કોલંબિયામાં કોફીની કુશકીમાંથી સસ્તાં અને ટકાઉ ઘરોનું નિર્માણ

Gujarati

કોલંબિયામાં કોફીની કુશકી માંથી સસ્તાં અને ટકાઉ ઘરોનું નિર્માણ

કોફીની કુશકીમાંથી કોઈ ઘર બનાવવાનું કહે તો સ્વાભાવિક પણે આપણને પહેલો પ્રશ્ન એ થાય કે એમાંથી વળી ઘર બને ખરૂ? પણ આપણે અહિં જોઈશું કે હવે કોફીની કુશકીમાંથી પણ ઘર બનાવવામાં આવી રહ્યા છે. વધારે રસપ્રદ વાત તો એ છે કે, આનાથી કોલંબિયાના લોકોની બે જટિલ સમસ્યાઓનું પણ નિરાકરણ આવી રહ્યું છે – પહેલી ઘરોની કટોકટી અને બીજી કોફીના કચરાના ઢગલા. વુડપેકર હાઉસિંગ નામની એક નવીન કંપની કોફીની કુશકી અને રિસાઈકલ કરેલા પોલીમરનું મિશ્રણ કરીને સસ્તાં અને ટકાઉ બાંધકામ બનાવી રહી છે.

અત્યારે કોલંબિયા સમેત દુનિયાના મોટાભાગના બધા દેશોમાં ઘરોની કટોકટી છે. જેથી લોકો પાસે રહેવાની પૂરતી સગવડ નથી હોતી. કોલંબિયાની એક કંપનીએ આ સમસ્યાને જોઇને તેનો ઉકેલ ત્યાંની સૌથી મોટી આડપેદાશનો ઉપયોગ કરીને લાવ્યો છે.

કોફીની કુશકીના ઉપયોગથી ઇકો-ફ્રેન્ડલી ઉકેલ

આ પ્રકારના ઘર બનાવવા માટે લાકડાનો વહેર, ઘાસ, રાઈસ ફાઈબર, પામ ફાઈબર વગેરે મટીરિયલ્સ ઉપર પરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ કામ માટે કોફીની કુશકી સૌથી વધારે ઉપયોગી સાબિત થઈ, જે કોલંબિયામાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. અહિંના ખેડૂતો આવી કુશકીઓને સળગાવી દેતા હોય છે અથવા તેના કચરાનો ઢગલો કરી દેતા હોય છે, જેનાથી જમીન અને હવાનું પ્રદૂષણ પણ થાય છે.

વુડપેકર એસએએસના માલિક એલેક્ઝાંદ્રો ફ્રાંકો કહે છે, “અમે કોફીની કુશકી એટલા માટે પસંદ કરી કે તે બીજા મટીરિયલ્સની સરખામણીમાં વધારે મજબૂત અને સૂકું હોય છે. તથા, તેને ઝડપથી તોડી અને છોલીને તેનો ભૂકો કરી શકાય છે. લોકો મોટે ભાગે કોફીની કુશકીને બાળી નાખે છે, જેનાથી હવાનું પ્રદૂષણ થાય છે. પણ હવે અમે એનો ઉપયોગ વુડ પ્લાસ્ટિક કમ્પોઝીટ (WPC) બનાવવામાં કરીએ છીએ. અમે કુશકીને પોલીમર સાથે મેળવીએ છીએ.” એમના સંશોધનને અંતે WPC મટીરિયલ શોધાયું, જે નવું, અને અસરકારક છે. WPCની પેનલો વજનમાં હલકી, મજબૂત, અને ટકાઉ હોય છે.

WPCનું ઇકો-ફ્રેન્ડલી પાસું

એક ઘર બનાવવામાં વુડપેકર કંપની આશરે 3 ટન WPC મટીરિયલનો ઉપયોગ કરે છે. WPC એક મજબૂત મટીરિયલ છે, જે ટકાઉ અને ફાયરપ્રૂફ હોવાની સાથે સાથે તેની જાળવણી પણ સરળ છે. લાકડાની તુલનામાં, WPC વધુ સારું છે કારણ કે તે બળતું નથી. ઉપરાંત, તે ફાટતું પણ નથી અને જંતુઓ સામે પ્રતિરોધક છે અને પર્યાવરણને અનુકૂળ પણ. એલેક્ઝાંદ્રો કહે છે, “તમે ૧ કિલો WPC વાપરો એનો અર્થ છે કે તમે ૧ કિલો ઝાડ ઓછું કાપ્યું.” આ ઘરોની કિંમત ૪,૫૦૦ અમેરિકી ડોલરથી લઈને ૧૩,૦૦૦ અમેરિકી ડોલર છે, જે તેમની વિશેષતાઓ જોતા યોગ્ય કિંમત છે.

LEGOના રમકડાઓની જેમ તમારા ઘરને ગોઠવી દો

તમારું ઘર બનાવવા માટે તમારે ફક્ત સ્ક્રૂડ્રાઇવર, હથોડી અને ઇલેક્ટ્રિક ડ્રીલની જરૂરિયાત રહે છે.

તમે LEGO રમકડાઓ વિષે જાણતા જ હશો. જેને બાળકો તેમની વિચારશક્તિને અનુરૂપ વિવિધ રીતે ગોઠવીને અલગ અલગ આકારો બનાવે છે. વુડપેકર કંપની આ જ પ્રકારની “લેગો કીટ સિસ્ટમ” બનાવે છે, જેને ૫-૬ દિવસમાં ગોઠવીને તૈયાર કરી શકાય છે. આ ઘર ઊભું કરવા માટે કોઈ મોટા કારીગરની પણ જરૂર નથી રહેતી.

પર્યાવરણને અનુકૂળ થવાનું મિશન:

અત્યાર સુધી, આ કંપનીએ ૩૦૦૦ ઘર અને ૧૨૦૦થી પણ વધારે વર્ગખંડ બનાવ્યા છે, જેની સામાજિક અસર ઘણી મોટી છે. કોફીની કુશકીથી બનેલા આ ઘર વિવિધ રંગોમાં આવે છે, જેથી આજુબાજુના વિસ્તારને અનુરૂપ તેમનો રંગ પસંદ કરી શકાય.

અત્યારે વુડપેકર કંપની આ ઘરોની છત ઉપર સોલાર પેનલો લગાવવાનું અને વરસાદના પાણીનું સંકલન કરવા માટેની સિસ્ટમનું પણ પરીક્ષણ કરી રહી છે. અત્યારે આ કંપની મળમૂત્રને ખાતરમાં ફેરવતા ટોઇલેટ વિષે પણ સંશોધન કરી રહી છે, જે સફળ થાય તો આ ઘર સંપૂર્ણપણે ઉર્જાની બાબતમાં સ્વનિર્ભર અને ‘ઝીરો-વેસ્ટ’ ઘર બની જશે.

એલેક્ઝાંદ્રો આગળ ઉમેરે છે કે, “અમે આ પ્રકારના ઘરો આખી દુનિયામાં બનાવવા માગીએ છીએ, એમાં પણ ખાસ કરીને રહેવું મુશ્કેલ હોય તેવી જગ્યાએ, અને સાથે-સાથે પર્યાવરણને પણ ફાયદો થાય તે રીતે. પર્યાવરણને અમે અમારી દરેક વ્યૂહરચનામાં કેન્દ્ર સ્થાને રાખીએ છીએ. આથી અમે કચરાને રિસાઈકલ કરવાનું નક્કી કર્યું હતું. જો તમે કોઈ સમસ્યાને ઉકેલવા માટે મહેનત કરો, તો તમને રસ્તો મળી જ જાય છે.”

Source: https://www.theoptimistcitizen.com/cost-effective-and-sustainable-houses-made-from-coffee-husks/

Leave a Reply