નો ટીલિંગ ફાર્મિંગ: ખેડાણ વગર કરવામાં આવતી ખેતી

Uncategorized

જમીનનું ખેડાણ સદીઓથી ખેતીવાડીના એક અભિન્ન અંગ તરીકે રહ્યું છે. જમીનનું ખેડાણ મુખ્યત્વે નિંદામણને દૂર કરવા તથા જમીનને વાવણી અને સિંચાઈ માટે તૈયાર કરવા માટે કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક દશકોથી ખેડાણ વગર પણ ખેતી કરવાની પદ્ધતિ પ્રચલિત થઇ રહી છે. સંશોધકો કહે છે કે જમીનના ખેડાણથી જમીન પર ઘણીબધી આડઅસરો થાય છે જેમકે, જમીનનું ધોવાણ થવું, જમીનમાં રહેલા ઉપયોગી કાર્બનિક પદાર્થોનુ ઘટવું, માટીમાં રહેલા સૂક્ષ્મજીવોનો નાશ થવો, અળસિયા તથા ઉપયોગી જીવજંતુઓ પર ખરાબ અસર થવી વગેરે. વધુ પડતું ખેડાણ જમીનને સંવેદનશીલ બનાવી દે છે અને જમીનના ઉપલા સ્તરને પણ નબળું બનાવી દે છે. આ બધા પ્રશ્નોનું નિવારણ “નો ટીલિંગ”(ખેડાણ રહિત) અથવા “મિનિમમ ટીલિંગ”(ઓછામાં ઓછું ખેડાણ) જેવી પદ્ધતિઓ દ્વારા લાવી શકાય છે.

આ પદ્ધતિમાં ખેતરમાં ઉગી નીકળતા નીંદામણ કે ઘાસને દુર કરવામાં આવતું નથી, અલબત્ત તેના પર ટ્રેક્ટર ફેરવીને તેને દાબી દેવામાં આવે છે. ત્યારબાદ ખેતરમાં જે પાક લેવાનો હોય, તેના બીજ છુટ્ટી રીતે ખેતરમાં ફેંકવામાં આવે છે અથવા બીજને માટીની નાની-નાની ગોળીઓમાં મેળવીને ખેતરમાં મુકવામાં આવે છે. વળી કેટલીક વાર ખેતરમાં ટ્રેક્ટર ફેરવતી વખતે જ બીજ નાખી દેવામાં આવે છે. જરૂર પડેતો બીજ નાખ્યા પછી ખેતરમાં ફરીથી એક વાર ટ્રેક્ટર ફેરવવામાં આવે છે જેથી બીજ જમીનમાં દબાઈ જાય.

જમીનને ન ખેડવાને કારણે તેમાં રહેલા અસંખ્ય ઉપયોગી જીવજંતુઓ સુરક્ષિત રહે છે, જે હાનિકારક જીવજંતુઓને દુર કરી પાકને ઉગવામાં મદદ કરે છે. આમ જંતુનાશક દવાઓની જરૂર પડતી નથી. તથા જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો પાક માટે જરૂરી એવા પોષકતત્વો જાતે જ તૈયાર કરે છે જેથી ખાતરની પણ ઓછી જરૂર પડે છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગ વગર ઉત્પન્ન થયેલી આ પેદાવાર ઓર્ગેનિક હોઈ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે.

આ પદ્ધતિથી જમીનની સંરચના જળવાઈ રહે છે અને ભારે વરસાદ આવે તો પણ જમીનનું ધોવાણ થતું નથી. જમીનની સપાટી પર પથરાયેલા ઘાસ કે નિંદામણના અવશેષોને લીધે જમીનમાં રહેલા પાણીનું બાષ્પીભવન થતું નથી, અને આમ ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે જેથી પાણીની જરૂર ઓછી પડે છે. આ પદ્ધતિથી કરેલી ખેતીમાં ઓછામાં ઓછી વસ્તુઓ તથા સાધનો વપરાતા હોવાથી ખર્ચ ખુબજ ઓછો આવે છે અને ખર્ચ ઓછો હોવાથી નફાનું ધોરણ પણ વધે છે. ભારતના મધ્યપ્રદેશ, પંજાબ અને બિહાર જેવા રાજ્યોમાં આ પદ્ધતિ પ્રચલિત બની રહી છે.

ઘણીવાર કેટલીક જગ્યાએ જમીન વધારે કઠણ હોવાથી, સીધેસીધા બીજ નાખીને વાવણી કરવી મુશ્કેલ બની જાય છે, આવી પરિસ્થિતીમાં જમીનમાં કાણા પાડીને તેમાં બીજ રોપવામાં આવે છે અને તે જમીનને પૂળા અથવા આગળના લીધેલા પાકના અવશેષો વડે ઢાંકી દેવામાં આવે છે. કેટલીક વાર આવી પરિસ્થિતિમાં “મિનિમમ ટીલિંગ”(ઓછામાંઓછું ખેડાણ)નો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેમાં જમીનના ઉપલા સ્તરને થોડાક સેંટિમીટર સુધી ખેડવામાં આવે છે અને ત્યારબાદ વાવણી કરવામાં આવે છે. “નો ટીલીંગ” અને “મિનિમમ ટીલિંગ” પદ્ધતિ અમેરિકા, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અર્જેન્ટીના જેવા દેશોમાં પ્રખ્યાત બની રહી છે. જોકે ત્યાં ક્રિંપર રોલર, નો-ટીલ ડ્રીલ તથા બીજા અન્ય મશીનોની મદદ થોડી વધુ લેવાય છે પરંતુ મુખ્ય વિચાર તો એકજ છે.

જાપાનના કૃષિ વૈજ્ઞાનિક માસાનોબુ ફૂકૂઓકાના પુસ્તક “વન સ્ટ્રો રિવોલ્યુશન” અનુસાર માણસોએ પ્રકૃતિને નજીકથી નિહાળવી જોઈએ અને ખેતીને પણ તે અનુસાર બદલતા રહેવું જોઈએ. વધુપડતા ખેડાણ, જંતુનાશક દવાઓ, રસાયણિક ખાતર વિગેરેના ઉપયોગથી દૂર રહેવું જોઈએ, તથા કુદરત ઉપર અંકુશ મેળવવાને બદલે કુદરતને ઓળખીને તેની પાસેથી પ્રેરણા લેવી જોઈએ.

Image Source: Integrated Pest and Crop Management, University of Wisconsin–Madison

Leave a Reply