ખેતીમાં પ્રકૃતિનો સુમેળ એટલે ખેડૂતોની સમૃદ્ધિ

Uncategorized

ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં કૃષિ ઉદ્યોગને દેશના અર્થતંત્રની કરોડરજ્જુ તથા ખેડૂતોને અન્નદાતા માનવામાં આવે છે. પરંતુ આજે એ જ ખેડૂતો, પાકને મળવાપાત્ર લઘુત્તમ ટેકાના ભાવ તથા લૉન માફી જેવી વિવિધ મુશ્કેલીઓમાં ફસાયેલા છે. છેલ્લા કેટલાક દશકોમાં ખેડૂતોની પરિસ્થિતિ ખુબજ નબળી બની છે. આજે પરિસ્થિતિ એટલે સુધી પહોંચી ગઈ છે કે, કહેવાતા અન્નદાતાના ઘરે જ ઘણીવાર અન્નની અછત જોવા મળે છે, અને કેટલીકવાર વિકટ પરિસ્થિતિઓમાં ખેડૂતો આત્મહત્યા જેવા કદમ પણ ઉઠાવવા લાગ્યા છે. આ પાછળ ઘણાબધા કારણો જવાબદાર છે જેમકે, અનિયમિત વરસાદ, દુકાળ, મોંઘવારી, ખેડૂતોનું વધતું જતું દેવું, હરિયાળી ક્રાંતિ પછી અમલમાં આવેલી રાસાયણિક કૃષિ પધ્ધતિ વગેરે. આ કારણોમાં સર્વવ્યાપી રાસાયણિક કૃષિ પધ્ધતિને સૌથી મોટું કારણ ગણવામાં આવે છે.

રાસાયણિક કૃષિ પધ્ધતિની આડઅસરો:

ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત ૧૯૬૦-૧૯૭૦ના દશકામાં થઈ. નવા નવા હાઈબ્રિડ બિયારણો, રાસાયણિક ખાતરો અને જંતુનાશકો અસ્તિત્વમાં આવ્યા. સરકાર દ્વારા ઠેર ઠેર બંધ બાંધીને પિયતની સુવિધાઓ ઊભી કરવામાં આવી સાથે સાથે નાણાકીય સંસ્થાઓએ પણ ખેડૂતો માટે મૂડીની જોગવાઈ શરુ કરી. આમ ખેત-ઉત્પાદન દિન પ્રતિદિન વધવા માંડ્યું, અને સમય જતા કૃષિ પેદાશો માટે દેશ સ્વાવલંબી બનવા લાગ્યો. પરંતુ ૧૯૮૦ બાદ રાસાયણિક ખેતીના દુષ્પરિણામો દેખાવા લાગ્યા. ઉત્પાદન વધ્યું પરંતુ જેટલા પ્રમાણમાં રાસાયણિક ખાતર તથા જંતુનાશકોનો ઉપયોગ વધ્યો તેનાથી ક્યાંય ઓછું.

ખેતીની આ પદ્ધતિથી જમીન, પાણી, જૈવ વિવિધતા તથા ઉત્પાદન વગેરે પર માઠી અસરો દેખાવા લાગી. વધુ ઉપજ લેવાની લાલચમાં વધારે પડતા રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો વપરાશ થવા લાગ્યો, જેને લીધે વિવિધ ક્ષારો, ભારે ધાતુઓના અવશેષો અને ભારે યંત્રોના હલનચલનથી જમીન પોતાનો જૈવિક ગુણધર્મ ગુમાવવા લાગી. જમીનની ફળદ્રુપતા નષ્ટ થવા લાગી અને ખેડૂતોનો ઉત્સાહ ઘટવા લાગ્યો. વળી ખેતી માટેની તમામ સામગ્રી જેમકે બિયારણ, ખાતર, જંતુનાશકો, પાણી, ઉર્જા, યંત્રો, મૂડી વગેરે માટે ખેડૂત પરાવલંબી બન્યો. આ તમામ વસ્તુઓના બજારીકરણને લીધે ખેડૂતનું બજારમાં શોષણ થવા લાગ્યું. ખેતી ખુબજ મોંઘી થવા લાગી અને નફાનું ધોરણ ઘટવા લાગ્યું. આ સાથે ખેડૂતો પર બેંકોના લેણાનું ભારણ વધવા લાગ્યું, અને તેમની કમાણીનો મોટો હિસ્સો વ્યાજમાં જ જવા લાગ્યો. અને અન્નદાતાના ઘરેજ અન્નની અછત જેવી પરિસ્થિતિઓ સર્જાઈ. આવી મજબુરીઓને કારણે કેટલાક ખેડૂતો ખેતી છોડીને અન્ય વ્યવસાયો તરફ વળ્યાં તો કેટલાકે આત્મહત્યાનો પણ રસ્તો અપનાવ્યો.

કદાચ આજે સરકાર ખેડૂતોની માંગણીઓને સ્વીકારી તમામ ઋણ માફ કરી દે અને બજારમાં પેદાશનો ઉંચો ભાવ અપાવે, પરંતુ શું આમ કરવાથી ખેડૂતોની મુશ્કેલીઓ હંમેશા માટે દુર થઇ જશે? જવાબ છે, ના. આવું કરવાથી ફકત ટૂંકાગાળાની જ રાહત મળશે. અગાઉ જણાવેલા કારણોસર, સમય જતા ખેડૂતો ફરીથી લોન લેશે, મોંઘવારી વધશે અને ફરીથી આ મુશ્કેલીઓમાં સપડાશે. જ્યાં સુધી ખેતીની રાસાયણિક પધ્ધતિ, કે જે પ્રકૃતિ વિરુદ્ધ છે, બદલાશે નહિ ત્યાં સુધી ખેડૂતોની હાલતમાં સુધાર આવવો ખુબજ મુશ્કેલ છે.

કૃષિ પધ્ધતિમાં જરૂરી બદલાવો:

ખેડૂતોએ એવી પદ્ધતિઓ અપનાવવી પડશે જેમની અસર લાંબાગાળાની હોય અને જે તેમને ખરા અર્થમાં સમૃદ્ધ બનાવે. ખેતીલાયક જમીનમાં ઉપલબ્દ પ્રાક્રુતિક સ્ત્રોતોનું એવું વ્યવસ્થાપન કરવું પડશે કે તે ખેતી પર નભતા માણસો સમેત બીજા દરેક સજીવોને પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક આહાર મળી રહે, અને સાથે સાથે પ્રાકૃતિક સ્ત્રોતોનું પ્રદુષણ તથા ખનન થવાને બદલે સંવર્ધન થતું રહે.

સેન્દ્રીય ખાતર: પાકના જરૂરી પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતોજ અને સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ. વિવિધ સેન્દ્રીય ખાતર જેવા કે કમ્પોસ્ટ, અળસિયાનું ખાતર, માછલીનું ખાતર, ખેતરના કચરામાંથી બનાવેલ ખાતર, છાણિયું ખાતર, જીવાણુંયુક્ત ખાતર, ગોબરગેસ પ્લાન્ટમાંથી નીકળતું ખાતર, વગેરે. વધુ પ્રમાણમાં અપનાવવા જોઈએ.

પાક-સંરક્ષણ તથા બિયારણની પસંદગી: ખેતીમાં પાક-સંરક્ષણ માટે વપરાતા રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ જરૂર પડ્યે જ કરવો જોઈએ. કુદરતી રીતે જંતુનાશક ગુણો ધરાવતી વનસ્પતિઓ જેવી કે લીમડા, સીતાફળ, ધતુરો, આકડો, લસણ વગેરેના અર્કમાંથી બનાવેલ જંતુનાશકોને પ્રાથમિકતા આપવી જોઈએ. વળી ખેતરમાં પક્ષીઓ, દેડકા, કરોળિયા જેવા કીટભક્ષીઓને મહેમાન પણ બનાવવા જોઈએ. હાઈબ્રીડ બિયારણ કરતા સ્થાનિક અને સારી ગુણવત્તાવાળું બિયારણ વાપરવું જોઈએ, કારણ કે જે તે સ્થળની આબોહવા ત્યાંના સ્થાનિક બિયારણને વધુ અનુકુળ હોય છે, અને સ્થાનિક આબોહવા માટે તેની રોગપ્રતિકારક શક્તિ પણ વધુ હોય છે, જેથી રોગ અને જીવાતનો ઉપદ્રવ મહદઅંશે ઘટાડી શકાય છે. જેમ જેમ ખેતર આ પ્રકારની ખેતીને અનુકુળ બનતું જાય છે તેમ તેમ પાકસંરક્ષણ કરવું સહેલું બનતું જાય છે.

જળ સંગ્રહ: કેવળ નહેરોના પાણી પર ન નભતા, ખેડૂતોએ વરસાદના પાણીનો પણ યોગ્ય પદ્ધતિઓ જેમકે નાના ક્યારા બનાવવા, વાનસ્પતિક આવરણ, ખેત-તલાવડી, કૂવા રિચાર્જ, ભૂગર્ભ જળ રિચાર્જ, વગેરે દ્વારા સંગ્રહ કરી લેવો જોઈએ તથા પાણીનો ઉપયોગ કરકસરપૂર્વક કરવો જોઈએ.

નિવસનતંત્ર (ઇકોલૉજી): ખેતર એક નિવસનતંત્ર (ઇકોલૉજી) છે. જેમાં વિવિધ પ્રકારના પાક, સૂક્ષ્મજીવો, કરોળિયા, દેડકા, અળસિયાં, પશુ જેવા સજીવ ઘટકો તેમજ તડકો, ભેજ, જમીન જેવા નિર્જીવ ઘટકો એકબીજા સાથે સંવાદ સાધીને ઇકોલૉજી તૈયાર કરે છે. જમીનની ફળદ્રુપતા સાચવવા માટે આ ઇકોલૉજીમાં સંતુલન ખુબ જરૂરી હોય છે. હકીકતમાં ખેતીની પેદાશ એ આ ઇકોલૉજીની પેદાશ છે, નહિ કે એક છોડની પેદાશ.

સંબંધિત લેખ: બૂંદેલખંડ જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પણ આવર્તનશીલ ખેતી દ્વારા સમૃદ્ધ થયેલો એક ખેડૂત

સ્વાવલંબન અને બજારતંત્ર: ખેતીનો મુખ્ય ઉદ્દેશ ઘરની જરૂરિયાત પૂરી કરી સ્વાવલંબી બનવાનો હોવો જોઈએ. એટલે કે ઘર માટે જરૂરી એવા તમામ શક્ય પાક ખેડૂતે ઉગાડી લેવા જોઈએ, અને વાવેતરનું આયોજન પણ તે પ્રમાણે કરવું જોઈએ. બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે સ્થાનિક સ્તરે વસ્તુ વિનિમય (સાટા પદ્ધતિ)ને પ્રોત્સાહન આપવું જોઈએ. ખેડૂતોએ સર્વપ્રથમ પોતાના કુટુંબની જરૂરિયાત ત્યારબાદ ગામની, વિસ્તારની, રાજ્યની અને અંતે દેશની જરૂરિયાતને પુરી કરવાનો અભિગમ અપનાવવો જોઈએ. જેમની પાસે ઓછી જમીન હોય તેવા નાના નાના ખેડૂતોએ ભેગા મળીને ખેતીનું આયોજન કરવું જોઈએ, જેથી વ્યક્તિદીઠ ખેતીનો ખર્ચ ઘટાડી શકાય. વેપારીઓની નફાખોરીમાંથી છૂટવા ખેડૂતોના જૂથો ભેગા થઇ પારદર્શક અને ભરોસાપાત્ર બજારતંત્ર ઊભું કરવું જોઈએ, જેથી વચોટિયાઓને ટાળીને પોતાની ખેતપેદાશોનો યોગ્ય ભાવ મેળવી શકાય. પોતાની ખેત પેદાશો પર યોગ્ય પ્રક્રિયા દ્વારા તેની બજારકિંમતમાં વધારો કરીને ખેડૂત પગભર થઇ શકે છે, ઉદાહરણ તરીકે ઘઉંમાંથી આટો બનાવીને અથવા ચણામાંથી દાળ કે બેસન બનાવીને બજારમાં વેચીને ઊંચી કિંમત મેળવી શકાય છે. ખેડૂતોએ ખેત-સામગ્રી, બજાર પરનું અવલંબન ઘટાડી, શક્ય તેટલું સ્થાનિક સ્તરેથી તથા સંભવ હોય તો વસ્તુ વિનિમયથી મેળવવી જોઈએ. સાથે સાથે ખેત-પેદાશોના વિતરણ અને વેચાણ અંગે બજારનો હસ્તક્ષેપ ઘટાડવાના પ્રયાસ કરવા જોઈએ.

રાસાયણિક ખેતીનો કડવો અનુભવ આજે સમગ્ર વિશ્વ કરી ચૂક્યું છે. તેની આડ અસરોને લીધે આજે દુનિયાભરમાંથી કૃષિ-રસાયણોનો ઉપયોગ ઘટી રહ્યો છે અને વિશ્વના લગભગ તમામ દેશો ઓર્ગેનિક ખેતી વિષયક પ્રવૃત્તિઓને અમલમાં મૂકી રહ્યા છે. આ પ્રકારની ખેતીનો કન્સૅપ્ટ આજે નેચરલ ફાર્મિંગ, ઓર્ગેનિક ફાર્મિંગ, પર્માકલ્ચર, ઇકો ફાર્મિંગ, ઈકોલોજિકલ એગ્રીકલ્ચર, સસ્ટેઇનેબલ એગ્રીકલ્ચર, વગેરે જેવા અનેક શબ્દોથી ઓળખાય છે.

સંબંધિત લેખ: જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર પર પ્રતિબંધ લગાવીને સિક્કિમે ૧૦૦% ઓર્ગેનિક ખેતી અપનાવી

Image Source: Organics & Ecological Agriculture

Leave a Reply