પરડ્યુ યુનિવર્સિટીમાં બનાવવામાં આવેલ સફેદ પેઇન્ટ સપાટીને આસપાસના વિસ્તાર કરતા ઠંડી રાખીને એર-કંડીશનરની જરૂરિયાતને ઘટાડી શકે છે

Gujarati

પરડ્યુ યુનિવર્સિટીના ઇજનેરોએ એવો સફેદ પેઇન્ટ બનાવ્યો છે કે જે સપાટીને તેની આસપાસના વિસ્તાર કરતા ૮ થી ૧૯ ડિગ્રી ફેરનહિટ સુધી ઠંડી રાખી શકે છે. સંશોધનકારોના જણાવ્યા મુજબ, આ પેઇન્ટ લગભગ ન બરાબર સૌર ઊર્જાનું શોષણ કરે છે જેના કારણે મકાન તેમજ બિલ્ડીંગની સપાટી ગરમ થતી નથી અને આમ એર કન્ડીશનીંગ જરૂરિયાતને ઘણા અંશે ટાળી શકાય છે.

બજારમાં મળતા વ્હાઇટ પેઇન્ટની તુલનામાં તેમણે બનાવેલો પેઇન્ટ સીધા સૂર્યપ્રકાશ હેઠળ વધુ નીચું તાપમાન જાળવી શકે છે અને વધુ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પરાવર્તિત કરી શકે છે. જો આ પેઇન્ટને રસ્તાઓ, છત અને કાર સહિત વિવિધ સપાટીઓ પર લગાવવામાં આવે તો આ તકનીકથી પૃથ્વીની સપાટીને ઠંડી રાખવામાં ખરેખર મદદ મળશે.

પરડ્યુ યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર ઝિયુલિન રૂઆન કહે છે કે, “જો તમે આ પેઇન્ટનો ઉપયોગ આશરે ૧૦૦૦ ચોરસ ફૂટના છત વિસ્તારને આવરી લેવા માટે કરો છો, તો અમારું અનુમાન છે કે તમને ૧૦ કિલોવોટ જેટલો કુલીંગ પાવર મળશે, જે મોટાભાગના ઘરો દ્વારા ઉપયોગમાં લેવાતા સેન્ટ્રલ એર કંડિશનર્સ કરતા વધુ પાવરફુલ છે”. સંશોધનકારો માને છે કે આ પેઈન્ટ દ્વારા સૂર્યપ્રકાશના લગભગ ૯૮.૧% જેટલા કિરણો પરાવર્તિત થઈ જાય છે.

આ પેઈન્ટમાં બેરીયમ સલ્ફેટ નામના રાસાયણિક સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે, જેનો ઉપયોગ ફોટો કાગળ અને કોસ્મેટિક્સને સફેદ બનાવવા માટે પણ થાય છે. પેઈન્ટમાં બેરિયમ સલ્ફેટના કણો ઉચ્ચ સાંદ્રતા(high concentration)માં જુદા જુદા કદના રાખવામાં આવે છે. પ્રત્યેક કણ કેટલા સૂર્યપ્રકાશને રોકે છે અથવા પરાવર્તિત કરે છે તે તેના તેના કદ પર આધાર રાખે છે, તેથી પેઇન્ટમાં રહેલા આ કણોના વિવિધ કદને કારણે સૂર્યપ્રકાશના મોટા ભાગના વર્ણપટ(સ્પેક્ટ્રમ)ના કિરણોને રોકવામાં સફળતા મળે છે.

સંશોધનમાં શરૂઆતમાં ૧૦૦ થી વધુ પદાર્થોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા, જેમાંથી આગળ જતા ૧૦ જેટલા પદાર્થોની પસંદગી કરવામાં આવી હતી. અને દરેક પદાર્થ માટે લગભગ ૫૦ જેટલા વિવિધ ફોર્મ્યુલેશનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સંશોધન ૬ વર્ષ સુધી ચાલ્યું હતું. જો કે બેરીયમ સલ્ફેટ પહેલાનો તેમનો અલ્ટ્રા-વ્હાઇટ પેઇન્ટ કેલ્શિયમ કાર્બોનેટથી બનેલો હતો, જે પૃથ્વી પર સામાન્ય રીતે ખડકો અને છીપલાઓમાં ભરપુર માત્રામાં જોવા મળે છે.

સંશોધનકારોએ તેમના અધ્યયનમાં દર્શાવ્યું છે કે બજારમાં મળતા વિવિધ પેઇન્ટની જેમ, તેમનો બેરિયમ સલ્ફેટ આધારિત પેઇન્ટ પણ વાતાવરણની વિવિધ બાહ્ય પરિસ્થિતિઓમાં સારી રીતે ટકી શકે છે. તેમજ આ પેઇન્ટ બનાવવા માટે જે તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે હાલની વ્યવસાયિક પેઇન્ટ બનાવટી પ્રક્રિયા સાથે પણ સુસંગત છે.

Source: https://www.purdue.edu/newsroom/releases/2021/Q2/the-whitest-paint-is-here-and-its-the-coolest.-literally..html

Leave a Reply