પરંપરાગત રેશમની ખેતી અને વણાટથી ઉમ્દેનની સ્ત્રીઓ બની આત્મનિર્ભર

Uncategorized

મેઘાલયાના ગરીબ વિસ્તારોમાંથી એક હોવા છતાં, રી ભોઈનો ઉમ્દેન ઇલાકો નૈતિક સેરિકલ્ચર (રેશમના કીડાનો ઉછેર) અને એરી રેશમ વણાટના કેન્દ્રબિંદુ તરીકે ઉભર્યો છે, જેનું કારણ છે પરંપરાગત કલાનો વ્યવસાય કરતી સ્ત્રીઓની દૃઢતા.

ભોઈની સ્ત્રીઓ પોતાના ઘરોમાં સેંકડો રેશમના કીડા રાખે છે. તેઓ તેમને દિવસ અને રાત દરમિયાન ખવડાવે છે અને પ્રેમથી તેમની સંભાળ પણ રાખે છે. તેઓ ખાતરી રાખે છે કે માખી, કરોળિયા અથવા વંદા જેવા કોઈ અન્ય જંતુઓ તેમને હેરાન ન કરે, તથા તે રૂમમાં યોગ્ય રીતે તાજી હવા મળી રહે તેનું પણ તેઓ ધ્યાન રાખે છે.

આ સ્ત્રીઓ છે ઉમ્દેનની, જે મેઘાલયાના રી ભોઈ જિલ્લાના નાના ગામડાઓનો સમૂહ છે. ખાસી હિલ્સના રી ભોઈ જિલ્લામાં રહેતા ભોઈ લોકો, ખાસી આદિજાતિનો એક ઉપ-સમુદાય છે. આ કીડાઓ સામાન્ય ઈયળો નથી હોતા, પણ પ્રખ્યાત “એરી રેશમકીડા” હોય છે જે વિશ્વમાં સૌથી વધુ માંગ ધરાવતી દોરી ઉત્પન્ન કરે છે. તે એક પ્રકારનું ઓર્ગેનિક રેશમ હોય છે જેને સ્થાનિક રીતે “એરી” અથવા “રિંદીયા” કહેવાય છે.

ઉમ્દેન ૭૭૦ ઘરો ધરાવતા ૧૭ ગામોમાં ફેલાયેલું છે, ઓર્ગેનિક રેશમ અને કપાસના કદરદાનો માટે વિશિષ્ટ સ્થળ બની ગયું છે. તે એક એવું કેન્દ્ર છે કે જે માત્ર ઓર્ગેનિક રેશમ માટે જ જાણીતું નથી, પરંતુ જીવન માટેના તેમના દ્રષ્ટિકોણ માટે પણ જાણીતું છે, જે કુદરતના ખોળામાં સ્થાપિત કરેલ જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે.

પરંપરાગત જ્ઞાન

આ વિસ્તારમાં રેશમકીડાનો ઉછેર અને વણાટ એક પ્રાચીન ઇતિહાસ ધરાવે છે. રાજ્યના પાટનગર શિલ્લોંગથી આશરે ૬૫ કિ.મી. દૂર આવેલું ઉમ્દેન, મેઘાલયાના જ્ઞાનના ભંડારોમાનું એક ભંડાર છે. આ વિસ્તારના લોકો તેને તેમના પૂર્વજોનું પ્રાચીન જ્ઞાન હોવાનો દાવો કરે છે. માત્ર એ જ નહીં, અહીંની કુદરતી રંગાટી કલા પણ ઉચ્ચ મૂલ્ય ધરાવતા પરંપરાગત જ્ઞાનમાંથી એક છે, કે જેને આ લોકોએ સદીઓથી જીવંત રાખી છે.

સ્થાનિક લોકો કહે છે કે આ પ્રથા લગભગ મૃત્યુ પામી હતી. સસ્તા અને સહેલાઈથી મળતા આધુનિક કાપડે વર્ષો જૂના સ્થાનિક કપાસ ઉત્પાદિત સૂતરની જગ્યા લઈ લીધી હતી. ૮૦ના દાયકા સુધીમાં, મોટાભાગના ખેડૂતોએ કીડાનો ઉછેર અથવા કપાસ ઉગાડવાનું બંધ કરી દીધું હતું. અમુક લોકો તેને વળગી રહ્યા હતા, તેમના સિવાય બીજાઓ દ્વારા વણાટને છોડી દેવામાં આવ્યું હતું.

થ્રાન્ગ તિમુંગનો પરિવાર વણાટને વળગી રહેનારા અમુક પરિવારમાંથી છે. જ્યારે લગભગ બધાંએ છોડી દિધું હતું ત્યારે થ્રાન્ગ તિમુંગે આ કલામાં ઊંડો રસ લીધો હતો. તેમની માતા પાસેથી રેશમના કીડાનો ઉછેર, કપાસની ખેતી અને એરી અને કપાસમાંથી વણેલા કાપડની રંગાટીના રહસ્યો અને તેનો વેપાર શીખ્યા.

સ્થાનિક સરકારી વિભાગોના સહકારથી અને મેઘાલય ઇન્ડસ્ટ્રિયલ ડેવેલપમેન્ટ કોર્પોરેશન (MIDC) જેવી રાજ્યની નાણાકીય સંસ્થાઓ દ્વારા સેલ્ફ­–હેલ્પ ગ્રૂપ્સ (SHG)ને ફરજિયાતપણે મળતી કામયાબીથી પ્રેરાઈને, રાજ્યમાં અન્ય લોકોની જેમ તેમણે પણ પોતાના સાથીઓની વચ્ચે ઝુંબેશ ચલાવી. તિમુંગે એક સેલ્ફ­–હેલ્પ ગ્રૂપની સ્થાપના કરી, જેના દ્વારા પોતાના મિત્રો સાથે, કકૂન (રેશમના કીડાનો કોશેટો કે કોકડું)ના વાવેતર અને વણવાની પ્રથા ચાલુ રાખી.

પરંપરાગત સેરિકલ્ચરનું કેન્દ્ર બિંદુ

કોણે વિચાર્યું હતું કે આ સ્ત્રીઓની દૃઢતા આખરે કાપડમાં આટલો રસ પેદા કરશે અને ઉમ્દેનને દુનિયામાં પરંપરાગત સેરિકલ્ચરનું સૌથી સફળ કેન્દ્ર બિંદુ બનાવશે?

તેમણે જણાવ્યું કે, તેમને આ વિસ્તારના દરેક ઘરને કકૂનના વાવેતર, ઉછેર, રંગાઈ અને વણાટ અથવા આ પ્રવૃત્તિઓમાંથી કોઈ પણ એક સાથે જોડાયેલા જોઈ ખુશી થાય છે.

સમય જતાં, એસએચજીનો વિકાસ એક કોઓપરેટિવ સોસાયટીમાં થયો. આજે, તિમુંગ આ વિસ્તારની સૌથી સફળ કો-અૉપરેટિવ સોસાયટીમાંની એક છે. દિવાન હેન્ડલૂમ એરી કોટન ઇકો-ટૂરિઝમ મલ્ટિપર્પઝ એલાઈડ કો-અૉપરેટિવ સોસાયટી લિ. નામે, આ ૪૫ સ્ત્રીઓનો એક સંયુક્ત પ્રયાસ છે, કે જેઓ પોતાની જાતને ગરીબીના ચક્રમાંથી બહાર કાઢવાં માટે મક્કમ હતી.

પર્યટન ઉદ્યોગમાં શરૂઆત

કકૂનની ખેતી પર આધાર રાખવા સિવાય, તેમણે પોતાના ઓર્ગેનિક ઉદ્યોગની વિશિષ્ટતાનો ઉપયોગ કરી પર્યટન ઉદ્યોગમાં “ઓર્ગેનિક સિલ્ક ટૂર” અથવા “સિલ્ક વીવર્સ વિલેજ ટૂર” તરીકે પણ શરૂઆત કરી છે. તેના દ્વારા તેઓ ઘણાં સ્થાનિક, રાષ્ટ્રીય અને વિદેશી મુલાકાતીઓને, પોતાની કુદરત–આધારિત જીવનશૈલી તરફ ધ્યાન ખેંચી, આકર્ષી રહ્યા છે..

દિવાન સોસાયટી પાસે પોતાનો વર્કશૉપ છે જેમાં ૧૦ વણવાના સંચા છે જેમાંથી ચાર જૅકેટ સંચા છે. અગાઉ, તેઓ સૂતરને કાંતવા માટે પરંપરાગત રીતે હાથથી વપરાતા રેંટિયાની ત્રાકનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે તેઓ પગથી ચલાવી શકાય તેવા કાંતનારા યંત્રોનો ઉપયોગ કરે છે. આ યંત્રોને સિએન્દ નામની એક જર્મન કંપની, કે જે કાચા રેશમમાં રસ ધરાવતી હતી, દ્વારા દાન કરવામાં આવ્યાં હતાં.

જ્યારે તેમને ઝડપથી પૈસા જોઈતા હોય ત્યારે તેઓ કકૂન અને સૂતરને વેચે છે, અન્યથા પોતાની વસ્તુઓ જાતે જ તૈયાર કરે છે. તેઓ શાલ, સ્કાર્ફ, મફલર, ધારા (ખાસી સ્ત્રીઓનો પરંપરાગત પોશાક), વૉર–શેલા સ્ત્રીઓને પહેરવા માટે લુંગી,અને રેશમના લાંબા તાકા પણ બનાવે છે જેમાંથી શર્ટ, કુર્તા અને અન્ય આધુનિક પોશાક બનાવી શકાય છે.

નૈતિક રેશમ

તેઓ “જૈન રિંદીયા” બનાવવામાં પણ નિષ્ણાત છે, જે પુરુષો અને સ્ત્રીઓ માટે કાચા રેશમમાંથી વણેલી એક શાલ છે. જૈન રિંદીયા એકમાત્ર એવું રેશમ છે કે જે કીડાને માર્યા વિના કાઢવામાં આવે છે, અને તેથી તેને બજારમાં “નૈતિક રેશમ” અથવા “શાંતિમય રેશમ” કહેવામાં આવે છે.

તિમુંગે કહ્યું કે, “અમે ૯૦ના દશકથી ઘણા આગળ આવી ગયા છીએ, કે જ્યારે અમારી પાસે કાંઈ ન હતું સિવાય કે આ કલા માટેનો અમારો પ્રેમ, જેણે અમને આગળ વધાર્યા. હવે લોકો આવા ઓર્ગેનિક વણાટની ખાસિયતને જાણે છે અને અમે આમાંથી સ્થિર આવક કમાઈએ છીએ.”

“અગાઉ, તે બધું ઉપયોગી ન હતું, પરંતુ હવે તે ખેતી માટે એક મહત્તવપૂર્ણ પૂરક બની ગયું છે, કે જે અમારી મુખ્ય આજીવિકા છે. સ્ત્રીઓ મહિનાના આશરે રૂ. ૫,૦૦૦ કમાય છે. રી ભોઈ મેઘાલયાના સૌથી ગરીબ જિલ્લા તરીકે જાણીતો હતો, પણ હવે સેરિકલ્ચરના કારણે, અમે સૌથી વધુ આત્મનિર્ભર બનવા જઈ રહ્યા છીએ.”

“પ્લા ઉમ્દેન” તરીકે લોકપ્રિય એવા કપાસ ઉદ્યોગમાં અને હેન્ડબેગના સિવણમાં યુવાનો શામેલ છે. સ્વદેશી ડિઝાઇનથી સ્થાનિક રીતે વણાયેલા સામાન્ય સૂતરમાંથી બનાવવામાં આવતી આ બેગોની ઘણી માંગ છે.

“હવે અમારા યુવાન છોકરાઓ નિષ્ક્રિય નથી રહેતા, પરંતુ કમાવવાની ઇચ્છા ધરાવે છે. એક બેગની સિલાઈ કરવાથી તેમને રૂ ૧૫૦ મળે છે. એક દિવસમાં તેઓ ત્રણ અથવા ચાર બેગ બનાવી શકે છે,” તેટલી રકમ શહેરી વિસ્તારમાં એક દિવસના વેતન બરાબર હોવા વિષે ઇશારો કરતાં તિમુંગે કહ્યું.

કુદરતી રંગાટીકામ

સ્ત્રીઓ માત્ર એરીમાં જ સોદો નથી કરતી, પરંતુ બજારમાંથી કાચું કપાસ પણ ખરીદે છે. જેને તેઓ કાંતે છે અને ખૂબસૂરત રંગોથી રંગી તેને વણે છે. કુદરતી રંગાટીમાં પરંપરાગત પ્રાવીણ્યના કારણે, આ સમુદાયની કુદરતી રંગાટીના કેન્દ્ર તરીકે પસંદગી પણ કરવામાં આવી છે. તેમણે આધુનિક ટેકનોલોજી દ્વારા આ કલામાં સુધારો પણ કર્યો છે.

તિમુંગ અને તેના મિત્રો કહે છે કે તેઓએ છેલ્લા વર્ષોમાં બીજી ઘણીબધી તાલીમો લીધી છે. તાલીમથી તેઓ વધુ કુશળ બન્યા છે. ઉપરાંત, તેમને નિષ્ણાંતો દ્વારા પણ ઘણું શીખવા મળ્યું અને જ્ઞાનમાં વધારો કરવા રાજ્યની બહાર પણ તેઓ ગયા જ્યાંથી તેમને નવા નવા દ્રષ્ટિકોણ મળ્યા.

ઉદાહરણ તરીકે, તિમુંગને હૈદરાબાદમાં હસ્તકલા તાલીમમાં હાજરી આપવાની તક મળી હતી. તેમણે જાણ્યું કે તેમના ગામમાં તેમણે જે રંગકામ કર્યું છે તેમાં ઘણો સુધારો લાવી શકાય છે અને તેમના કાપડની વેચાણક્ષમતામાં પણ વધારો કરી શકાય છે. તેમણે તમામ જરૂરી સાધનો સાથેના રંગાટી શેડ માટે સરકારને દરખાસ્ત મૂકી છે જેનો જવાબ હજુ આવવાનો બાકી છે.

રાજ્ય તરફથી સહકાર

સેરિકલ્ચરને વિવિધ સરકારી વિભાગોમાંથી છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા પાયે પ્રોત્સાહન મળ્યું છે, જેમણે આ ક્ષેત્ર માટે અસંખ્ય યોજનાઓ દ્વારા સહાય કરી છે. ૨૦૦૯માં, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ (IIE)એ યુનિયન મિનિસ્ટ્રી ઑફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝ (MSME)ના સમર્થન સાથે ઉમ્દેન એરી સિલ્ક ક્લસ્ટર શરૂ કર્યું હતું.

આ યોજના દ્વારા, કારીગરોના જુદા જુદા જૂથોને વર્કશૉપ પૂરું પાડવામાં આવ્યું હતું. વણાટકારોને વણાટ તથા તેમાં વૃદ્ધિ, એમ બંને તાલીમ આપવામાં આવી હતી, અને નાણાકીય વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઉમ્દેન પહેલેથીજ એરી સંસ્કૃતિ માટેનું એક પરંપરાગત કેન્દ્ર રહ્યું હતું જેને કારણે તેને પસંદ કરવામાં આવ્યું હતું, અને તેનાથી ઘણો ફાયદો પણ થયો.

તિમુંગ અને દિવાન સમુદાયને ખુબજ ઉંચી માન્યતા પ્રાપ્ત થઈ છે. એક સરકારી વેબસાઈટ જણાવે છે, “આ કો-અૉપરેટિવ કુદરતી રંગોના ઉત્પાદન કરતી કલાના જ્ઞાનનો ભંડાર છે. પરંપરાગત રીતે ત્રણ રંગો સુધી મર્યાદિત, આ કો-અૉપરેટિવે અન્ય ૧૨ રંગો ઉત્પન્ન કરવાની રીતો શોધી છે.”

સ્થાનિક રીતે ઉપલબ્ધ કાચી સામગ્રીનો ઉપયોગ કરી, ઓર્ગેનિક સ્ત્રોતોમાંથીજ રંગો બનાવવામાં આવે છે. તેમના ઓર્ગેનિક રંગો અને પદ્ધતિઓને ભારતના હસ્તકલા પરિષદ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ છે. તે હવે ડિઝાઇન ભણતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને સંશોધનનું ક્ષેત્ર બની ગયું છે, અને વિદેશી મુલાકાતીઓ માટે રસ ધરાવતો એક મુદ્દો.

વધુ માહિતી અને તાલીમથી ૧૨ રંગોથી વધી ૨૩ જેટલા રંગોનો ઉપયોગ શક્ય બન્યો છે, અને તેમાં પેસ્ટલ રંગોનો પણ સમાવેશ થાય છે. આકર્ષક રંગોમાં એરી રેશમ વણાટમાંથી બનેલા સ્કાર્ફ, મફલર અને શાલ જ્યાં જાય છે ત્યાં દરેકને પ્રભાવિત કરે છે, અને તેની ઊંચી માંગ હોય છે.

Original article was published on Yourstory.com by Linda Chhakchhuak. All translation is a responsibility of Prasannprabhat.com

Leave a Reply