બાદગીર: ઘરોને ઠંડા રાખતી હજારો વર્ષ જૂની ઈરાની તકનીક

Gujarati

ઈરાનના રણમેદાનમાં આવેલા યઝ્દ શહેરમાં અતિશય ગરમી પડે છે. ઘણી વખત ગરમીનો પારો ૪૦°C ને પણ પાર કરી જાય છે. પરંતુ ‘બાદગીર’ નામની ઈરાની લોકોની જૂની પધ્ધતિ આજે પણ ગરમીના દિવસોમાં ઘણી ઉપયોગી સાબિત થાય છે. આજે આધુનિક સમયમાં પોતાના ઘર, ઓફિસ તેમજ જાહેર જગ્યાઓને ઠંડા રાખવા માટે એરકન્ડિશનનો ઉપયોગ કરવામા આવે છે. બાદગીરની બનાવટ અને તેની કાર્યશૈલીનો અભ્યાસ કરીએ તો જાણવા મળશે કે આજથી હજારો વર્ષ પહેલા કઈ રીતે લોકો પોતાના ઘરોને ઠંડા રાખતા હતા, તે પણ પર્યાવરણને કોઈ નુકશાન પહોચાડ્યા વગર.

આધુનિક વિજ્ઞાનના તમામ સંશોધનો બાદ સાબિત થયું છે કે ઘરમાં બાદગીરની મદદથી તાપમાનને બહાર કરતા દસ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું લાવી શકાય છે. પ્રાચીન સમયમાં પર્શિયા(હાલનું ઈરાન)થી લઇને મિસ્ર(ઇજિપ્ત), અરબ અને બેબીલૉનની સંસ્કૃતિના અવશેષોમાં બાદગીરની નિશાનીઓ જોવા મળે છે. આવી મોટાભાગની ઇમારતોને એ રીતે બનાવવામાં આવતી કે હવાની અવર-જવર કુદરતી રીતે થઈ શકે.  દોઢ હજાર વર્ષ જૂના ફારસી કવિ નાસિર ખુસરોની નઝમોમાં બાદગીરનો ઉલ્લેખ જોવા મળે છે. એજ રીતે, મિસ્ત્રનાં લકસર શહેરમાં ઈસુથી ૧૩૦૦ વર્ષ જૂનાં કેટલાક ચિત્રોમાં પણ બાદગીર જોવા મળે છે.

બાદગીરને ઇમારતના સૌથી ઉપરની જગ્યાએ બનાવવામાં આવે છે જેમાંથી ગરમ હવા નીચે આવે છે. ચારે તરફ હવાની અવરજવર માટે ખાંચા બનાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ છ અથવા આઠ મોં વાળા બાદગીર પણ હોય છે. બાદગીરમાં દરેક દિશામાંથી આવતી હવા પકડવા માટે ખાંચા બનાવવામાં આવે છે. જ્યારે યઝ્દથી થોડે દૂર આવેલા કસબા મેબૂદમાં માત્ર એક તરફ ખાંચાવાળા બાદગીર જોવા મળે છે કારણ કે, ત્યાં હવા માત્ર એક જ દિશામાંથી આવે છે.

બાદગીરની રચના એવી રીતે કરવામાં આવી છે કે, તે દરેક તરફથી આવતી હવાને ખેંચીને સાંકડા રસ્તા દ્વારા નીચે સુધી લઈ જાય છે. ઠંડી હવાના દબાણથી ગરમ હવા બહાર નીકળી જાય છે. આ ગરમ હવાને બહાર નીકળવા માટે બાદગીરની પાછળની તરફ એક બારી જેવી જગ્યા રાખવામાં આવે છે. જો ઠંડો પવન વાતો ન હોય તો પણ તે ગરમ હવા પર દબાણ કરીને તેને ધક્કો મારીને બહાર કાઢવાનું કામ કરે છે. જેનાથી ઘરની અંદર ઠંડક જળવાઈ રહે છે.

બાદગીરમાં થઈને આવતી હવા એક કમાનમાં થઈને પસાર થાય છે, જે ભોંયરા સુધી જાય છે. ત્યાંથી નહેરોનું પાણી પસાર કરવામાં આવે છે. જેને કનાત પદ્ધતિ કહેવામાં આવે છે. આ ભાગને સર્દાબ (ઠંડું પાણી) કહેવાય છે. આ ભાગ એટલો ઠંડો હોય છે કે ગરમ હવા આના સંપર્કમા આવતા જ ઠંડી થઈ જાય છે અને પાછળ મૂકેલી બારીમાંથી હવા અવરજવર કરતી રહે છે. (આ કનાત વિષે આપડે આગળ જતાં જાણીશું.) આ ભોંયરામાં ગરમીને લીધે જલ્દી બગડી જતી વસ્તુઓ મૂકવામાં આવે છે.

યઝ્દ શહેરમાં કઝારી યુગનાં ઘણાં મકાનો હજુ પણ સારી હાલતમાં મોજુદ છે. તે પૈકી એક છે જાણીતું લારિહા હાઉસ. ઓગણીસમી સદીમાં બનેલી આ ઇમારત પર્શિયન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. તેની વચ્ચે લંબચોરસ આંગણું છે. ઇમારતમાં ગરમી અને ઠંડીની મોસમના હિસાબે અલગ અલગ ભાગ બનેલા છે. ઇમારતને બે ભાગમાં વહેંચવાનો હેતુ ઠંડીમાં સૂરજનાં તાપનો વધુમાં વધુ ઉપયોગ કરવાનો અને ગરમીમાં સૂરજથી દૂર રહેવાનો છે. આ ઇમારતના ગરમીવાળા ભાગમાં ‘બાદગીર’ બનાવવામાં આવ્યું છે.

1 thought on “બાદગીર: ઘરોને ઠંડા રાખતી હજારો વર્ષ જૂની ઈરાની તકનીક

Leave a Reply