લોકડાઉન: આત્મનિરીક્ષણ માટેનો શ્રેષ્ઠ અવસર

Gujarati
સંક્ષિપ્તમાં:
હાલમાં કોરોના વાઇરસને કારણે કરવામાં આવેલા વૈશ્વિક લોકડાઉનથી જાણે જીવન સ્થગિત થઈ ગયું છે. જોકે આવી સ્થગિતતા આર્થિક અને રાજકીય દૃષ્ટિએ નુકશાનકારક છે પરંતુ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ પ્રગતિશીલ હોઈ શકે છે, કારણ કે તે વ્યક્તિને ચારે તરફ જોવાનું બંધ કરીને પોતાની અંદર જોવાની તક આપે છે. પોતાની અંદર જોવાના ત્રણ પાસાં છે: આત્મનિરીક્ષણ, કારણ કે તે વ્યક્તિને આત્મજ્ઞાની બનાવે છે અને વધુ ઊર્જા સાથે સ્થગિતતાની બહાર આવવાની તક આપે છે. કૌટુંબિક સંબંધો, કારણ કે ખરા અર્થમાં તેમાં વ્યક્તિની ભાવનાત્મકતા રહેલી છે – જે ખરા અર્થમાં વ્યક્તિની ખૂબીઓ અને નબળાઈઓ છે. આ વ્યક્તિને વિશાળ દ્રષ્ટિકોણ પ્રાપ્ત કરવામાં તથા દુનિયામાં સ્થાન અપાવવામાં મદદ કરે છે કે જ્યાં તેનું અસ્તિત્વ હોય. સર્જનાત્મકતા, આત્મનિરીક્ષણ અને સામાજિક સંબંધોની ક્રિયાપ્રતિક્રિયા વ્યક્તિને તેની તાત્કાલિક સમસ્યાઓનું સર્જનાત્મક રીતે નિરાકરણ લાવવા માટે સક્ષમ બનાવે છે. આ વ્યક્તિમાં સર્જનાત્મકતા અને સૌંદર્યલક્ષી ચેતનાને વેગ આપે છે. આ સંશોધન પેપરમાં લોકડાઉન સાથે સંકળાયેલ આ ત્રણેય વિચારોની ચર્ચા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પ્રસ્તાવના:
કોરોના વાઇરસથી થયેલ વૈશ્વિક લોકડાઉન આર્થિક દ્રષ્ટિએ ગતિશીલ વર્ગ માટે નિરાશાજનક છે, પરંતુ જાહેરી રીતે નહીં તો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ તે આશીર્વાદરૂપ છે. સામાન્ય રીતે દોડધામવાળા જીવનમાં આવા સમયનો ત્રણ ઘણો ફાયદો છે. પ્રથમ, માણસને આત્મનિરીક્ષણનો મોકો આપે છે. એટલે કે વીતેલા સમય તરફ નજર કરવા માટે ખુબજ અગત્યનો સમય આપે છે કે અત્યાર સુધી આપણે ક્યાં સાચા હતા અને ક્યાં ખોટા. બીજું, આપણને તે સાચા અર્થમાં સામાજિક બનવા માટેનો અવસર આપે છે. આપણે હંમેશા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પોતાના પ્રિયજનો અને મિત્રો સાથે સંપર્કમાં રહેતા આવ્યા છીએ, પરંતુ કોઈ ઇલેકટ્રોનિક ઉપકરણની મધ્યસ્થતા વગર એકબીજાના સંપર્કમાં રહેવાનો જે વાસ્તવિક આનંદ છે તેને આપણે ભયંકર રીતે ચૂકી રહ્યા હતા. આ એવી બાબત છે જેનો ખ્યાલ ત્યારે જ આવે કે જ્યારે કોઈ વિચારવાનું બંધ કરે. વિચારવાનું બંધ કરવું એવી બાબત હતી કે જે આપણને પોસાય તેમ નહોતી, જ્યાં સુધી કે કોરોના વાઇરસે આપણને કામ કરતા રોકી ન દીધા. ત્રીજું, આપણને વધુ સર્જનાત્મક થવા તેમજ જીવનને તેની ઉત્પાદકતાને બદલે સૌંદર્યતાની દ્રષ્ટિએ જોવાનો મોકો આપે છે. આ સંશોધનાત્મક નિબંધ ઉપરોક્ત ત્રણેય અપ્રત્યક્ષ આશીર્વાદો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરે છે.
 
પોતાની અંદરની જોવું:
આત્મનિરીક્ષણ એટલે પોતાની જાતને ઓળખવી. આજનું દોડધામવાળું જીવન આપણાથી આપણું  આત્મજ્ઞાનને છીનવી લે છે. આવું જીવન આપણને વર્તમાન બાબતો, રાજકારણ, અર્થશાસ્ત્ર, કોર્પોરેટ જગત, ખરીદ-વેચાણ, રોગ, સ્વાસ્થ્ય અંગેની વિવિધ જીવનશૈલીઓ, વિવિધ વર્તમાન મુદ્દાઓ તથા અન્ય ઘણી વસ્તુઓથી આપણને માહિતગાર કરે છે પરંતુ તે આપણને આપણી પોતાની જાતથી ક્યારેય માહિતગાર થવા દેતું નથી. આત્મનિરીક્ષણના ફાયદા ક્યારેય ઓછા આંકી શકાય નહીં. માનવીય તથા અમાનવીય મન-વાંચન(mindreading) વચ્ચેનો તફાવત માણસની આત્મનિરીક્ષણ કરવાની ક્ષમતામાં રહેલો છે, જેનો અભાવ સંભવિત રીતે વિખ્યાત વાનરોમાં પણ હોય છે. આત્મનિરીક્ષણ આધારિત માનવીય મન-વાંચનની સિમ્યુલેશન થિયરી એકાઉન્ટ (ST Account)ના પક્ષમાં સંજ્ઞાનાત્મક તંત્રિકા વિજ્ઞાન (cognitive neuroscience)ના તાજેતરના તારણો ભારપૂર્વક સૂચવે છે કે ‘અનુભવાત્મક’ સ્તરે તથા ચેતાકોષીય કામગીરીના ‘સંજ્ઞાનાત્મક’ સ્તરે, પોતાની અને બીજા લોકો પ્રત્યેની માનસિક સ્થિતિનું વલણ વાસ્તવમાં શારીરિકરૂપે તથા કાર્યાત્મકરૂપે પરસ્પર જોડાયેલું હોય છે.  (Focquaert et al, 2008). આત્મનિરીક્ષણ એવી વસ્તુ છે જે આપણને મનુષ્ય બનાવે છે. તે ન કેવળ આપણને વધુ બુદ્ધિશાળી બનાવે છે, પરંતુ તે આપણને વર્તમાન વાસ્તવિકતાનો અનુભવ કરવાની ક્ષમતા પણ આપે છે. લોકડાઉન પહેલા આપણા ફક્ત પૈસા કમાવી આપનારા યાંત્રિક જીવનને કારણે આપણે દિનપ્રતિદિનના સુખદ અનુભવો ચુકી રહ્યાં હતાં. આત્મનિરીક્ષણ દ્વારા તમને એની અનુભૂતિ થાય છે કે તમારા હૃદયમાં પણ એક આખું બ્રહ્માંડ સમાયેલું છે. જેમાં જાણવા માટે રસ્તાઓ છે, જોડવા માટે લાગણીઓ છે, પારખવા માટે રુચિ (સ્વાદ) છે તથા અમલમાં મૂકવા માટે વિચારો છે. આ દરેક વસ્તુ આત્મનિરીક્ષણના શાંત સમયમાં થતો અહેસાસ છે.
 
વાસ્તવિક સામાજિક જીવન:
સામાજિક જીવન પરમસુખ છે. આ ગળાકાપ દુનિયામાં જીવન નિર્વાહ માટે સંઘર્ષ કરી રહેલા વ્યક્તિને કુટુંબ અને સમાજ સુરક્ષા પ્રદાન કરે છે. પ્રકૃતિએ પહેલેથી જ આપણાં સમાજમાં વિવિધ વ્યવસાયીઓની નિમણૂક કરેલી છે. તમારી માતામાં તમારી સારસંભાળ લેતી એક નર્સનું પાત્ર છે, તમારા પિતામાં માર્ગદર્શન આપતા એક અનુભવી સલાહકારનું પાત્ર છે, તમારા ભાઈ-બહેનોમાં એક સમજદાર ભરોસામંદ વ્યક્તિનું પાત્ર છે તથા તમારા પિતરાઇ ભાઈ-બહેનોમાં વૈવિધ્યસભર વિચારોત્તેજક માણસનું પાત્ર છે. તમારા કુટુંબ અને સમાજ સાથેના સ્વસ્થ સંબંધો તમને દુનિયાના પડકારોનો સામનો કરવા માટે સમર્થ બનાવે છે. તમારા બાળપણમાં તમે જે વાર્તાઓ સાંભળો છો, તમારી કિશોરાવસ્થામાં તમે જે રમતો રમો છો, તમારી પુખ્તાવસ્થામાં તમે જે વિચારોની આપ-લે કરો છો, તે બધું કુટુંબ અને સમાજ દ્વારા શક્ય બને છે. હકીકતમાં, કુટુંબના સહારા વિના તમે ન તો પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા હોત કે ન તો તમે વ્યાવસાયિક બની શક્યા હોત. તમામ ભાવનાત્મક સહારાઓ ઉપરાંત, કુટુંબની સુરક્ષા હેઠળ મુસાફરી કરીને વિશ્વને જોવાની સ્વતંત્રતા, પૃથ્વી પરના વિવિધ પ્રદેશોને ઓળંગીને દૂર વસેલા સંબંધીઓની કરવામાં આવતી મુલાકાત, આ મુલાકાત દરમિયાન વચ્ચે જુદા જુદા ધર્મો અને સંસ્કૃતિઓનો થતો પરિચય, આ બધા પણ સ્વસ્થ સામાજિક જીવનના ફાયદાઓ છે. આ બધું તમે ત્યારે જ અનુભવો છો કે જ્યારે કોવિડ-૧૯ જેવા રોગચાળાને કારણે જીવન સ્થગિત થઇ જાય છે. છેલ્લે ક્યારે આપણે આપણા પરિવાર સાથે મળીને દિવસો સુધી સુખદ સમય પસાર કર્યો હતો? કદાચ આપણા બાળપણ દરમિયાન. સમય આગળ વધતો રહે છે. તમે પુખ્ત થઈ જાઓ છો, ત્યાર પછી વ્યવસાયી બનીને વ્યસ્ત થઈ જાઓ છો, અને પછી તમારું કૌટુંબિક જીવન જાણે કે અસ્તિત્વમાં જ રહેતું નથી. વ્યસ્ત જીવન ન કેવળ તમને એકલવાયા બનાવી દે છે પરંતુ વ્યક્તિમાં હતાશાને પણ જન્મ આપે છે. “જે લોકો એકલવાયા હોય છે તેઓ ઘણી વખત હતાશ હોય છે, આંશિક રીતે એ કારણે કે એકલતા અને હતાશાને સમાન જનીનો પ્રભાવિત કરતા હોય છે” (Matthews et al, 2016). એક વ્યવસાયીના રોજિંદા જીવનમાં થતી ધંધાકીય હરીફાઈ તેની અંદર આક્રમકતાને જન્મ આપે છે. જ્યારે લક્ષ્ય પૂરા થતા નથી, જ્યારે અપેક્ષાઓ તૂટી જાય છે, જ્યારે વળતર ઓછું મળે છે, ત્યારે આક્રમકતા કોઈ પણ માનવીમાં મળતો સ્વાભાવિક પ્રતિસાદ હોય છે. કેવળ સ્વસ્થ કૌટુંબિક જીવન જ વ્યક્તિમાં આવી આક્રમકતાને રોકી શકે છે. કેવળ એક પ્રેમાળ કુટુંબ જ છે કે જે માણસને હરિફાઈને બદલે સહકાર અને સહારો આપે છે.
 
પરિણામી સર્જનાત્મકતા:
સર્જનાત્મકતા એક એવો સંતોષ છે કે જે પોતાના સારા કાર્યને આવનારી પેઢીઓ માટે છોડી જવાથી મળે છે. તે આત્મનિરીક્ષણ અને સ્વસ્થ સામાજિક જીવનનું સીધું પરિણામ છે. એટલે કે, હકારાત્મક આંતરિક તેમજ બાહ્ય અવકાશનું પરિણામ. સ્વસ્થ સામાજિક જીવનમાં બહુસંસ્કૃતિવાદ વિશેની ચર્ચા આપણે પહેલા પણ કરી છે. “બહુસાંસ્કૃતિક જીવનથી મળતો અનુભવ લોકોને તે વિશે સમજણ આપી શકે છે કે સમાન સ્વરૂપ અથવા બાહ્ય વર્તનની જુદી જુદી ક્રિયાઓ તથા અસરો હોય છે” (Leung et al, 2008). આંતરિક તેમજ બહારના સુખદ અનુભવોથી વ્યક્તિમાં એક અનોખી રુચિ (સ્વાદ) પેદા થાય છે, જેના પરિણામે વ્યક્તિમાં સૌંદર્યલક્ષી સમજનો વિકાસ થાય છે. સૌંદર્યલક્ષી સમજ એટલે એવી ક્ષમતા કે જેના દ્વારા સુંદર વસ્તુઓમાંથી આનંદ મેળવી શકાય, સુંદર વસ્તુઓ વિશે વિચારી શકાય, તથા તમારા સુંદર વિચારોને વ્યવહારમાં મૂકી શકાય કે જે કલાત્મક કાર્યોના સ્વરૂપે હોઈ શકે, સારી રીતે વિચારેલા સેવાકાર્ય સ્વરૂપે હોઈ શકે, સાહિત્યના લેખિત ભાગ સ્વરૂપે હોઈ શકે અથવા દૈનિક વાતચીતના સ્વરૂપે પણ હોઈ શકે. કોઈપણ રચનાત્મક કાર્યનો સમાજમાં સ્વીકાર થવા માટે તેનું સુંદર હોવું જરૂરી છે. સૌંદર્યશાસ્ત્ર એ એક સામાજિક ઘટના પણ છે. એક વસ્તુ કે જેને એક સંસ્કૃતિમાં સુંદર માનવામાં આવે છે, તેને બીજી સંસ્કૃતિમાં સુંદર માનવામાં ન પણ આવે. બહુસંસ્કૃતિવાદ આપણી સર્જનાત્મકતાને વધુને વધુ વૈશ્વિક સ્તરે સ્વીકૃત થવાની ક્ષમતા પ્રદાન કરે છે. ભૂતકાળમાં થયેલા બહુસાંસ્કૃતિક અનુભવો તથા આ લોકડાઉનના સમયે તેમની નાનામાં નાની વિગતો વિશે આત્મનિરીક્ષણ કરવાથી, આપણી વિચારશ્રેણી, ક્રિયા અથવા કાર્યોને તે સંસ્કૃતિઓમાં કેવી રીતે સ્વીકાર્ય બનાવી શકાય તે અંગેનો દ્રષ્ટિકોણ મળે છે. તમને તે વાતની સમજ આવશે કે તમારા કુટુંબમાં શા માટે કોઈ વસ્તુ સામાન્ય હતી અને તે જ વસ્તુ શા માટે તમારા દૂરના પિતરાઇ ભાઈના પરિવારમાં નિંદનીય હતી. તમને તે વિચારશૈલી વિશે સમજાશે કે જે કોઈ એક ચોક્કસ વર્તનને એક સંસ્કૃતિમાં સ્વીકાર્ય અને બીજીમાં અસ્વીકાર્ય બનાવવા પાછળ જવાબદાર હોય છે. આ પ્રકારનું આત્મનિરીક્ષણ તમને વર્તનની નવી પદ્ધતિ જે લગભગ બધી સંસ્કૃતિઓમાં સ્વીકાર્ય હોય તેવી પદ્ધતિ વિશે વિચારવાની તક આપે છે. તમારી વિચારશ્રેણી વિસ્તાર પામે છે અને તમારી સ્વીકૃતિ પણ વિસ્તરે છે. પરિણામે તમારી સર્જનાત્મકતા વિશાળ શ્રોતાગણ દ્વારા આપમેળે સ્વીકાર્ય બની જાય છે. તેથી, આ લોકડાઉન આપણી સર્જનાત્મકતામાં જરૂરી સુધાર લાવવા માટેની શ્રેષ્ઠ તક આપે છે.
 
નિષ્કર્ષ:
આપણે જોયું કે લોકડાઉન આત્મનિરીક્ષણ અને પારિવારિક જીવન માટે કઈ રીતે ઉપયોગી છે. આપણે એ પણ જોયું કે આ બંને તકોનો યોગ્ય ઉપયોગ કરવાથી આપણી સર્જનાત્મકતાને સતેજ કરી શકાય છે. લોકડાઉન નિશ્ચિતરૂપે એટલું રસપ્રદ નથી કે જેટલું આ નિબંધ સૂચવે છે. તેના પોતાના કડવા અનુભવો પણ છે. હકીકતમાં, તૈયારી વિનાના મન માટે તેના દરેક અનુભવો કડવા છે. હાલમાં થઈ રહેલી સંગ્રહખોરી, પોલીસના હાથનો માર, જરૂરી ચીજવસ્તુઓમાં ગણાતી ન હોય તેવી ચીજવસ્તુઓની બજારમાં અનુપલબ્ધતા, સામાજિક મુલાકાત માટેની અથવા તમારા પ્રિયજનો સાથે લાંબી સફર પર જવાની ઝંખના, આવી દરેક વસ્તુ લોકડાઉનના અનુભવને કડવો બનાવે છે. અત્યારે એકમાત્ર ઉકેલ જે શક્ય છે તે એ કે પોતાની અંદર જોવું. કોઈ પણ રીતે એકવાર જો તમે તમારી જાતને બહારથી ઓછી તથા પોતાના અંદરથી વધુ અપેક્ષા રાખવાની તાલીમ આપી દો, તો ઉપર ચર્ચા કરેલી આંતરિક અને બાહય દુનિયાઓ અથવા અવકાશો તમારા માટે દ્રશ્યમાન થવા લાગશે. આત્મનિરીક્ષણ દ્વારા તમને તમારામાં શ્રેષ્ઠ મિત્ર મળશે. તમારા અદ્ભૂત વર્ષોમાં તમે તમારા સમાજ સાથેના ભૂતકાળના અનુભવો માટે આભારી થશો. તમે તમારા કુટુંબની સામે વધુને વધુ ખુલીને વાત કરી શકશો – આ એક એવી ક્ષમતા છે કે જે તમારામાં જન્મજાત હતી પરંતુ તમારી ભાગદોડ વાળી જિંદગીએ તેને તમારાથી છીનવી લીધી હતી. તમને એ વાતનો ખ્યાલ આવશે કે તમારા વ્યસ્ત જીવનના બતાવ્યા મુજબ તમારા માતાપિતા, ભાઈ-બહેન, બાળકો અને સૌથી મહત્વપૂર્ણ – તમારો જીવનસાથી, ક્યારેય તમારા માટે ઉપદ્રવ અથવા ખલેલનું કારણ ન હતા. તમારું જીવન નિર્જીવ ઉપકરણોથી ભરાઈ જવાને બદલે જીવંત મનુષ્યથી ભરેલું બનશે. અને ઉપકરણોનો ઉપયોગ પણ અગાઉ કરતા વધુ માનવીય પાસું ધરાવશે. તમારી વિચારશ્રેણી, તમારી વાણી, તમારી ક્રિયાઓ અને તમારું કાર્ય વધુ સર્જનાત્મક બનશે. તમારી વિચારશ્રેણી વધુ સકારાત્મક, તમારી ક્રિયાઓ વધુ ફળદાયી તથા તમારું કાર્ય વધુ સુંદર બનશે. તમે એકલા હશો પણ એકલવાયા નહીં. તમારી ક્રિયાઓ પ્રબળ બનશે મજૂરીવાળી નહીં. તમારું કામ અન્ય લોકો માટે આકર્ષક અને તેમનું જીવન બદલનારું હશે. થોડી દૃઢતા સાથે તમે બદલાઇ ગયેલા માણસ બનશો. એવા માણસ કે જે લોકડાઉન પછી શ્રેષ્ઠતમ રીતે પોતાની ઉત્પાદકતા તરફ પાછા ફરશે. આ બધું ત્યારે જ થશે જ્યારે તમે પોતાની અંદર ઝાંખીને આ દિવસોનો વધુમાં વધુ ઉપયોગ કરશો. તેથી, જ્યાં સુધી બહારની દુનિયા તમને વધુ સંઘર્ષ માટે ઇશારો ન કરે, ત્યાં સુધી ઘરે જ રહો, અને પોતાની અંદરની દુનિયામાં જુઓ અને તેની સકરાત્મકતાઓનો અનુભવ કરો. તમે તેનાથી પછતાશો નહીં, પરંતુ તેમાંથી તમે એક નવીન ઊર્જા સાથે બહાર નીકળશો

Source: Translated from-http://www.maktabahjafariyah.org/paper/volume31_1.pdf

Author: Syed Mujahid Husain Jafri

Leave a Reply