ફ્રુક્ટોઝનું પાચન કેવળ યકૃતમાં જ થતું હોય છે. યકૃતમાં તેનું રુપાંતરણ ગ્લાયકોજનમાં થાય છે અને તેમાંથી શરીરને જરૂરી ઉર્જા મળે છે. પરંતુ જયારે વધારે પ્રમાણમાં ફ્રૂકટોઝ લેવામાં આવે તો તેનું રૂપાંતરણ ચરબીમાં થવા લાગે છે. આ ચરબીનો ઉપયોગ કરવો શરીર માટે ખુબજ મુશ્કેલી ભર્યું કામ હોઈ તે શરીર માટે હાનિકારક હોય છે. ફ્રૂકટોઝ સૌથી મીઠી શર્કરા હોય છે તેથી ખાણી-પીણી ઉદ્યોગ દ્વારા તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે.

સામાન્ય ભાષામાં સમજવાની કોશિશ કરીએ તો, ફળોમાંથી મળતી શર્કરા અને એક કેન્ડીમાં રહેલી શર્કરા બિલકુલ અલગ હોય છે. ફળમાં રહેલી શર્કરા કુદરતી હોય છે અને કુદરતી રીતે બનેલી હોવાથી તે શરીરને સ્વસ્થ રાખવામાં અને બિમારીને દૂર રાખવામાં મદદરૂપ બને છે. જ્યારે કેન્ડીમાં આવેલી શર્કરા કૃત્રિમ રીતે ઉમેરાયેલી હોય છે, જે શરીર માટે હાનિકારક હોય છે. કૃત્રિમ રીતે ઉમેરાયેલી શર્કરામાં ફ્રુક્ટોઝનું પ્રમાણ વધુ હોઈ તેના વધુ પડતા સેવનથી તે શરીરમાં ચરબી સ્વરૂપે જમા થાય છે જેના કારણે વજન વધે છે. આ પ્રકારની શર્કરા મધુમેહ (ડાયાબિટીસ)ના દર્દીઓ માટે કિડની, આંખો અને મગજ જેવા અંગો માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

ફળ અને તેના તૈયાર રસ (પેકેજ્ડ જ્યુસ)નો દાખલો આપણી સમજમાં વધારો કરશે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે, ન્યૂટ્રિશનિસ્ટ નારંગીનો તૈયાર રસ પીવા કરતા નારંગી ખાવાની સલાહ આપે છે. કારણ કે નારંગીમાં કુદરતી શર્કરા હોય છે જ્યારે કે તૈયાર રસમાં કૃત્રિમ રીતે શર્કરા ઉમેરવામાં આવે છે જે પ્રિઝર્વેટિવ (સંરક્ષક) તરીકે કામ કરે છે. પ્રિઝર્વેટિવ જ્યુસને બગડતા અટકાવે છે અને લાંબા સમય સુધી સાચવી રાખે છે. પરંતુ પ્રિઝર્વેટિવ શરીર માટે નુકસાનકારક હોઈ બહેતર છે કે આપણે તૈયાર રસને બદલે તાજા ફળો ખાઈએ.

શરીરને જરૂરી પ્રમાણમાં શર્કરા કયા પ્રકારના ખોરાકમાંથી આપવી તથા કેટલા પ્રમાણમાં આપવી તેની ખાસ કાળજી લેવી જોઈએ. કૃત્રિમ શર્કરાના સ્ત્રોતોમાં પેકેજ્ડ ફૂડ(બજારમાં મળતા ખોરાકના પડીકા), ફળોનો તૈયાર રસ, ફ્લેવરવાળી દહીં (યોગર્ટ), કેચપ, પ્રોસેસ્ડ મધ (જેમાં ગળપણ ઉમેરાયેલું હોય), વિવિધ પ્રકારના ઠંડા તથા કેફી પીણાં, બેકરીમાં મળતી મેંદાની વિવિધ વસ્તુઓ જેમકે કેક, બ્રેડ, મફિન વગેરેનો સમાવેશ થાય છે. જયારે કુદરતી શર્કરાના સ્ત્રોત કુદરતી ખોરાક હોય છે, જેમાં ફળ, શાકભાજી, દૂધ, દહીં, મધ, સૂકા મેવા વગેરેનો સમાવેશ થાય છે.

તે ઉપરાંત, બજારમાં મળતા ખોરાકમાં રહેલા શર્કરાના સ્ત્રોતને ઓળખવા ખુબજ જરૂરી છે. સર્વપ્રથમ પેકેટ પર “એનર્જી” શબ્દની તપાસ કરો. શરીરમાં ત્વરિત ઉર્જા માટે આ પ્રકારની ચીજ વસ્તુઓમાં ઊંચા પ્રમાણમાં કૃત્રિમ શર્કરા ઉમેરવામાં આવતી હોય છે. સુગર સિવાયના શર્કરાના વિવિધ સ્ત્રોતના નામ પણ જાણવા જરૂરી છે જેમકે, ડેક્સટ્રોઝ, માલ્ટીટોલ, મકાઇમાંથી બનાવેલ સીરપ, ફ્રૂકટોઝવાળી મકાઈની સીરપ, બ્રાઉન રાઈસ, ઇન્વર્ટ સુગર, માલ્ટ સીરપ, લેક્ટોઝ વગેરે.

શર્કરા ઉર્જાનો સ્ત્રોત હોઈ દરેક વ્યક્તિને રોજિંદા જીવનમાં ચોક્કસ માત્રામાં શર્કરાની જરૂર પડે છે. ઘણીવાર ખુબજ ઓછા પ્રમાણમાં લીધેલી શર્કરાને લીધે શરીરને નુકસાન પણ થઇ શકે છે. આપણા શરીરને શર્કરામુક્ત બનાવવાની જરૂર નથી, સિવાય કે ડૉક્ટરે કહ્યું હોય. અલબત્ત કુદરતી શર્કરાને શરીરનો ઉર્જા સ્ત્રોત બનાવવાની જરૂર છે, જેથી સ્થૂળતા તથા બીજી ભયાનક બીમારીઓને નાથી શકાય. બનતી કોશિશે આપણે અને આપણા પરિવારને કૃત્રિમ શર્કરાથી દૂર રાખીને એક સ્વસ્થ સમાજ બનાવવામાં મદદરૂપ બનીએ.

Image Source: Foodal.com

Leave a Reply