શું “ટીકા” સમાજ માટે ફાયદાકારક બની શકે?

Uncategorized

આપણી આસપાસ દરરોજ ઘણાબધા બનાવો બનતા હોય છે, જેમાંથી કેટલાક બનાવોની પ્રસંશા થાય છે તો કેટલાકની નિંદા. ખાસ કરીને જયારે કોઈ અણબનાવ બને ત્યારે ચારેકોર નિંદા થવા લાગે છે, અને સૌ કોઇ પોતાના સ્વભાવ અનુસાર ટીકાઓ કરવા લાગે છે.

વ્યક્તિગત જીવનમાં પણ જયારે આપણને કોઈનું વર્તન અથવા કાર્ય ન ગમે ત્યારે સ્વાભાવિક રીતે આપણે તેની ટીકા કરતા હોઈએ છીએ તો વળી કોઈવાર આપણી પણ ટીકાઓ થતી હોય છે. ટીકા કરવી એ માનવ સ્વભાવ છે. ટીકા કરવા પાછળના કારણો વિવિધ પ્રકારના હોય છે, જેમકે, કોઈ પોતાનો ગુસ્સો બહાર કાઢવા, અપમાનિત કરવા તો કોઈ વળી સામે વાળા વ્યક્તિમાં સુધાર આવે તે ઈરાદાથી ટીકા કરતા હોય છે. વળી દરેક વ્યક્તિમાં ટીકા કરવાની પદ્ધતિ પણ અલગ અલગ જોવા મળતી હોય છે. એક રીતે જોવા જઈએ તો કોઈની ટીકા અથવા આલોચના કરવી તે એક નકારાત્મક વસ્તુ છે, પરંતુ તેને હકારાત્મક સ્વરૂપ આપી, સમાજ-સુધારણા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

માણસ કઈ રીતે ટીકા કરે છે તે તેની પરિપક્વતા પર આધારિત છે. ડો. જેફરી રુબિન કે જેઓ એક મનોચિકિત્સક છે, તેઓ પરિપક્વતાને આધારે લોકોનું ૫ સ્તરોમાં વર્ગીકરણ કરે છે, જે નીચે મુજબ છે,

૧. આ સ્તરના લોકો ગુસ્સામાં આવીને તોડફોડ કરવા લાગે છે અને ટીકાપાત્ર વ્યક્તિ પર હુમલો પણ કરી બેસે છે. કેટલાક એવા લોકો કે જે કોઈ કારણ બતાવ્યા વગર જ રડી પડતા હોય છે તેમનો પણ સમાવેશ આ કક્ષામાં થાય છે. આ પ્રકારના લોકો સૌથી ઓછા પરિપક્વ હોય છે. નાના બાળકોનો સમાવેશ પણ આ કક્ષામાં થાય છે.

૨. આ સ્તરમાં ટીકા કરનાર માણસ ટીકાપાત્ર વ્યક્તિને તેની ભૂલ અથવા તેની વાંધાજનક વર્તણુંક પર ધ્યાન દોર્યા વિના જ તેને ગાળો બોલીને, અપમાનિત કરીને, ધમકીઓ આપીને, ગુસ્સાભરી નજરે જોઇને, અથવા તેનાથી અબોલા થઈને પોતાની નારાજગી વ્યક્ત કરે છે. પરંતુ આ લોકો પહેલા સ્તરના લોકોની જેમ કોઈ શારીરિક હુમલો કે કોઈ તોડફોડ કરતા નથી.

૩. પરિપકવતાના આ સ્તરમાં માણસ ટીકાપાત્ર વ્યક્તિને ગાળો બોલીને, અપમાનિત કરીને, ધમકીઓ આપીને, અથવા ગુસ્સાભરી નજરે જોઇને પોતાની નારાજગી વ્યક્ત કરે છે. પણ સાથે સાથે તેની ભૂલ અથવા વર્તણુંક તરફ પણ સ્પષ્ટપણે ધ્યાન દોરે છે, એ આશયથી કે તેના વર્તન, વિચાર અથવા દેખાવમાં સુધાર આવે અને ફરીથી ભૂલ ન કરે. આવા લોકો કોઈ શારીરિક ઈજા પહોંચાડવાથી દુર રહે છે.

૪. આ સ્તરના લોકો ત્રીજા સ્તરના લોકો કરતા વધુ પરિપક્વ હોય છે. તેઓ ગાળ, ધમકી, અથવા ગુસ્સા દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરતા નથી, પરંતુ શાંતિથી ટીકાપાત્ર વ્યક્તિને સમજાવે છે, જેથી તે પોતાની ઈચ્છા અનુસાર પોતાના વર્તન, વિચાર અને દેખાવમાં સુધારો લાવે. જો ટીકાપાત્ર વ્યક્તિ પોતાનો બચાવ કરે અથવા ગુસ્સો કરે તો વળતો ગુસ્સો કે અપમાન કર્યા વગર સહાનુભુતિથી કામ લે છે.

૫. આ સ્તરના લોકો ચોથા સ્તરના લોકોની જેમ જ ટીકાપાત્ર માણસને અપમાનિત કર્યા વિના શાંતિપૂર્વક સમજાવે છે. પરંતુ સમજાવતા પહેલા ટીકાપાત્ર વ્યક્તિને સારી રીતે સમજી લે છે અને તેઓ કઈ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છે તેના વિષે પણ જાણી લેતા હોય છે. અને તે અનુસાર યોગ્ય રીતે તેમનામાં સુધાર આવે તે રીતે તેમને સમજાવે છે. આ પ્રકારની ટીકાને “રચનાત્મક ટીકા” (Constructive Criticism) કહેવામાં આવે છે.

અત્યારના સમયમાં જયારે કોઈ અયોગ્ય બનાવ અથવા ઘટના ઘટે છે તો લોકો પોતાની તીવ્ર પ્રતિક્રિયાઓ આપે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર ખુબજ અભદ્ર રીતે ટીકા કરવામાં આવે છે. વળી પહેલા સ્તરના ટીકાકારો તો તોડફોડ અને મારામારી પર ઉતરી આવે છે. જેને લીધે સમાજમાં અશાંતિ અને ભયનો માહોલ ફેલાય છે. આમ નકારાત્મક ટીકા સમાજ માટે એક બીમારી સ્વરૂપ છે. પરંતુ સંશોધકો કહે છે કે જો લોકોને રચનાત્મક ટીકા વિષે તથા ટીકાના વિવિધ સ્તરો વિષે માહિતી આપવામાં આવે તો તેમનામાં પરિપક્વતા આવી શકે છે. આ વિષયે લોકોને સમજણ આપી પરિપક્વ બનાવવામાં આવે અને ટીકા કરવાનો હકારાત્મક તરીકો શીખવવામાં આવે તો ચોક્કસપણે સમાજમાં શાંતિની સ્થાપના આસાન બની જશે.

Image Source: Mystar12.com

Leave a Reply