સુખદ જીવન માટે હકારાત્મક વિચારો અત્યંત જરૂરી

Gujarati

હકારાત્મક વિચારો વ્યક્તિને સુખદ જીવન જીવવા માટે પ્રેરણા પૂરી પાડે છે, તેમજ જીવનમાં ઘટતી જુદી જુદી ઘટનાઓનો સામનો કરવા માટે મનોબળને મજબૂત પણ કરે છે. હકારાત્મક વિચાર તણાવ વ્યવસ્થાપનમાં ખુબ મદદરૂપ થાય છે અને સ્વાસ્થ્યને પણ સુધારી શકે છે. જીવનમાં પડતી તકલીફો તેમજ અગમ્ય ઘટનાઓ અથવા પોતાની પાસે જે છે તેમાં સંતોષ ન હોવાને કારણે ઘણીવાર લોકો પોતાના જીવનથી ખુશ હોતા નથી, ઘણાં લોકો તો વળી પોતાની પાસે જે છે તેનો આભાર માનવાની જગ્યાએ જે વસ્તુ તેમની પાસે નથી તેની તડપમાં ને તડપમાં પોતાની જાતને માયુસી તરફ લઈ જતા હોય છે અને આમ નકારત્મક વિચારોના ભોગ બને છે, અને પરિણામે હતાશ થઈ આત્મહત્યા અથવા બીજા કોઈ ઇચ્છનીય ન હોય તેવા કાર્યો તરફ ધકેલાઇ જાય છે.

સકારાત્મકતાનો અર્થ એ પણ નથી કે, તમે જીવનમાં તમને જે મળ્યું છે તેનાથી ખુશ થઈને થંભી જાઓ અને પોતાના જીવનને મર્યાદાઓમાં બાંધી દો. કુદરત ઉપર ભરોસો રાખીને સકારાત્મકતા સાથે મહેનત કરતા રહેવું જોઈએ, અને પછી તેનું જે પણ ફળ મળે તેનો ખુશીથી સ્વીકાર કરી આગળ વધવું જોઈએ, ના કે બીજાના ફળ તરફ નજર કરી ને દુઃખી થવું જોઈએ.

તમારી સામે પડેલો ગ્લાસ અડધો ખાલી છે કે અડધો ભરેલો છે? આ પ્રશ્નનો જવાબ તમારા જીવન પ્રત્યેના તમારા દૃષ્ટિકોણનું પ્રતિબિંબ બતાવી શકે છે. તમારા પોતાના વિષેનો તમારો અભિગમ, તમે આશાવાદી છો કે નિરાશાવાદી છો, તમે હંમેશા કેવા વિચારોમાં ખોવાયેલા રહો છો વગેરે બાબતો તમારા સ્વભાવ અને તમારા નજીકના લોકો સાથેના તમારા સંબંધ ઉપર આધાર રાખે છે. અને તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડતી હોય છે.

ઘણાં અભ્યાસો દર્શાવે છે કે આશાવાદ અને નિરાશાવાદ જેવા વ્યક્તિત્વના લક્ષણો તેના સ્વાસ્થ્ય અને સુખાકારી જીવનના વિવિધ ક્ષેત્રો પર અસર કરે છે. હકારાત્મક વિચારસરણી જે સામાન્ય રીતે આશાવાદ સાથે આવે છે તે તણાવને દૂર કરે છે. અને હકારાત્મકતાથી સ્વાસ્થ્યને લગતી ઘણી બીમારીઓ દૂર પણ થાય છે. પરંતુ જો તમે નિરાશાવાદી હોવ તો પણ નિરાશ થવાની જરૂર નથી કેમ કે ધીરે ધીરે હકારાત્મક તરીકાથી વિચારવાની કુશળતા શીખી શકાય છે અને વળી આવું વિચારવું એ પણ હકારાત્મકતા તરફનું પહેલું પગથિયું છે.

હકારાત્મક વિચારસરણી ઘણીવાર સ્વ-વાત(એટલે કે પોતાની જાત સાથે એકલતામાં વાતો કરવી) થી શરૂ થાય છે. સ્વ-વાત એ તમારા મનમાં વહેતો વિચારોનો અવિરત પ્રવાહ છે. આ વિચારો હકારાત્મક કે નકારાત્મક બંને પ્રકારના હોઈ શકે છે. તમારી કેટલીક સ્વ-વાતો તર્ક અને કોઈ કારણથી આવે છે તેમજ કેટલીક સ્વ-વાતો માહિતીના અભાવને કારણે તમે બનાવેલી ગેરમાન્યતાઓમાંથી પણ ઉદ્ભવી શકે છે. વિચારસરણીને હકારાત્મક બનાવવા માટે નીચે કેટલાક મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે જે કેટલીક હદ સુધી ખુશહાલ જીવન માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.

વિચારોની આપલે કરો: જો તમારા મનમાં ચાલતા વિચારો મોટે ભાગે નકારાત્મક હોય, તો જીવન પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ નિરાશાવાદી હોય તેવી શક્યતા છે. માટે તમે તમારા વિચારો તમારા દોસ્તો, પરિવાર, શિક્ષક કે એવા વ્યક્તિ સાથે ચર્ચા કરો જે તમને સમજી શકતો હોય અને ત્યાર સુધી કરો જ્યાર સુધી તમને ઉદ્ભવેલા વિચારોનો જવાબ ના મળી જાય. આવું કરવાથી બીજા પ્રત્યેની તમારી ગેરમાન્યતાઓ દૂર થશે અને ધીરે ધીરે તમારા વિચારો હકારાત્મક બનવા લાગશે.

એકલતામાં સમય પસાર કરવાનું ટાળો: આવું કરવાથી તમે હંમેશા તમારા પ્રિય લોકો સાથે સંકળાયેલા રહેશો અને લગાતાર ચર્ચાઓ અને વિચારોની આપ-લેથી તમે હંમેશા સકારાત્મકતા તરફ પ્રેરિત થશો, અને સમાજ અને લોકો પ્રતેનું તમારું વલણ બદલાશે.

કોઈ સંજોગને વ્યક્તિગત ન બનાવવો: જ્યારે કંઇક અણગમતું થાય ત્યારે તમે આપમેળે તમારી જાતને દોષ તો નથી આપી રહ્યા ને? ઉદાહરણ તરીકે, મિત્રો સાથે તમારે ક્યાંક ફરવા જવાનું હતું પરંતુ કોઈ પરિસ્થતિના કારણે જવાનું બંધ રહ્યું છે, ત્યારે તમે શું વિચારો છો ? જો આવી પરિસ્થતિમાં તમે ધારો છો કે યોજનાઓમાં ફેરફાર એટલા માટે થયો છે કે કોઈ તમારી આસપાસ રહેવા માંગતું નથી, તો આ નકારાત્મકતા તરફ લઈ જાય છે. અને તમે તે પરિસ્થિતિને નહીં બલકે પોતાની જાત ને દોષિત માની રહ્યા છો.

દિવસની શરૂઆત: જરૂરી નથી કે તમારા દિવસની શરૂઆત કોઈ નકારત્મકતા અથવા કોઈ કાર્ય બગડવાથી થઈ છે તો આખો દિવસ એ પ્રમાણે જ જશે. એ જ રીતે કોઈ કામના શરૂઆતમાં નિષ્ફળતા મળવાથી નકારાત્મકતા લાવીને હારી જવાની જરૂર નથી. ગુજરાતીમાં એક કહેવત છે કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. માટે નિષ્ફળતા મળતા હારી જવાની જગ્યાએ આવનાર કાર્ય વધુ મહેનતની સાથે કરવામા આવે તો સફળતા જરૂર મળશે. અને જો કોઈ કારણસર તમે જે વિચાર્યું છે તેવું નથી થતું, તો કુદરતની ઈચ્છા ઉપર રાજી થતાં શીખો અને જીવનમાં આગળ વધી જાઓ.

બદલાવ માટે વિસ્તારો ઓળખો: જો તમે આશાવાદી બનવા માંગતા હો અને સકારાત્મક વિચારસરણીમાં જોડાવા માંગતા હો, તો પહેલા તમારા જીવનના એવા ક્ષેત્રોને ઓળખો કે જેના વિશે તમે સામાન્ય રીતે નકારાત્મક વિચારો ધરાવો છો, પછી ભલે તે કોઈ કામ હોય, તમારી દૈનિક સફર હોય કે પછી કોઈ સંબંધ. તમે કોઈ એક ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને નાની શરૂઆત કરી શકો છો.

તમારી જાતને તપાસો: દિવસ દરમિયાન સમયાંતરે, તમે શું વિચારી રહ્યા છો તે બંધ કરો અને તેનું મૂલ્યાંકન કરો. જો તમને લાગે કે તમારા વિચારો મુખ્યત્વે નકારાત્મક છે, તો તેમને સકારાત્મકતા તરફ વાળવાનો પ્રયાસ કરો.

તંદુરસ્ત જીવનશૈલીને અનુસરો: અઠવાડિયાના મોટાભાગના દિવસોમાં લગભગ ૩૦ મિનિટ કસરત કરવાનું લક્ષ્ય રાખો. તમે તેને દિવસ દરમિયાન સમયના દસ-દસ મિનિટના ભાગમાં પણ વહેંચી શકો છો. શારીરિક કસરત મૂડ પર હકારાત્મક અસર કરી શકે છે અને તણાવ ઘટાડી શકે છે. તમારા મન અને શરીરને સ્વસ્થ રાખવા માટે સમયસર સ્વસ્થ આહાર તેમજ પુરતી ઊંઘ પણ અત્યંત જરૂરી છે. 

તમારી જાતને સકારાત્મક લોકોથી ઘેરી લો: ખાતરી કરો કે તમારા જીવનમાં તે સકારાત્મક અને સહાયક લોકો છે જેના પર તમે મદદરૂપ સલાહ અને પ્રતિસાદ માટે આધાર રાખી શકો છો. નકારાત્મક લોકો તમારા તણાવનું સ્તર વધારી શકે છે.

હકારાત્મક સ્વ-વાત કરવાની પ્રેક્ટિસ કરો: એક સરળ નિયમનું પાલન કરીને પ્રારંભ કરો- તમારી જાતને એવું કશું ન કહો કે જે તમે બીજા કોઈને ન કહો. તમારી જાત સાથે નમ્ર અને પ્રોત્સાહક બનો. જો તમારા મનમાં કોઈ નકારાત્મક વિચાર આવે છે, તો તેનું તર્કસંગત મૂલ્યાંકન કરો અને તમારા વિશે શું સારું છે તેની પુષ્ટિ સાથે પોતાને જવાબ આપો. તેમજ તમે તમારા જીવનમાં કઈ વસ્તુઓ માટે આભારી છો તે વસ્તુઓ વિશે પણ વિચારો.

Source: https://www.mayoclinic.org/healthy-lifestyle/stress-management/in-depth/positive-thinking/art-20043950

2 thoughts on “સુખદ જીવન માટે હકારાત્મક વિચારો અત્યંત જરૂરી

  1. …”જો તમારા મનમાં કોઈ નકારાત્મક વિચાર આવે છે, તો તેનું તર્કસંગત મૂલ્યાંકન કરો અને તમારા વિશે શું સારું છે તેની પુષ્ટિ સાથે પોતાને જવાબ આપો. તેમજ તમે તમારા જીવનમાં કઈ વસ્તુઓ માટે આભારી છો તે વસ્તુઓ વિશે પણ વિચારો.”… કેટલી ઉત્તમ વિચાર રજું કર્યો તમે.

Leave a Reply