ગુવાહાટીના માઝીન મુખ્તાર અને પર્મિતા શર્માએ એક નવીન શાળા સ્થાપી છે જે શાળાની માસિક ફી પેટે પ્લાસ્ટિકના કચરાનો સ્વીકાર કરે છે. અક્ષર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ શાળા એવી જગ્યાએ બનાવવામાં આવી છે જ્યાં બાળકો પરિવારનો ગુજારો કરવા માટે કામ કરવા મજબૂર છે. તેમનો આ નવીન પ્રયોગ એકી સાથે બાળ મજૂરી, બેરોજગારી, નિરક્ષરતા અને પ્લાસ્ટિકના જોખમ સામે કારગર નીવડી શકે છે.
યુનેસ્કોના એક અહેવાલ મુજબ, ૨૦૧૩માં ૧.૧ કરોડથી પણ વધારે કિશોરો અને કિશોરીઓ શાળામાં નહોતા ભણતા. ગરીબાઈ સામે લડવા માટે અને પોતાના પરિવારનો ગુજારો કરવા માટે ઘણા વાલીઓ પોતાના બાળકોને ભણવા મોકલવાને બદલે કામે મોકલવાનું પસંદ કરે છે. ભારતની શાળાઓ આવી હકીકતનો સ્વીકાર કરીને તે મુજબ બદલાવો કરવાને બદલે રૂઢિચુસ્ત ઢબે જ ચાલી રહી છે.
ગુવાહાટીમાં આવેલા પાહોમી ગામના લોકો પણ આવા જ ચક્રમાં અટવાયેલાં હતા. ગરીબાઈની સાથેસાથે અહિં દારૂની લત અને બેરોજગારી જેવી સમસ્યાઓના લીધે બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હતી. એટલે માઝીન મુખ્તાર અને એમના પત્ની પર્મિતા શર્માએ આ પરિસ્થિતિને બદલવા માટે એક નવીન પહેલ કરી.
આ દંપતીએ ૨૦૧૬માં અક્ષર શાળાની સ્થાપના કરી, જે ગામ લોકોની વિશેષ જરૂરિયાતોને ધ્યાને લઈને બનાવવામાં આવી હતી. તેમણે જોયું કે આ વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઉપર લાવવા માટે અભ્યાસ, રોજગાર, અને સમાજને સાથે લઈને ચાલવું જરૂરી છે.

બાળ મજૂરી હટાવવા માટે બાળકોનું સશક્તિકરણ
આ દંપતીએ ઉપરના ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા નીચેના ધોરણના વિદ્યાર્થીઓના પીરિયડ લેવાની શરૂઆત કરી. આના વળતર રૂપે તે બાળકોને સ્ટેશનરી, ખોરાક, રમકડા જેવી વસ્તુઓ ખરીદવા માટે પૈસા આપવામાં આવ્યા. આનાથી તેમણે એક કાંકરે બે પક્ષીઓ માર્યા – શાળાનો અભ્યાસ છોડવાની અણીએ ઉભા હોય એવા વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો અને તેમને ટ્રેનીંગ આપીને તેમનામાં નેતૃત્વ જેવા કૌશલ્યોનું સિંચન પણ કર્યું. આ રીત અસરકારક સાબિત થઈ, કેમ કે ટૂંક સમયમાં બાળકોની સંખ્યા ૨૦થી વધીને ૧૦૦ થઈ ગઈ. તેમજ આ ‘મેટા-ટીચિંગ’ ના લીધે શિક્ષકો પરનો બોજો પણ કંઈક અંશે ઓછો થયો.
આ શાળામાં દરેક વિદ્યાર્થી એક પાર્ટ-ટાઈમ શિક્ષક પણ છે. આ શાળામાં સેનામાં જોવા મળે છે એવી હોદ્દાઓના ક્રમાંક (hierarchy) વાળી પદ્ધતિ અમલમાં મુકવામાં આવી છે. જે લાયકાત ધરાવતો શિક્ષક હોય એ ‘કેપ્ટન’ હોય છે, અને તેની પાસે ૩ ‘લેફ્ટનન્ટ’ અથવા તો સ્થાનિક શાળામાંથી ભણીને બહાર નીકળ્યા હોય અને કોલેજમાં ઓનલાઈન કોર્સ કરતા હોય એવા વિદ્યાર્થીઓ હોય છે જે તેમને બાળકો એટલે કે ‘સાર્જન્ટ’ના અભ્યાસ દરમિયાન મદદ કરે છે. પછી આ બાળકો તેમણે જે શીખ્યું હોય એ વસ્તુ નાના બાળકોને એટલે કે ‘કેડેટ’ ને શીખવાડે છે. આ રીતે પિરામીડ જેવા આકારની આ હોદ્દા પદ્ધતિમાં બાળકો મહેનત કરીને પ્રમોશન મેળવીને એમને મળતું વળતર પણ વધારી શકે છે.
પ્લાસ્ટિકના કચરાનો ફી તરીકે સ્વીકાર
આ શાળાએ પ્લાસ્ટિકના કચરાને પ્રોસેસ કરીને ઇંટો બનાવવાનો પ્લાન્ટ નાખ્યો છે.
આ શાળાના સંસ્થાપક માઝીન કહે છે કે ભણતર અહીંના બાળકોની સામાજિક, આર્થિક, અને પર્યાવરણીય પરિસ્થિતિઓ સાથે સુસંગત હોવું જોઈએ. એમના શબ્દો પર ખરા ઉતરતાં માઝીને એમના અભ્યાસક્રમમાં આ વાત વણી લીધી છે અને બાળકો પાસેથી ફી પેટે પૈસા લેવાને બદલે તેઓ બાળકો પાસેથી દર અઠવાડિયે પ્લાસ્ટિકના કચરાની ૨૫ વસ્તુઓ લાવવાનું કહે છે. આ પહેલના લીધે અહિં લોકો તાપણું કરવા માટે પ્લાસ્ટિક સળગાવતા હતા એમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ પ્લાસ્ટિકને સિમેન્ટ સાથે મેળવીને ઇકોફ્રેન્ડલી ઇંટો, છોડ ઉગાડવા માટેના કુંડા વગેરે બનાવવામાં આવે છે.

અક્ષર શાળામાં સામાન્ય દિવસ કેવો હોય છે?
સાતમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનો દિવસ ભૂગોળના લેકચર સાથે શરૂ થાય છે. ત્યારબાદ, એક કલાકનો અંગ્રેજીનો તાસ હોય છે અને પછી વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવે છે. પછી, વિદ્યાર્થીઓ અડધા કલાકનો વિરામ લે છે. પછી તેઓ ખાન એકેડમી (ઓનલાઈન શિક્ષણ આપતી એક વેબસાઈટ) ના વિડીયો દ્વારા ગણિત શીખે છે. દરરોજ વિદ્યાર્થીઓને એક ડોકયુમેન્ટરી અથવા શૈક્ષણિક વિડીયો બતાવવામાં આવે છે, અને પછી જીવવિજ્ઞાનનો તાસ હોય છે. અને પછી બપોરે ૨ વાગ્યા પછી બાળકોને ૪ કલાક વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે.

શિક્ષણ દેશની હાલત સુધારવાનો એક માત્ર રસ્તો છે. જેમ મૂળાક્ષરો કોઈપણ ભાષાનો આધાર હોય છે તેમ શિક્ષણ વ્યક્તિના સામાજિક, આર્થિક અને મનોવૈજ્ઞાનિક વિકાસનો આધાર હોય છે. મૂળાક્ષરો વિના જેમ કોઈ વ્યક્તિ ભાષા શીખી શકતી નથી, એ જ રીતે શિક્ષણ વિના, માણસનો સર્વાંગી વિકાસ પણ થઈ શકતો નથી.
Sources: