આઈસ સ્તૂપ: લદ્દાખમાં જળસંગ્રહ પદ્ધતિનો એક ઉત્તમ નમૂનો

Uncategorized

લદ્દાખના રણપ્રદેશમાં પાણીની કટોકટીને ઉકેલવા માટે “આઈસ સ્તૂપ” નામક એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે જે ઉનાળામાં, રોજિંદા વપરાશ અને ખેતી માટે જરૂરી પાણી પૂરું પાડશે તથા ઘટતા જતા હિમનદીઓના વિસ્તારને અટકાવવા માટે પણ ખુબજ મદદરૂપ સાબિત થશે.

ભારતની ઉત્તરીય સીમામાં સ્થિત લદ્દાખ સાંસ્કૃતિક, ભૌગોલિક તથા આબોહવાની દ્રષ્ટિએ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. હિમાલયની પર્વતમાળા, હિમનદીઓ તથા બરફની ચાદરથી ઢંકાયેલો આ વિશ્વનો સૌથી ઊંચાઈ પર આવેલો રણપ્રદેશ છે. વાર્ષિક ૭૦ મી.મી. થી પણ ઓછા થતા વરસાદ ને કારણે, લદ્દાખનું જીવન મુખ્યત્વે હિમનદીઓ તથા બરફના પીગળવા પર આધારિત હોય છે. પાણીના આ એકમાત્ર સ્ત્રોત પર જ ખેતસીંચાઈ તથા ઘરેલુ વપરાશનો આધાર રહેલો છે.

વર્ષના ૮ મહિના બરફથી ઢંકાયેલા આ વિસ્તારમાં, કૃષિ ઉત્પાદન માટે ઘણોજ નહિવત સમય મળે છે. વાવણીની મોસમ એપ્રિલ મહિનાથી શરૂ થાય છે. ટૂંકાગાળાની ખેતીની આ મોસમ, સમયસર પાણી મળવા પર ખુબજ આધાર રાખે છે. પાણીની સમસ્યા આ વિસ્તાર માટે નવી બાબત નથી પરંતુ વૈશ્વિક સ્તરે થતા વાતાવરણના પરિવર્તનથી લદ્દાખની હિમનદીઓ તથા બરફવર્ષા પર માઠી અસર થઇ રહી છે. હવામાન વિભાગના એક સર્વેક્ષણ અનુસાર ૧૯૮૦ ના પ્રમાણમાં તાપમાન શરેરાશ ૨ ડિગ્રી વધી ગયું છે જેના કારણે સ્થાનિક પર્યાવરણ પર વિપરીત અસર થઇ છે. હિમનદીઓનો વિસ્તાર ઘટી ગયો છે તથા કેટલાક વિસ્તારમાં હિમનદીઓ અદ્રશ્ય પણ થઇ ગઈ છે.

અસમાન બરફવર્ષા તથા ઘટતા જતા હિમનદીઓના સ્તરો ના કારણે વપરાશ યોગ્ય પાણીની માત્રા પર અસર થઇ રહી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી અદ્રશ્ય થઇ ગયેલી હિમનદીઓ તથા ઉપલા વિસ્તારોમાં રહેલી હિમનદીઓને પીગળીને મેદાની વિસ્તાર સુધી પહોંચવામાં જૂન મહિના સુધીનો સમય લાગવાને કારણે, લદ્દાખના મેદાની પ્રદેશમાં પાણીની અછત રહે છે. સમયસર તથા પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાની પરિસ્થિતિની સીધે-સીધી અસર ખેતી તથા રોજિંદા જીવન ઉપર થાય છે.

ઐતિહાસિક રીતે આ વિસ્તારમાં, પાણીની સમસ્યાના ઉકેલ માટે કૃત્રિમ હિમનદીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે. નદીની મુખ્ય ધારામાંથી શાખાઓ કાઢીને કૃત્રિમ હિમનદીઓનું નિર્માણ થતું આવ્યું છે. આ પ્રકારની કૃત્રિમ હિમનદીઓનું નિર્માણ, ૪૦૦૦ મીટરથી વધુ ઊંચાઈવાળા તથા પર્વતોની છાયાવાળા વિસ્તારમાંજ શક્ય બનતું. “વસવાટ તથા ખેતરોથી દૂર એવી આ હિમનદીઓને વસંત ઋતુમાં સૂર્યપ્રકાશથી બચાવવા માટે સતત જાળવણીની જરૂર પડતી” આઈસ સ્તૂપ ના સિનિયર એન્જીનીર નોર્ફલ સોનમ વાંગચુકે કહ્યું.

આ સમસ્યાના નિવારણ માટે “આઈસ સ્તૂપ” નામક એક સંસ્થાએ પડકાર ઝીલ્યો છે. આ સંસ્થાએ પાણીના સંગ્રહ માટે શંકુ આકારનો બરફનો સ્તૂપ બનાવ્યો છે. આ આઈસ સ્તૂપને બનાવવા માટે પંપ અથવા અન્ય બાહ્ય પરિબળોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, અલબત્ત, પોતાનું સ્તર જાળવી રાખવાના પાણીના ગુણધર્મનો ઉપયોગ થયો છે. ઉપરવાસમાં ૬૦ મીટરની ઊંચાઈએ રહેલા પાણીને ગુરુત્વાકર્ષણ બળની મદદથી પાઇપ દ્વારા ગામતળ પર મોકલવામાં આવે છે, જે ગામતળમાં પહોંચ્યા બાદ જમીનથી ૬૦ મીટરની ઊંચાઈ સુધી સહેલાઈથી પહોંચી જાય છે. અને જયારે આટલી ઊંચાઈથી પાણી નીચે પડે છે ત્યારે થીજીને શંકુ આકારનો સ્તૂપ તૈયાર થાય છે. “સરળતાથી સમજીએ તો મોબાઈલ ટાવર જેટલી ઊંચાઈ પર પાઇપને લગાવવામાં આવ્યો છે. જયારે લદ્દાખના શિયાળાની રાતમાં, -૩૦ થી -૫૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં, પાણી જયારે ઊંચાઈથી નીચે પડે છે તો જમીન પર પહોંચે તે પહેલાજ જામી જાય છે અને ધીમે ધીમે શંકુ આકારનો સ્તૂપ બનવા લાગે છે. આ સ્તૂપના નિર્માણમાં, ટાવર જેવા કોઈજ ઢાંચાની જરૂર પડતી નથી. શરૂઆતમાં પાણી નીચલા સ્તરે જામે છે અને જેમ આઈસ સ્તૂપની જાડાઈ વધતી જાય તેમ મીટર દર મીટર પાઇપની લંબાઈ, ઉપરવાસની ઊંચાઈ સુધી પહોંચે ત્યાં સુધી વધારવામાં આવે છે.” વાંગચૂકે કહ્યું.


આકાર લઇ રહેલો “આઈસ સ્તૂપ”

ઉનાળામાં હિમનદીઓનું પાણી જૂન મહિનામાં પીગળીને આવે ત્યાં સુધી આઈસ સ્તૂપના પીગળેલા પાણીથી જળાશયોને ભરવામાં આવે છે જે આસપાસના વિસ્તારને ખેતીલાયક તથા રોજિંદા વપરાશ માટે પાણી પૂરું પડે છે. ૩૦-૩૫ મીટરની ઊંચાઈનો આઈસ સ્તૂપ શરેરાશ ૧,૬૦,૦૦,૦૦૦ લીટર પાણી સમાવી શકે છે જે ૧૦ હેક્ટર થી વધુ ખેતીલાયક જમીનને પાણી પૂરું પાડી શકે છે.

વર્ષ ૨૦૧૩માં ફેય ગામની પાસે સિંધુ નદીના કિનારે બનાવેલો આઈસ સ્તૂપ, ગામના રોજિંદા વપરાશ માટે પાણીની જરૂરિયાત પુરી પાડે છે જયારે ફાયાન્ગ ગામ પાસે બનાવેલો આઈસ સ્તૂપ, બૌદ્ધમઠની આસપાસના વિસ્તારમાં આવેલા કાશ્મીરી વિલો ના ૫૦૦૦ ઝાડને ઉનાળાની ગરમીમાં પાણી પૂરું પડે છે. પ્રાયોગિક ધોરણે આઈસ સ્તૂપ સફળ ગયા બાદ લદ્દાખના ઘણા બધા ગામો માટે આઈસ સ્તૂપનું નિર્માણ કરવામાં આવ્યું. આઈસ સ્તૂપની સફળતા એટલે સુધી પહોંચી કે સ્વિટ્ઝર્લૅન્ડની સરકારે ઘટતા જતા હિમનદીના વિસ્તારને અટકાવવા માટે સ્વિટઝર્લેન્ડમાં ઠેર ઠેર આઈસ સ્તૂપ બનાવવા માટે પ્રસ્તાવ મુક્યો છે. મોટા પ્રમાણમાં બનાવાયેલા આઈસ સ્તૂપ, હિમનદીના તળાવો ફાટવાથી આવતા પૂરને અટકાવવા માટે પણ ખુબજ ઉપયોગી સાબિત થઇ શકે છે આમ હિમાલયમાં આવેલા જમ્મુ અને કશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ તથા સિક્કિમ જેવા રાજ્યોમાં આવતા આવા પૂરના પ્રકોપથી રક્ષણ મેળવી શકાય છે.

લદ્દાખની પાણીની સ્થાનિક સમસ્યાને નિવારવા તથા ઘટતા જતા હિમનદીઓના વિસ્તારને અટકાવવા માટે આઈસ સ્તૂપ ખુબજ મદદરૂપ સાબિત થશે.

ઇમેજ સોર્સ: theguardian.com

Leave a Reply