કર્ણાટકના તુમાકુરુ જીલ્લાના પવાગડા તાલુકામાં ટેકરીઓ પર અત્યારે ઘણાં વૃક્ષો જોવા મળે છે. પરંતુ, વારંવાર અનાવૃષ્ટિનો શિકાર થતા આ તાલુકામાં ત્રણ દશકાઓ પહેલા આવું નહોતું. ત્યાં ઉજ્જડ જમીન હતી અને ટેકરીઓ પર પણ વધુ વૃક્ષો નહોતા.
ત્યારે એ તાલુકાનાં પાંચ ગામોએ ભેગા થઈ એક ચળવળ શરુ કરી અને સામાજિક વનીકરણ કરીને એ ઉજ્જડ ટેકરીઓ પર વૃક્ષો વાવ્યા. તેઓએ ત્રીસ વર્ષ પહેલા વાવેલા છોડવાઓ આજે મોટા ઝાડ બની ગયા છે અને ગ્રામજનોના કહેવા મુજબ તેમના લીધે તાપમાનમાં પણ ઘટાડો થયો છે અને કુવામાં પાણીના સ્તર પણ ઉપર આવ્યા છે.

વૃક્ષો વાવી દીધા પછી ગ્રામજનો પર તેની સાચવણીની જવાબદારી કોને અને કઈ રીતે આપવી તે પણ એક મોટો પ્રશ્ન હતો. આ માટે તેમણે સ્વયંસેવકોની કમિટીઓ બનાવી, કામોની વહેંચણી કરી લીધી. અમુક લોકોએ છોડને પાણી પીવડાવવાની જવાબદારી લીધી તો અમુકે ઝાડ કાપનારા લોકોથી રક્ષણ આપવાની જવાબદારી ઉપાડી લીધી.
શરૂઆતમાં તેમને ઘણાં લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. તેમને કહેવામાં આવતું કે આ જમીન પર વૃક્ષ વાવવાનો અને દંડ વસુલ કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? પરંતુ, ગ્રામજનોએ દંડની વસૂલાતને મહત્વ આપવાના બદલે લોકોના વિચારો બદલવા પર વધારે મહત્વ આપ્યુ. આ કારણથી, હવે જે લોકો વિરોધ કરતા હતા તેઓ આજે લોકોને જંગલના સંરક્ષણના મહત્વ વિષે સંબોધન આપવા લાગ્યા છે.
બધા લોકોના સહયોગથી કઈ રીતે સમાજ માટે ઉપયોગી કાર્યો કરી શકાય તેની આ ઉમદા મિસાલ છે.