કેનાલ ટોપ સોલાર પ્લાન્ટ: સૌર ઊર્જા અને કેનાલનો અનોખો અને અસરકારક સમન્વય

Uncategorized

ભારત દુનિયામાં સૌથી વધારે તડકાના દિવસો પામતા દેશોમાંથી એક છે પણ સાથે-સાથે ગીચતાની દ્રષ્ટીએ પણ ખુબજ આગળ છે. આ માટે ભારતમાં સૌર ઊર્જા વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે, પણ તે માટે જમીનની આવશ્યકતા પણ વધુ હોવાથી હજુ સુધી તેનો સ્વીકાર ઓછો થયો છે. આપણા દેશમાં સોલાર યોજનામાં એક મોટો અવરોધ તે માટે જોઈતી વિશાળ જમીન પણ છે. એક અંદાજ પ્રમાણે, એક મેગાવોટ સોલાર પાવરનું ઉત્પાદન કરવા માટે ૬ એકર જમીન જોઇએ છે. પણ જો આપણે સોલાર પેનલ લગાડવા માટે જમીન વેડફવી જ ન પડે તો? અને જો તે સાથે પાણીની પણ બચત કરી શકીએ તો?


આ પ્રશ્નોના જવાબ રૂપે અત્યારે રૂફ ટોપ સોલાર પેનલ પદ્ધતિ ચલનમાં છે, જેમાં ઘરના ધાબા પર સોલાર પેનલ લગાડવામાં આવે છે. જો કે આ સિવાય પણ જમીન વેડફ્યા વગર સોલાર પેનલ લગાડવાનો એક અન્ય રસ્તો છે. જે વિશે આપણે આ લેખમાં ચર્ચા કરીશું.


કેનાલ ટોપ સોલાર પેનલ પાવર પ્રોજેક્ટમાં કેનાલની ઉપર સોલાર પેનલ લગાડવામાં આવે છે. જેનાથી બમણો ફાયદો થાય છે. એક તો સોલાર પેનલની કાર્યક્ષમતા વધે છે અને બીજું કે કેનાલના પાણીનું બાષ્પીભવન પણ ઘટી જાય છે, જેથી પાણીનો પણ બચાવ થાય છે. આપણે નર્મદા કેનાલની જ વાત કરીએ તો તેમાં વાર્ષિક ૯૦ લાખ લિટર પાણીનું બાષ્પીભવન થાય છે.


ગુજરાતમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચંદ્રાસણ ગામ નજીક કેનાલ પર સૌપ્રથમ ૨૦૧૨માં આ રીતનો સોલાર પ્લાન્ટ લગાડવામાં આવ્યો હતો. આવી રીતે લગાડેલી સોલાર પેનલની નીચેથી પાણીનું વહેણ સતત ચાલતું હોવાથી ત્યાનું તાપમાન જમીન પર લગાડેલ સોલાર પેનલ કરતા ઓછુ રહે છે, જેથી કેનાલ પર લગાડેલ સોલાર પેનલ ૨.૫-૫% વધુ કાર્યક્ષમ બને છે.


આ ઉપરાંત જમીન પર લગાડવામાં આવતી પેનલની કાર્યક્ષમતામાં દર વર્ષે સરેરાશ ૧% ટકાનો ઘટાડો થાય છે. જ્યારે કેનાલ ઉપર લગાડવામાં આવતી પેનલોમાં ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટ (GERMI)ના એક સંશોધન મુજબ, પ્રથમ ત્રણ વર્ષોમાં આ પેનલોની કાર્યક્ષમતામાં કોઈ પણ ઘટાડો નોંધાયો નથી.


આ સંશોધન મુજબ, આ સૌર ઉર્જાથી ઉત્પન્ન થયેલી વીજળી આસપાસના ગામો તથા ખેતીના સિંચાઇના પંપ માટે ઉપયોગમાં લેવામાં આવે તો વીજ પરિવહનમાં થતો ૩-૪% નો દુર્વ્યય પણ ઘટી શકે.
તદુપરાંત, પેનલના છાંયડાના લીધે કેનાલના પાણીમાં શેવાળ પણ ઓછી થાય છે. અને શેવાળના લીધે પંપ ભરાઈ જવા જેવા પ્રશ્નોનું પણ નિરાકરણ આવી જાય છે.


આ રીતે, આપણે સોલાર પેનલો લગાડીને આપણે આપણા દેશને મળેલા મહત્વના સૌર ઉર્જાના જથ્થાનો ઉપયોગ જમીન વેડફ્યા વગર કરી શકીએ છીએ.

Sources:

https://www.indiaspend.com/why-indias-canals-could-help-fast-forward-its-solar-energy-plans-61816

https://renewablewatch.in/2018/10/24/creating-ripples/

https://www.bbc.com/future/article/20200803-the-solar-canals-revolutionising-indias-renewable-energy

Leave a Reply