મિયાવાકી પદ્ધતિ: જંગલ નિર્માણનો સરળ અને ઝડપી તરીકો

Uncategorized

શું તમે જાણો છો કે તમારા ઘર પાછળની જમીનના નાનકડા વિસ્તારને એકાદ વર્ષમાં સુંદર જંગલમાં રૂપાંતરિત કરી શકાય છે? ઉત્તરાખંડના એક એન્જીનીયર, શુભેંદુ શર્માએ, મિયાવાકી પદ્ધતિથી તેને શક્ય બનાવ્યું છે.

શુભેંદુ જ્યારે ટોયોટા કંપનીમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતો, ત્યારે કંપનીના પ્લાન્ટમાં જંગલનું નિર્માણ કરવા માટે જાપાનના પ્રકૃતિવાદી અકીરા મિયાવાકીને બોલાવવામાં આવ્યા, જેમની જંગલ ઉગાડવાની પદ્ધતિ દુનિયાભરમાં પ્રચલિત છે. મિયાવાકીએ અઢી એકર જમીનમાં ત્રીસ હજાર વૃક્ષો વાવ્યા ત્યારે શુભેંદુએ સ્વયંસેવક તરીકે કામ કરેલું. મિયાવાકી પદ્ધતિથી પ્રભાવિત થઈને શુભેંદુએ તેની પર પ્રયોગો કરી થોડા બદલાવ સાથે તેની ભારતીય આવૃત્તિ તૈયાર કરી અને જાતેજ જંગલ ઉગાડવાની શરૂઆત કરી.

આ પધ્ધતિમાં સર્વપ્રથમ જમીનને ચકાસવામાં આવે છે. જો તેમાં માટીના કણ નાના હોય, તો તે સખત બની ગયેલી હોય છે જેમાં પાણી ઉતરી શકતું નથી. તે માટે જમીનમાં થોડોક જૈવિક કચરો, થોડુક પાણી તથા શોષક સામગ્રી જેમકે બગાસી, શેરડી અથવા નારિયળના ભુસાનું મિશ્રણ ઉમેરવામાં આવે છે, જેથી માટી પાણીને પકડી રાખે અને ભેજ જળવાઈ રહે. આ રીતે જમીનને જંગલ માટે તૈયાર કરવામાં આવે છે.

છોડને વધવા માટે પાણી, સૂર્યપ્રકાશ અને પોષકતત્વોની જરૂર હોય છે. જો માટીમાં પોષકતત્વો ન હોય તો તેમાં કૃત્રિમ રીતે પોષકતત્વો ઉમેરવામાં આવતા નથી કેમકે તે પ્રકૃતિ વિરુદ્ધ છે. અલબત્ત તેમાં સુક્ષ્મજીવો ઉમેરવામાં આવે છે જે જમીનમાં મિશ્રિત જૈવિક કચરાને ખાઈને જરૂરી પોષકતત્વો પ્રાકૃતિક રીતે ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા દરમિયાન સુક્ષ્મજીવોની સંખ્યામાં ઉતરોત્તર વધારો થતો જાય છે અને જમીન પુનર્જીવિત થઇ જાય છે.

વૃક્ષની ઉંચાઈના ૪ સ્તર

ત્યારબાદ સ્થાનિક વૃક્ષોની જાણકારી મેળવી તેમને તેમની ઉંચાઈ અનુસાર ૪ સ્તરમાં વહેંચવામાં આવે છે: ઝાડીઓ, નાના વૃક્ષો, મોટા વૃક્ષો તથા વિશાળ વૃક્ષો. એકજ સ્તરના વૃક્ષોને એક બીજા પાસે વાવવામાં આવતા નથી. દરેક પ્રકારના વૃક્ષ નક્કી કરેલી ટકાવારી પ્રમાણે વાવવામાં આવે છે. જો ફળોનું વન બનાવવું હોય, તો તેમાં ફળદાયી વૃક્ષોની ટકાવારી વધારી દેવામાં આવે છે. તેજ રીતે પક્ષીઓ અને મધમાખીઓને આકર્ષનારું તથા એક સામાન્ય સ્થાનિક જંગલ પણ બનાવી શકાય છે.

શરૂઆતમાં રોપા વાવીને લીલા ઘાસનું પાતળું સ્તર પાથરી દેવામાં આવે છે જેથી ગરમીમાં ભેજ જળવાઈ રહે અને જો હિમવર્ષા થતી હોય તો બરફ માત્ર લીલા ઘાસના સ્તર પરજ જામે. ભેજને લીધે જમીન નરમ હોવાથી, મૂળ જમીનમાં સરળતાથી તથા ઝડપથી પ્રસરી શકે છે. શરૂઆતમાં, જંગલની વૃદ્ધિ દેખાતી નથી કેમકે તે જમીનની અંદર વધતું હોય છે. પહેલા ત્રણેક મહિનામાં મૂળ ૧ મીટર જેટલા ઉંડા પહોચી જાળીદાર રચના બનાવીને માટીને ચુસ્તરીતે પકડી રાખે છે. મૂળની જાળમાં રહેલા સૂક્ષ્મજીવો તથા ફૂગ, જરૂરી પોષકતત્વો પુરા પાડે છે.

એકવાર મૂળિયાં સ્થપાઈ ગયા બાદ, જંગલનું ઉપર તરફ વધવાનું શરૂ થઇ જાય છે. ત્યારબાદ બે થી ત્રણ વર્ષ સુધી પાણી આપતા રહેવું પડે છે. તે દરમિયાન ઉગી નીકળેલા નકામાં ઘાસને કાઢી નાખવામાં આવે છે જેથી વૃક્ષોના વિકાસમાં અવરોધ પેદા ન થાય. જેમ-જેમ જંગલ વધતું જાય છે તેમ-તેમ સુર્યપ્રકાશ રોકાતો જાય છે. અંતે, જંગલ એટલું ઘટ્ટ બની જાય છે કે સૂર્યપ્રકાશ જમીન સુધી પહોચી શકતો નથી અને નકામું ઘાસ ઉગવાનું બંદ થઇ જાય છે. આ સ્તરે, જંગલ પાણીના દરેક ટીપાનું સંરક્ષણ કરે છે અને તેને વરાળ બનીને વાતાવરણમાં ભળતા અટકાવે છે તથા ભેજવાળી હવાનું સંઘનન કરીને ભેજ પાછો મેળવે છે. ધીરે-ધીરે પાણી આપવાનું ઓછુ કરીને અંતે બંધ કરી દેવામાં આવે છે. પાણી વગર પણ જંગલનું તળિયું ભેજવાળું રહે છે.

હવે, જયારે પાંદડા જંગલની જમીન પર પડે છે તો તે તરતજ સડવા માંડે છે. આ સડેલો જૈવિક કચરો ખાતર બનીને જંગલને ખોરાક પૂરો પાડે છે. જેમ જંગલ વધતું જાય છે, તેમ વધુને વધુ પાંદડાઓ ખાતર બને છે અને જંગલનો વિકાસ ઝડપી બને છે અને જંગલ પોતાની જાતે જ વધતું જાય છે.

જો વૃક્ષોને અલગ-અલગ રીતે વાવવામાં આવે તો તે આટલી જલ્દી વધી શકતા નથી. આમ આ જંગલના વૃક્ષો સામૂહિક રીતે એક બીજાનો સાથ આપીને કુટુંબની જેમ આગળ વધે છે અને જોત જોતામાં ૧૦૦ વર્ષે બનતું જંગલ ૧૦ વર્ષમાં તૈયાર થઇ જાય છે.

મિયાવાકી પધ્ધતિનો ઉપયોગ કરીને આજે કેન્યા, કોરિયા, જાપાન, અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા તથા દુનિયાના અલગ-અલગ દેશોમાં નાના મોટા જંગલો ઉગાડવામાં આવી રહ્યા છે. ઔદ્યોગીકરણ તથા નષ્ટ થઇ રહેલા જંગલોને લીધે પર્યાવરણમાં ઘણા મોટા ફેરફારો થઇ રહ્યા છે જે ચિંતાનો વિષય હોઈ પુનઃવનીકરણ ખુબજ જરૂરી બન્યું છે.

ઈમેજ સોર્સ: afforestt.com

Leave a Reply