બૂંદેલખંડ જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પણ આવર્તનશીલ ખેતી દ્વારા સમૃદ્ધ થયેલો એક ખેડૂત

Uncategorized

બુન્દેલખંડના દુષ્કાળગ્રસ્ત બાંદા જીલ્લામાં આવેલા બડોખર ગામમાં રહેતા એક ખેડૂત પ્રેમસિંહના હર્યાભર્યા ખેતરોને જોઇને જયારે ખબર પડે કે આ કોઈ બેંકમાંથી લોન લીધા વગર તથા રાસાયણિક ખાતર વાપર્યા વગર જ ખેતી કરવામાં આવેલી છે તો ઘડીકવાર ચોક્કસપણે આશ્ચર્ય થશે. પરંતુ આ હકીકત છે. પ્રેમસિંહ સંપૂર્ણ રીતે ઓર્ગેનિક કંપોસ્ટ તથા પ્રાકૃતિક ખાતર પર નિર્ભર છે, અને ખેતી જ એકમાત્ર તેમનું આજીવિકાનું સાધન છે. તેમની પાસે ૩૨ વીઘા જમીન છે.

બુન્દેલખંડનો વિસ્તાર મધ્યપ્રદેશ તથા ઉત્તરપ્રદેશ એમ બે રાજ્યમાં વિભાજીત છે. બંને પ્રદેશોમાં ખેડૂતોની હાલત દયનીય છે જ્યાં મોટાભાગના ખેડૂતો કરજમાં ફસાયેલા હોય છે અને ઘણા ખેડૂતો કરજ ન ભરી શકવાને કારણે આત્મહત્યા કરી લેતા હોય છે. બેરોજગારી એટલી બધી છે કે ઘણા પરિવારોએ આજીવિકાની શોધમાં પોતાના ઘર પણ છોડી દીધા છે. પ્રેમસિંહનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો. એમનું બાળપણ ખેતરોમાં જ વીત્યું હતું. ઇલાહાબાદ યુનિવર્સિટીથી ફિલોસોફીમાં એમએ કરી, મહાત્મા ગાંધી ચિત્રકૂટ ગ્રામોદય વિશ્વવિદ્યાલયથી રૂરલ ડેવલપમેન્ટમાં મેનેજમેન્ટનો અભ્યાસ કરીને ૧૯૮૭માં ઘરે પાછા ફરી ખેતી કરવાનું શરુ કર્યું હતું.

પ્રેમસિંહ આજે ગર્વથી કહે છે કે, “હું પણ ફસલો અને બેંકોના કરજના ચક્કરમાં ફસાઈ ગયો હતો. મોસમનો કોઈ ભરોસો ન રહેવાના કારણે બેંકો પાસેથી કરજ લેવાનો જ એકમાત્ર વિકલ્પ રહેતો હતો. પછી મને આપણા પૂર્વજો વિષે વિચાર આવ્યો કે તે વખતે ન તો કોઈ બેંકો હતી કે ન રાસાયણિક ખાતર હતું, પરંતુ તે છતાય તે લોકો ખેતી કરતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ એક મુશ્કિલ કામ હતું એટલે શરૂઆતમાં કોઈએ મારા પર ભરોસો ન કર્યો, પરંતુ આજે મારા પર કોઈ જ બેંક નું કરજ નથી અને હું એક પ્રગતિશીલ ખેડૂત છું.”

પ્રેમસિંહ કહે છે કે, “બીજા ખેડૂતોની જેમ મેં પણ ટ્રેક્ટર, યુરિયા, કીટનાશક દવાઓ તથા રાસાયણિક ખાતરની મદદથી ખેતી શરુ કરી હતી. અમને કહેવામાં આવતું કે આપણે એનો જેટલો વધુ ઉપયોગ કરીશું તેટલું વધુ ઉત્પાદન થશે. અને વધુ ઉત્પાદનથી કમાણી પણ વધારે કરી શકીશું.” પરંતુ દુષ્કાળ અને ખરાબ મોસમને કારણે તેઓ કરજમાં ડૂબી ગયા અને બેંકોના કરજની ભરપાઈમાં કમાણીનો ઘણોખરો હિસ્સો જતો રહેતો હતો. વર્ષે ૨.૧૫ લાખ ની કમાણી થતી ત્યાંતો એનો ૮૦ ટકા હિસ્સો બેંકમાં જતો રહેતો હતો અને વધેલા ૨૫ થી ૩૦ હજારમાં પરિવારનું ભરણપોષણ કરવું અત્યંત કઠીન બની જતું હતું.

ટ્રેક્ટર ખરીદવા માટે પ્રેમસિંહે પોતાની માતાના ઘરેણા ગીરવે મુક્યા હતા. પરંતુ વધતા જતા વ્યાજદર અને ઘટતી જતી કમાણીના કારણે તેમને નુકશાન વેઠવું પડ્યું અને પોતાની માતાના ઘરેણા પાછા ક્યારેય લાવી શક્યા નહિ. પ્રેમસિંહ કહે છે કે બેંકમાંથી લીધેલું કરજ ખેડૂત માટે સૌથી મોટી મુશ્કેલી ઉભી કરે છે. અને આના સિવાય કીટનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના સતત ઉપયોગથી જમીનની ગુણવત્તા ખુબ ઓછી થઇ જાય છે અને છેવટે ઉપજ પણ ઘટવા લાગે છે. ૧૯૮૯માં પ્રેમસિંહે આ બધી મુશ્કેલીઓથી થાકીને પોતાના પિતાથી પરવાનગી લઈ જમીનના એક નાનકડા હિસ્સામાં ટકાઉ અને પરંપરાગત ખેતીના પ્રયોગો શરુ કર્યા.

ખેતરનો એક ભાગ કે જ્યાં પશુ રાખવામાં આવે છે

આવર્તનશીલ ખેતી:

પ્રેમસિંહે પોતાની જમીનને ત્રણ સરખા ભાગોમાં વહેંચી દીધી છે. જમીનના પહેલા ભાગમાં તેઓ ફળોની તથા ટીમ્બરની ખેતી કરે છે, બીજા ભાગમાં તેઓ પશુપાલન કરે છે અને ત્રીજા ભાગમાં જૈવિક ખાતરની મદદથી આબોહવાને અનુરૂપ ખેતી કરે છે જેમકે શાકભાજી, દાળ, અનાજ, તેલીબીયાં વગેરેની ખેતી. આ પ્રકારની ખેતીને તેઓ આવર્તનશીલ ખેતી કહે છે. તેઓ કહે છે કે, “હું બજાર માટે ખેતી કરતો નથી. હું પોતાના ઘર માટે ખેતી કરું છું. પોતાના ઘરની જરૂરિયાતો પૂરી થઇ ગયા પછી જે બચે છે એને સીધે સીધું બજારમાં વેચવાની જગ્યાએ હું એની પ્રોડક્ટ બનાવી ને વેચું છું, જેમકે ઘઉંમાંથી આટો બનાવીને અથવા ચણામાંથી દાળ કે બેસન બનાવીને. ત્યારબાદ આ પ્રોડક્ટને દિલ્હી જેવા શહેરોમાં ઉંચી કિંમતે વેચી શકાય છે.”

મરચાને બજારમાં સીધે સીધા વેચવા કરતા પ્રેમસિંહ તેનું અથાણું બનાવીને વેચે છે

પ્રેમસિંહ કહે છે કે, “આ રીતે ખેતી કરવાથી ખેડૂત ઘણીબધી રીતે કમાણી કરી શકે છે. જાનવરોથી મળતા દૂધને એ બજારમાં વેચી શકે છે અથવા તેનું પનીર કે ઘી બનાવીને પણ સારા ભાવે વેચી શકે છે. જાનવરોના મળ-મૂત્રથી કંપોસ્ટ ખાતર તૈયાર કરી શકાય છે. જૈવિક ખાતરથી ખેતી કરીને જમીનની ગુણવત્તા જળવાઈ રહે છે અને ખેતરોને કોઈ નુકશાન પણ થતું નથી.”

ખેતીના તેમના આ નમૂનાને તેમના ગામના લોકોએ પણ અપનાવી લીધો છે. અને છેલ્લા ૨૫ વર્ષોથી પ્રેમસિંહે આવર્તનશીલ ખેતી ધ્વારા ખુબ જ લાભો મેળવ્યા છે. આજે પ્રેમસિંહ કરજથી સંપૂર્ણ રીતે મુક્ત છે અને ખુબ જ સારી કમાણી કરી રહ્યા છે, એમના કેહવા પ્રમાણે તેઓ સાલભરમાં અંદાજે ૨૫ લાખ ની કમાણી કરે છે. અને છેલ્લા બે દસકથી પોતાનું જીવન ખુશહાલીમાં વ્યતીત કરી રહ્યા છે. આમ, આવર્તનશીલ ખેતીથી પર્યાવરણ સંતુલિત થાય છે તથા ખેડૂત સ્વાવલંબી અને સમૃદ્ધ બને છે.

This story was originally published in Yourstory.com.

Leave a Reply